ડ્રોન ક્રેશ થતા રાવલપિંડી સ્ટેડિયમને નુકશાન; PSL રદ થવાની શક્યતા, PCBએ બોલાવી બેઠક

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બંને દેશો ક્રિકેટ લીગ રમાઈ રહી છે. ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમાઈ રહી છે.
એવામાં રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ નજીક એક ડ્રોન ક્રેશ થયાના અહેવાલ (Drone Crash near Rawalpindi cricket Stadium) છે, જેને કારણે PSLની બાકીની મેચ રમાવા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર વયારલ થયેલા વિડીયોમાં સ્ટેડિયમની બાજુમાં આવેલી એક રેસ્ટોરન્ટની બિલ્ડીંગને નુકસાન થયેલું જોવા મળે છે.
નોંધનીય છે કે આજે સાંજે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં પેશાવર ઝાલ્મી અને કરાચી કિંગ્સની ટીમો મેચ રમવાની છે, એના થોડા કલાકો પહેલા આ ઘટના બનતા ખેલાડીઓ અને દર્શકોની સલામતી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. આ હુમલા પછી PSL ની મેચો રાવલપિંડીથી કરાચી ખસેડવામાં આવે તેવી શક્યતા છે.
આપણ વાંચો: ભારતના આ ડ્રોને પાકિસ્તાનમાં ઘૂસીને મચાવી તબાહી, જાણો કેમ કહેવાય છે સ્યુસાઈડ ડ્રોન
ડ્રોન ભારતનું હોવાનો દાવો:
હાલ જે બિલ્ડીંગ પર કથિત રીતે ડ્રોન ક્રેશ થયું હતું તેની આજુબાજુના વિસ્તારને અધિકારીઓએ ઘેરી લીધો છે, ડ્રોનના અવશેષો શોધવા માટે તપાસ ચાલી રહી છે.
અહેવાલ મુજબ આ ઘટનામાં ઘયલ લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ડ્રોન ભારતનું હતું, જોકે ભારત તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
આપણ વાંચો: પોરબંદરમાં પરીક્ષણ વખતે નેવીનું Drone દરિયામાં થયું ક્રેશ
ટુર્નામેન્ટ રદ થવાની શક્યતા:
રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ગુરુવારના રોજ, પાકિસ્તાન સુપર લીગમાં ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની કરાચી કિંગ્સ અને બાબર આઝમની આગેવાની હેઠળની પેશાવર ઝાલ્મી વચ્ચે મેચ યોજાવાની છે.
હવે ના માત્ર આ મેચ પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે, પરંતુ આખી ટુર્નામેન્ટ રદ થવાની પણ આશંકા છે. ઘણા વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન છોડવાની તૈયારી કરી રહ્યા છે.
અહેવાલ મુજબ, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ખેલાડીઓની સલામતીની સમીક્ષા કરવા માટે એક ઈમરજન્સી બેઠક યોજી હતી.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે મોટાભાગના ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ હાલની સુરક્ષા વ્યવસ્થા પર વિશ્વાસ રાખીને પાકિસ્તાનમાં જ રોકાવાનો નિર્ણય લીધો હતો. જોકે, ક્રિસ જોર્ડન અને ડેવિડ વિલી ઇંગ્લેન્ડ પાછા ફરવા ઈચ્છે છે.
PCBએ બોલાવી બેઠક:
પાકિસ્તાનની એક ન્યુઝ ચેનલ અનુસાર, PCBએ ગુરુવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે પીએસએલ ફ્રેન્ચાઇઝીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવી છે, જેથી પીએસએલના બાકીના મેચો યોજવા માટેના સંભવિત વિકલ્પો પર ચર્ચા કરી શકાય.