નીતીશ રાણાને બદલે રમનારા સાઉથ આફ્રિકાના આ બૅટ્સમૅનનો આ શૉટ જોયો? જરૂર ચોંકી જશો…

જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ (RR)એ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન નીતીશ રાણા (NITISH RANA)ને 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, પણ તે 11 મૅચ રમ્યા પછી હવે ઈજા પામતાં સ્પર્ધામાંથી નીકળી ગયો છે અને તેના સ્થાને સાઉથ આફ્રિકાના આક્રમક બૅટ્સમૅન લુઆન-ડ્રે પ્રિટોરિયસ (Lhuan-dre Pretorius)ને આરઆરની સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો છે. પ્રિટોરિયસ માત્ર 19 વર્ષનો છે અને પાવરફુલ લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટર અને વિકેટકીપર છે. તેને 30 લાખ રૂપિયમાં મેળવવામાં આવ્યો છે.
પ્રિટોરિયસે તાજેતરમાં સાઉથ આફ્રિકાની એસએ20 નામની ટી-20 લીગમાં એક શૉટ માર્યો હતો એનો વીડિયો વાઇરલ થયો છે. એ સિક્સર-હિટિંગ શૉટમાં પ્રિટોરિયસે એક ફ્લિકમાં (પળવારમાં) છ રન મેળવી લીધા હતા. પ્રિટોરિયસે 2025ની એસએ20 સ્પર્ધાની 12 મૅચમાં 166.80ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 397 રન કર્યા હતા જે રાયન રિકલ્ટન, ફાફ ડુ પ્લેસી, ડેવાલ્ડ બે્રવિસ, વૅન ડર ડુસેન, એઇડન માર્કરમ, જૉ રૂટ, ડેવૉન કૉન્વે, કેન વિલિયમસન, ડેવિડ મિલર, જૉની બેરસ્ટૉ સહિતના દિગ્ગજોની હાજરીમાં હાઇએસ્ટ હતા.
સાઉથ આફ્રિકાની એ સ્પર્ધામાં પ્રિટોરિયસ રાજસ્થાન રૉયલ્સના ફ્રૅન્ચાઇઝીની માલિકીની પાર્લ રૉયલ્સ ટીમ વતી રમ્યો હતો. ત્યારે તેણે સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ સામે 51 બૉલમાં 97 રન બનાવ્યા હતા. આઇપીએલની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ વતી પેસ બોલર સંદીપ શર્મા પણ રમ્યો છે, પણ તેને આંગળીમાં ઈજા થઈ છે જેને લીધે તેના સ્થાને સાઉથ આફ્રિકા વતી 10 મૅચ રમી ચૂકેલા લેફ્ટ-હૅન્ડ ફાસ્ટ બોલર નૅન્ડ્રે બર્ગરને રાજસ્થાનની સ્ક્વૉડમાં સમાવાયો છે.