અમદાવાદ

ગુજરાત હાઈ કોર્ટે એક અરજદારને કેમ ફટકાર્યો લાખો રુપિયાનો દંડ, જાણો શું છે મામલો

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે સુરતના અરજદારને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અરજદારે ગેરકાયદેસર બાંધકામ સામે જાહેર હિતની અરજી કરી હતી પરંતુ પોલીસે તેને બીજા એક કેસમાં રંગે હાથ 45 લાખનો તોડ કરતાં ઝડપી પાડ્યો હતો.

સુરતમાં રહેતા એક વ્યક્તિએ 2021માં જાહેર હિતની અરજી કરી હતી. જેમાં સુરતની જેલ પાસે ગેરકાયદે બાંધકામ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અરજદારે જેલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં તંત્રની મંજૂરી વગર બાંધકામ કર્યું હોવાથી તેને હટાવવા ઓથોરિટી નિર્દેશ આપે તેવી રજૂઆત કરી હતી.

આપણ વાંચો: … તો ગોધરા કાંડ ન થયો હોત, ગુજરાત હાઈ કોર્ટે જીઆરપીના 9 જવાનોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય યોગ્ય ગણાવ્યો

અરજીની સુનાવણી દરમિયાન સામા પક્ષે કોર્ટમાં રજૂઆત કરી હતી. અરજદાર સામે સુરતમાં ખંડણી અને બ્લેકમેઈલ કરવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સ્ટિંગ ઓપરેશન કરીને આરોપીને 45 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

હાઈ કોર્ટે નોંધ્યું કે, અરજદારે જાહેર હિતના બદલે ખંડણી લેવાની અરજી કરી હતી. કોર્ટના ચુકાદા પ્રમાણે, જાહેર હિતની અરજી અંગત સ્વાર્થ સાધવાનું સાધન બનાવવી જોઈએ નહીં, તેનો દુરુપયોગ ન થાય તે જોવું જોઈએ. અરજદારે કહ્યું કે, તેની સામે થયેલી પોલીસ ફરિયાદ અને આ જાહેર હિતની અરજીને કોઈ લેવા દેવા નથી.

હાઈ કોર્ટે નોંધ્યું કે, અરજદાર પોતાના કૃત્યોથી સુરતના ધંધાદારીઓમાં ભય ફેલાવી રહ્યો છે. તે લોકોને બ્લેકમેલ કરવા કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરી રહ્યો હોવાથી તેને ઉદાહરણ તરીકે 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ રકમ તેણે બે મહિનામાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવાની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button