રોહિતને પોતાની કૅપ્ટન્સી જવા ઉપરાંત ટીમમાંથી બાદબાકી થવાનો પણ અણસાર આવી ગયો હતો?
ટેસ્ટ ટીમના સુકાનીપદે ગિલનું નામ અગ્રેસર બુમરાહ પર કળશ ઢોળાવાની સંભાવના કેમ નથી?

મુંબઈઃ 38 વર્ષના રોહિત શર્મા (ROHIT Sharma)એ ગયા વર્ષે જૂનમાં ટી-20નો વર્લ્ડ કપ ભારતને અપાવ્યા બાદ ટી-20 ઇન્ટરનૅશનલને ગુડબાય (RETIREMENT) કરી હતી એવી જ રીતે આ વર્ષે (આઇપીએલ પહેલાં) ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને ટાઇટલ અપાવ્યા પછી તે ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરવા માગતો હતો, પરંતુ કોઈ કારણસર તેણે ત્યારે નિવૃત્તિની જાહેરાત કરવાનું ટાળ્યું હતું. બાકી, તેને ઑસ્ટ્રેલિયામાં નબળા બૅટિંગ-પર્ફોર્મન્સ અને (ભારતની 1-3ની હાર બદલ) કૅપ્ટન તરીકેની નિષ્ફળતાને પગલે ત્યારે જ અણસાર આવી ગયો હતો કે ગમે ત્યારે તેને ટેસ્ટ-ટીમમાંથી કાઢી નાખવામાં આવશે અને કદાચ એટલે જ તેણે બુધવારે અચાનક જ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું.
રોહિતના અનુગામી તરીકે કેટલાક નામ બોલાય છે જેમાં શુભમન ગિલ (SHUBHMAN GILL)નો ઘોડો આગળ છે.
આઇપીએલની પચીસમી મેએ ફાઇનલ રમાઈ જશે ત્યાર બાદ જૂનમાં ભારતની ટેસ્ટ-ટીમ ઇંગ્લૅન્ડ (ENGLAND TEST TOUR)ના લાંબા પ્રવાસે જશે જ્યાં પાંચ ટેસ્ટ રમાશે. એ ટૂર માટે અઠવાડિયામાં ટીમ જાહેર થવાની છે અને એમાં નવા કૅપ્ટનનું નામ જાહેર કરવાની સાથે થોડા યુવા તેમ જ અમુક અનુભવી ખેલાડીઓવાળી ટીમની પણ જાહેરાત કરવામાં આવશે.
એવું મનાય છે કે હેડ-કોચ ગૌતમ ગંભીર અને અજિત આગરકરના અધ્યક્ષસ્થાન હેઠળની સિલેક્શન કમિટીએ બીસીસીઆઇના મોવડીઓને કહી દીધું હતું કે રોહિતને હવે તેઓ ટેસ્ટ ટીમના કૅપ્ટનપદે નથી જોવા માગતા અને ખેલાડી તરીકે પણ જો પર્ફોર્મન્સ સારો હશે તો જ તેને રમવા મળશે. ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે કે રોહિતને ટીમમાંથી પોતાની બાદબાકી થવાની ગંધ આવી ગઈ હશે એટલે તેણે પોતે જ ટેસ્ટ ટીમમાંથી બાદબાકી કરી નાખી. બીજી રીતે કહીએ તો ટેસ્ટમાંથી સીધી નિવૃત્તિ જ જાહેર કરી દીધી.
ઉલ્લેખનીય છે કે આઇપીએલની પહેલાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં સિડનીમાં જે છેલ્લી ટેસ્ટ રમાઈ હતી એમાંથી રોહિત પોતે જ (ખરાબ બૅટિંગ પર્ફોર્મન્સ બદલ) ટીમમાંથી નીકળી ગયો હતો. રોહિતે 2013માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યા બાદ 2024ની સાલ સુધીમાં 67 ટેસ્ટમાં 7,538 બૉલનો સામનો કરીને 4,301 રન કર્યા હતા જેમાં 12 સેન્ચુરી અને 18 હાફ સેન્ચુરી સામેલ હતી. તેણે સૌથી વધુ ચાર ટેસ્ટ સદી ઇંગ્લૅન્ડ સામે ફટકારી હતી અને કમનસીબે હવે એ દેશ સામે 20મી જૂને શરૂ થનારી સિરીઝ પહેલાં જ તેણે ટેસ્ટને ગુડબાય કરવાનો સમય પસંદ કરવો પડ્યો છે.
ટેસ્ટના કૅપ્ટનપદે રોહિતના અનુગામી તરીકે શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને રિષભ પંતના નામ ચર્ચાય છે, પરંતુ એ બધામાં ગિલનું નામ અગ્રેસર છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની નવી બે વર્ષની સીઝન શરૂ થવાની તૈયારીમાં છે અને એ સીઝનમાં બુમરાહ તમામ મૅચો રમશે એ સંભવ નથી. કારણ એ છે કે બુમરાહને વર્કલૉડ મૅનેજમેન્ટના ભાગરૂપે અમુક ટેસ્ટ મૅચોમાંથી આરામ આપવામાં આવશે. બીજું, બુમરાહ વારંવાર ઈજાગ્રસ્ત થઈ ચૂક્યો છે એટલે તેને જો ટેસ્ટ કૅપ્ટન બનાવવામાં આવે તો સિલેક્ટરોની, ટીમ ઇન્ડિયાની અને ટીમ મૅનેજમેન્ટની યોજના બગડી જાય.
ગિલ હાલમાં આઇપીએલમાં નંબર-વન ટીમ ગુજરાત ટાઇટન્સનું સુકાન બહુ સારી રીતે સંભાળી રહ્યો છે તેમ જ આ ટૂર્નામેન્ટમાં તેણે 508 રન પણ કર્યા છે એટલે ભારતની ટેસ્ટ ટીમનો તેને જ કૅપ્ટન બનાવવા માટેના ચક્રો ગતિમાન છે.