મહારાષ્ટ્ર

દીકરાની હત્યા કરી બેસ્ટના કંડક્ટરની આત્મહત્યા

પાલઘર: નોકરીમાંથી સસ્પેન્ડ કરાયેલા બેસ્ટની બસના કંડક્ટર હતાશામાં 15 વર્ષના દીકરાની કથિત હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો હોવાની ઘટના પાલઘર જિલ્લાના જવ્હારમાં બની હતી.

સબ-ઈન્સ્પેક્ટર અનિલ દિઘોલેએ જણાવ્યું હતું કે ઘટના બુધવારે જવ્હાર તાલુકાના પિંપળશેઠ ગામમાં બની હતી. બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસના ક્ધડક્ટર શરદ ભોયે (40)એ વાયરથી પુત્ર ભાવેશનું ગળું દબાવ્યું હતું.

આપણ વાંચો: મલાડની હોટેલમાં ગળું દબાવી પ્રેમીની હત્યા કરનારી મહિલા સુરતમાં પકડાઈ

શરદ છેલ્લા ત્રણ મહિનાથી સસ્પેન્શન હેઠળ હતો અને પરિસ્થિતિને કારણે તે હતાશ પણ હતો. પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે બુધવારની બપોરે ભોયે તેના ફાર્મહાઉસમાં ગયો હતો. 10મા ધોરણમાં ભણતા દીકરાની ગળું દબાવીને તેણે હત્યા કરી હતી. બાદમાં શબને જમીન પર પટક્યું હતું. તેના શરીર પર ઇજાનાં નિશાન હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દીકરાની હત્યા પછી શરદે ઘરની બીજી રૂમમાં જઈને સીલિંગ સાથે ગળાફાંસો ખાધો હતો. નજીકમાં જ રહેતા ભોયેના પિતા ઘરે આવ્યા ત્યારે બન્નેના મૃતદેહ પર નજર પડી હતી. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પિતા-પુત્રનાં શબને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં. આ પ્રકરણે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button