ઓપરેશન સિંદૂર પછી સર્વપક્ષીય બેઠકમાં ઓવૈસીએ એવું શું કહ્યું કે લોકોને એ વાત ગમી ગઈ

નવી દિલ્હી: ભારતીય સેનાએ ગતરોજ એટલે કે 7 મેના રોજ પાકિસ્તાનથી સંચાલિત થઈ રહેલા આતંકી સંગઠનો પર મોટી કાર્યવાહી કરી હતી. સેનાએ એરસ્ટ્રાઈક કરીને 9 આતંકીઓના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે.
કેન્દ્ર સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠકમાં આ કાર્યવાહીની જાણકારી આપી હતી. આ બેઠક બાદ હવે AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. તેમણે બેઠકમાં સરકાર સમક્ષ એક ખાસ માંગણી કરી છે.
આપણ વાંચો: Asaduddin Owaisi: ‘જય ભીમ, જય તેલંગાણા અને જય ફિલસ્તીન’ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં નારો લગાવ્યો
સર્વપક્ષીય બેઠકમાં કાર્યવાહીની પ્રશંસા
અસદુદ્દીન ઓવૈસીએ સર્વપક્ષીય બેઠકમાં ભારતીય સેના અને કેન્દ્ર સરકારની કાર્યવાહીની પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે પાકિસ્તાન પર વધુ મોટી અને કડક કાર્યવાહી કરવાની પણ અપીલ કરી હતી. ઓવૈસીએ કેન્દ્ર સરકારને માંગ કરી છે કે તે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF વિરુદ્ધ વૈશ્વિક અભિયાનની શરૂઆત કરે કરે.
આતંકીઓ હજુ રહે છે PoKમાં
મીડિયા સાથે વાતચીત કરતા ઓવૈસીએ કહ્યું હતું કે ભારતીય સેનાએ પોતાના લક્ષ્યોને પૂરા કર્યા છે. આપણે માત્ર આતંકી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે, કોઈ રહેણાંક વિસ્તાર કે સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા નથી. પહેલગામમાં જે ઘટના બની, ત્યારબાદ સરકારે આ પગલું ભરવું જ હતું.
આ ઉપરાંત પણ સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા પગલાં ભર્યા છે. દેશના લોકોએ એ પણ સમજવાની જરૂર છે કે હાફિઝ સઈદના પુત્ર હાફિઝ અબ્દુલ રઉફે પીઓકેમાં કહ્યું હતું કે તે સમગ્ર 2025 દરમિયાન ભારતમાં જિહાદ કરશે.
આપણ વાંચો: ગુજરાતની રાજનીતિમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી, AIMIM આ બે લોકસભા સીટ પર ઉતારશે ઉમેદવાર
હજુ પણ શરૂ જ રાખો ઓપરેશન સિંદૂર
ઓવૈસીએ આતંકીઓના નિવેદનોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું કે ઇસ્લામમાં આવી વાતો માટે કોઈ સ્થાન નથી. તેમના મતે, આ લોકો અહીંથી જ નહીં અટકે અને આવી તાકાતોને રોકવા માટે સરકારે વિચારવું જોઈએ. તેમણે ‘ઓપરેશન સિંદૂર’ ચાલુ રાખવાને સારું પગલું ગણાવ્યું હતું અને સરકારને બાકીના આતંકી ઠેકાણાઓને પણ તબાહ કરવાની માંગ કરી હતી.
ઓવૈસીએ તુર્કીને પણ સવાલ કર્યો
અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું કે ભારતે આતંકી સંગઠન TRF વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે અભિયાન ચલાવવું જોઈએ. સુરક્ષા પરિષદ અને અમેરિકાને પણ આ સંગઠનને આતંકી સંગઠન જાહેર કરે તે માટે સૂચન કરવું જોઈએ.
તેમણે ફેબ્રુઆરી 2025માં હાફિઝ સઈદના પુત્ર હાફિઝ અબ્દુલના કથિત ભાષણનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેણે 2025માં સમગ્ર વર્ષ દરમિયાન જિહાદ કરવાની વાત કરી હતી. ઓવૈસીએ માંગ કરી હતી કે પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં પણ મૂકવામાં આવે. ઓવૈસીએ તુર્કીને પણ સવાલ કર્યો હતો કે કુર્દો પર હુમલા કરનાર ભારત પર સવાલ ઉઠાવે છે.
આપણ વાંચો: હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસીને ટક્કર આપનારી BJPની ઉમેદવાર માધવી લતા કોણ છે?
TRF પર હતી હુમલાની જવાબદારી
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલગામમાં તાજેતરમાં થયેલો આતંકી હુમલો છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ઘાતક હતો. 22 એપ્રિલના રોજ થયેલા આ કાયરતાપૂર્ણ હુમલામાં 26 પ્રવાસીની ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી.
કેન્દ્રીય એજન્સીના સૂત્રો અનુસાર, પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ હુમલાની જવાબદારી લીધી હતી.