અમદાવાદ

કમોસમી વરસાદમાં 21ના મોતઃ ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદની વકી

અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવતા જનજીવનને અસર થઈ છે અને ખેતીને પણ પારાવાર નુકસાન થયું છે. અહીં ભારે વરસાદના કારણે 21 જણના મોત નોંધાયા છે જ્યારે લગભગ 45 જેટલા પશુઓ પણ માર્યા ગયા છે. જોકે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. દરમિયાન કમોસમી વરસાદને લીધે વૃક્ષો ધરાશાયી થતા, વિજળી પડતા અને અન્ય કારણોસર 21 જણ મૃત્યુ પામ્યા હોવાનું અહેવાલો જણાવે છે.

હવામાન વિભાગની આગાહી

દક્ષિણ પાકિસ્તાન અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા ચક્રવાતી દબાણને કારણે હવામાન વિભાગે 11 મે સુધી રાજ્યમાં વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે. જેમાં આવનારા ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અમુક ઠેકાણે ઝાંપટા જ્યારે અરવલ્લી, બનાસકાંઠા ને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ સંભાવના છે.

આ પણ વાંચો ગુજરાતમાં છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ યોજનામાં વિદ્યાર્થીઓને અપાતી રકમ વધારવામાં આવી

બાગાયતી પાક અને બાજરી-ડાંગરને નુકસાન

આણંદમાં તૈયાર બાજરી-ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ હોવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ સાથે જે જણસો એપીએમસીમાં રેઢી પડી હોય તેના પર પણ પાણી ફરી વળ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસાદનું એટલું જોર નથી, પરંતુ ભાવનગરમાં કેરીના બાગોને ભારે નુકસાન ગયું છે. સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ બાગાયતી પાકને નુકસાન ગયું છે. શાકભાજી સહિતના વાવેતર કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button