પાકિસ્તાનમાંથી ઇંગ્લૅન્ડ અને બાંગ્લાદેશના ક્રિકેટરો હિજરત કરવાની તૈયારીમાં!

નવી દિલ્હી: પહલગામ હુમલાને પગલે નરેન્દ્ર મોદી સરકારે જડબાતોડ જવાબના રૂપમાં પાકિસ્તાન (PAKISTAN)માં આતંકવાદીઓના નવ છૂપા સ્થાનો પર ઓચિંતી ઍર સ્ટ્રાઇક કરાવી અને પાકિસ્તાન પર હજી વધુ જવાબી હુમલા થવાની સંભાવના હોવાનું જણાતા પાકિસ્તાનમાં રમી રહેલા ઇંગ્લૅન્ડ અને બાંગ્લાદેશના ક્રિકેટરો ગભરાઈ ગયા છે.
પાકિસ્તાન સુપર લીગ (PSL) નામની ટી-20 ટૂર્નામેન્ટમાં ઘણા બ્રિટિશ અને બાંગ્લાદેશી ખેલાડીઓ રમી રહ્યા છે. ખાસ કરીને ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ભારતની ‘ ઑપરેશન સિંદૂર’ (OPERATION SINDOOR) કાર્યવાહી બાદ હવે ભારત-પાકિસ્તાન યુદ્ધ (WAR) મોટા પાયે થવાની બીકે પીએસએલ અધવચ્ચે છોડીને સ્વદેશ ભેગા થવાનો વિકલ્પ ચકાસી રહ્યા છે.
મોટા ભાગના બ્રિટિશ પ્લેયરો પાકિસ્તાનમાં સલામતી વ્યવસ્થાથી સંતુષ્ટ છે, પરંતુ એક ખેલાડીના એજન્ટે એક અંગ્રેજી દૈનિકને કહ્યું છે કે અમુક બ્રિટિશ ખેલાડીઓ યુદ્ધના ભણકારાથી ડરી ગયા છે અને પરિવારો સાથેની ફોન પરની ચર્ચા બાદ હવે પોતાના દેશમાં પાછા જવા માગે છે.
આ પણ વાંચો ધોનીએ ચેન્નઈને જિતાડીને રહીસહી આબરૂ સાચવી…
પાકિસ્તાનની લીગમાં ભાગ લઈ રહેલા ઇંગ્લૅન્ડ (ENGLAND)ના ખેલાડીઓમાં ટૉમ કરેન, સૅમ બિલિંગ્સ, ક્રિસ જોર્ડન, જેમ્સ વિન્સ, ડેવિડ વિલી, લ્યૂક વૂડ અને ટૉમ કોહલરનો સમાવેશ છે.
બાંગ્લાદેશથી રિશાદ હુસૈન અને નાહિદ રાણા પીએસએલમાં રમવા પાકિસ્તાન આવ્યા છે.