CSK માટે રવિન્દ્ર જાડેજાએ મેળવી મોટી સિદ્ધી; આ મામલે ડ્વેન બ્રાવોને પાછળ છોડ્યો

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની 57મી મેચ ગઈ કાલે બુધવારે સાંજે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ રસાકસીભરી મેચમાં CSKએ બે વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં CSK તરફથી રમતા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું. પરતું તેને CSK માટે મોટી સિદ્ધિ મેળવી હતી.
પ્રથમ બોલિંગ કરવા ઉતરેલી CSK તરફથી જાડેજાએ ચાર ઓવરનો સ્પેલ ફેંક્યો અને 34 રન આપીને એક વિકેટ લીધી. જાડેજાએ પાંચમા નંબરે બેટિંગ કરી હતી અને 190.00 ના સ્ટ્રાઇક રેટથી 10 બોલમાં 19 રન બનાવ્યા હતાં.
બ્રાવોને પાછળ છોડ્યો:
KKR સામેની મેચમાં જાડેજાએ મોટી સિદ્ધિ મેળવી હતી, મેચમાં એક વિકેટ લઇને તે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. ટીમ તરફથી સૌથી વધુ વિકેટ લેવાના મામલે તેણે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને પાછળ છોડી દીધો છે. IPLમાં CSK વતી બ્રાવોએ 140 વિકેટ લીધી હતી. ગઈકાલે અજિંક્ય રહાણેની વિકેટ લીધા બાદ જાડેજાની CSK વતી IPL વિકેટની સંખ્યા 141 થઈ ગઈ છે.
CSK તરફથી સૌથી વધુ વિકેટ લેવાના મામલે આર. અશ્વિન 95 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે, ત્યારબાદ દીપક ચહર અને એલ્બી મોર્કેલે 76-76 વિકેટ લીધી છે.
IPL માં રવિન્દ્ર જાડેજા:
રવિન્દ્ર જાડેજાના IPL માં 252 મેચ રમી છે. આ દરમિયાન, તેણે 196 ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી, જેમાં તેણે 27.91 ની એવરેજથી 3,238 રન બનાવ્યા છે. IPLમાં તેણે પાંચ ફિફ્ટી ફટકારી છે.
તેના બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો, તેણે 252 મેચમાં 30.62 ની એવરેજથી 168 વિકેટ લીધી છે. તેણે IPLમાં એક વખત પાંચ વિકેટ લીધી છે.
આ પણ વાંચો….હાર્દિકને 24 લાખ રૂપિયાનો દંડ અને ગુજરાતના કોચ નેહરાની પચીસ ટકા મૅચ ફી કપાઈ…