આમચી મુંબઈ

શિંદે V/s ઉદ્ધવ

બાળા સાહેબના વિચારો પર નહીં પૈસા પર પ્રેમ

ઉદ્ધવ જૂથ દ્વારા કરવામાં આવતી એક ફૂલ દો હાફનો જવાબ આપતાં એક ફૂલ એક હાફનો ઉલ્લેખ કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમે હિન્દુત્વ માટે સત્તા છોડી અને તેઓ સત્તા માટે લાચાર બન્યા. બાળ ઠાકરેએ જેઓને પોતાની પાસે પણ ઊભા રહેવા દીધા નહીં, તેઓની સાથે ઉદ્ધવ ગયા. અમને એક ફૂલ બે હાફ કહેનારા ‘એક ફૂલ એક હાફ’ કોઇ પણ સમયે શિવસેનાને કોંગ્રેસમાં વિલિન કરશે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પણ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું. ચૂંટણી પંચે અમને પક્ષનું નામ અને ચિહ્ન આપ્યા બાદ તેમને બેંક પાસે રૂ. પચાસ કરોડ માગ્યા અને બેંકે તેમને ઇનકાર કર્યો. ત્યાર બાદ કોઇ પણ પ્રકારની શરમ વગર અમારી પાસે પૈસા માગ્યા. હવે અમારા પર પચાસ ખોખા આરોપ કરે છે અને અમારી પાસે પચાસ કરોડની માગણી કરે છે. તમારો પ્રેમ એ બાળ ઠાકરેના વિચારો પર નહીં, પણ પૈસા પર છે. તેથી મેં એક પણ મિનિટ ન વિચારતા તે પૈસા આપ્યા, એવો દાવો પણ શિંદેએ કર્યો હતો. આજે સંપૂર્ણ મહારાષ્ટ્રમાંથી શિવસૈનિકો આવ્યા છે જે ભગવા લોકો છે. આજે આઝાદ મેદાનમાં આઝાદ એવો મેળાવડો થઇ રહ્યો છે. આઝાદ મેદાનનો પણ ઇતિહાસ છે એવી જગ્યાએ શિવસેના (શિંદે જૂથ)નો મેળવડો થઇ રહ્યો છે. ઠેકઠેકાણેથી લોકો આવ્યા છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અમે અન્ય સમાજનો પણ આદર કરીએ છીએ, તેમનું સન્માન કરીએ છીએ. તેનું ઉદાહરણ છે આ અબ્દુલ સત્તાર જેઓ કાર્યકરોમાં બેઠા છે. શિવસૈનિક તરીકે સાબીર શેખ બાળ ઠાકરેના કાળમાં પ્રધાન હતા. આ અમારું હિન્દુત્વ છે અને આ અમારી શિવસેના છે, એમ શિંદેએ જણાવ્યું હતું.

સત્તા માટે અમે ક્યારેય તડજોડ કરી નથી અને તેથી જ અબ્દુલ સત્તાર પણ અમારા પ્રધાન મંડળમાં પ્રધાન છે. તેઓ પોતે એસટીમાં બેસીને કાર્યકરો સાથે આવ્યા. તેઓ કાર્યકરો સાથે બેઠા તેથી હું તેમને અભિનંદન આપું છું અને ધન્યવાદ કરું છું, એમ શિંદેએ કહ્યું હતું.

પવાર પાસે બે માણસને મોકલાવ્યા અને ઉદ્ધવ ઠાકરેના નામની ભલામણ કરો એમ તેમણે કહ્યું. ૨૦૦૪થી તેમની એ ઇચ્છા હતી, પણ કંઇ જુગાડ થયો નહીં. તેથી વિધાનસભાની ચૂંટણી બાદ તરત જ કૂદકો મારીને ખુરશી પર જઇને બેસી ગયા. તેમના ચહેરા પર જાઓ નહીં, પેટનું પાણી પણ હલવા દીધુ નહીં. છેવટ સુધી કોઇને કંઇ જાણવા દીધું નહીં. સીતાના હરણ કરવા માટે રાવણે સાધુનું રૂપ લીધું હતું એમ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બનવા માટે સંધીસાધુ બન્યા, એમ શિંદેએ જણાવ્યું હતું.

ઉદ્ધવ
દેશમાં મજબૂત સરકાર જોઈએ આપખુદ નહીં
મરાઠા આરક્ષણ આંદોલનનો ઉલ્લેખ કરતાં શિંદેની સરખામણી જનરલ ડાયર સાથે કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશને મજબૂત સરકારની જરૂર છે, પણ કોઇ પાશવી બહુમતિ ધરાવતા એક પક્ષની જરૂર નથી. કેમ કે આવી પાશવી બહુમતી ધરાવતા લોકો આપખુદ બની જાય છે. હિટલરની સરકાર પણ આવી જ હતી અને આપણી સરકાર પણ આવી જ છે, એમ ઉદ્ધવ ઠાકરેએ દાદરના શિવાજી પાર્કમાં યોજાયેલી દશેરા રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર જણાવ્યું હતું.

જ્યારે ખુરશી અસ્થિર હશે ત્યારે દેશ મજબૂત બનશે, એમ જણાવતા ઉદ્ધવે મિલિજુલી સરકારની તરફેણ કરી હતી અને મનમોહન સિંહ હેઠળી તત્કાલીન સરકારની પ્રશંસા કરી હતી. આપણે મજબૂત સરકાર જોઇ છે. એવી જ મજબૂત સરકાર હોવી જોઇએ, પણ કોઇ એક બહુમતિ ધરાવતો પક્ષ ન હોવો જોઇએ, એમ ભાજપને લક્ષ્ય બનાવતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

દેશની કોઇ પણ ચળવળમાં ભલે તે સ્વતંત્રતાની ચળવળ જ કેમ ન હોય, પણ ભાજપ અથવા જન સંઘે ક્યારેય તેમાં કોઇ ભૂમિકા ભજવી નથી. મરાઠવાડા મુક્તિ ચળવળ અથવા સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળ હોય એમ કોઇ પણ ચળવળમાં ભાજપે ભાગ લીધો ન હોવાનો દાવો ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને દશેરા મેળાવડામાં શુભેચ્છા આપતા મરાઠા આરક્ષણનો પ્રશ્ર્ન ઉઠાવ્યો. હું મનોજ જરાંગે પાટીલને ધન્યવાદ આપું છું, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

જાલનામાં શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું, પરંતુ અત્યારની જે સરકાર છે તે બ્રિટિશ સરકાર જેવી અત્યાચારી છે. જાલિયાનવાલા બાગમાં જે પ્રકારે જનરલ ડાયરે લોકોની હત્યા કરી એ પ્રકારે જ સરાટીમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો. જાલનામાં આ લાઠીચાર્જ થયા બાદ અમે તાત્કાલિક ત્યાં ગયા. ત્યાં એક મહિલાએ હાથે રાખડી બાંધીને કહ્યું કે પોલીસે લાઠીચાર્જ કર્યો. જેમ તેમ હું ત્યાંથી બહાર નીકળી. મારા દીકરા અને વહુ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો એમ તે માઉલી (માતા)એ કહ્યું. મરાઠા આરક્ષણનો મુદ્દો અમારા કાર્યકાળ વખતે પણ હતો, પણ અમે ક્યારેય પણ લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો નહોતો, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button