ભારતીય સેનાએ લાહોરની એર ડિફેન્સ રડાર સિસ્ટમને કરી ફેઈલ, ‘પાક’ બન્યું આક્રમક…

નવી દિલ્હી: ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આતંકવાદીઓના 9 ઠેકાણાં પર રોકેટમારો કરીને નષ્ટ કર્યા બાદ દુનિયાભરના દેશો ભારત અને પાકિસ્તાનને સંયમ જાળવવા અને તણાવ વધુ ના વધારવા અપીલ કરી રહ્યા છે. પરંતુ સ્થિતિ વધુ વણસતી જણાઈ રહી છે. પાકિસ્તાને ભારતમાં 15 સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, બીજી તરફ ભારતે પણ પાકિસ્તાનમાં ઘણા સ્થળોએ હુમલો કર્યો હતો.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવીને હુમલા કર્યા હતાં. ભારતની પ્રતિક્રિયા પાકિસ્તાન જેટલી જ તીવ્ર રહી છે. અગાઉ પાકિસ્તાને ભારતમાં 15 સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, ભારતીય સેનાએ આ હુમલા નિષ્ફળ બનાવ્યા છે.
ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે હુમલામાં લાહોરમાં એક ડિફેન્સ સિસ્ટમનો નાશ કરવામાં આવ્યો છે. નિવેદનમાં જણાવાયું, “આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. ભારતનો જવાબ પાકિસ્તાનની જેમ જ તીવ્રતાથી આપવામાં આવ્યો છે. વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે લાહોરમાં એક એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં આવી છે.”
પાકિસ્તાનના હુમલા નિષ્ફળ:
સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ’07-08 મે 2025 ની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી મથકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ હુમલાઓને કાઉન્ટર યુએએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.’
પાકિસ્તાને ગોળીબાર વધાર્યો:
બીજી તરફ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ(LoC) પર ગોળીબારમાં વધારો કર્યો છે. સેનાના જણાવ્યા મુજબ પાકિસ્તાને કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર અને ભારે કેલિબર આર્ટિલરીનો ઉપયોગ કરીને LoC પર ગોળીબાર વધારી દીધો છે.
આપણ વાંચો : પાકિસ્તાને અમૃતસર નજીક મિસાઇલ હુમલો કર્યો હોવાની આશંકા, મિસાઇલનો કાટમાળ મળી આવ્યો