‘સ્વ’ માટે પણ જીવવાનું શીખો…

નીલા સંઘવી
તું ક્યારે આવશે અને ક્યારે રસોઈ બનાવશે? પિન્કીને ભૂખ લાગી છે અને સારિકા પણ જોબ પરથી ભૂખી થઈને આવશે’ ચેતને મમ્મીને ફોન કર્યો.
‘અરે, તને કહીને તો ગઈ હતી. આજે અમારા સંગીત ક્લાસનો વાર્ષિકોત્સવ છે. અમારો કાર્યક્રમ તો મોડે સુધી ચાલશે. પછી મારે તો અહીં જ જમવાનું છે તમે લોકો આજે તમારી વ્યવસ્થા કરી લેજો’ શીલાએ પુત્ર ચેતનને કહ્યું.
‘ચાલો, અમે ત્રણેય તો બહારથી મંગાવી લઈશું, પણ પપ્પાનું શું? પપ્પા શું ખાશે? એ પછી સારિકાને પૂછશે જમવા માટે.’
‘તમે ત્રણનું ખાવાનું બહારથી મંગાવી લેશો તો તારા પપ્પાનું નહીં મંગાવી લો? રોજ હું તમને બધાંને બનાવીને જમાડું છું. આજે એક દિવસ
તમે તમારા પપ્પાને જમાડી દેજો.’ શીલાએ
ગુસ્સાથી કહ્યું.
‘મમ્મી, આજકાલ તારાં નાટક બહુ વધી ગયાં છે. રોજને રોજ ક્યાંક જવાનું હોય. આજે આ કાર્યક્રમને કોલ પેલો કાર્યક્રમ’ ચેતને ગુસ્સામાં બોલીને ફોન કટ કર્યો.
ચેતનના ફોનને કારણે શીલા અપસેટ થઈ ગઈ. એ આજે એક ગાયન સ્પર્ધામાં ભાગ લેવા માટે આવી હતી. શીલાનો કંઠ સારો હતો અને સારું ગાઈ શકતી હતી. લગ્ન પછી સાંસારિક જવાબદારીઓના બોજ હેઠળ તે દબાઈ ગઈ હતી અને સાથે તેનો ગાવાનો શોખ અને આવડત પણ. આ તો ભલું થજો એની કોલેજની બહેનપણી લીનાનું. એક દિવસ લીના શીલાને માર્કેટમાં મળી ગઈ ને એમની સ્મરણયાત્રા શરૂ થઈ. લીનાએ પૂછ્યું, ‘શીલા, તું કેટલું સરસ ગાતી હતી. કોલેજમાં બધાં તારા ગાયનના દીવાના હતાં. કેવું ચાલે છે તારું ગાવાનું? કાંઈ પ્રોગ્રેસ કર્યો કે બધું બંધ કરી દીધું?’
‘લીના, હવે તો બધું બંધ થઈ ગયું છે
પારિવારિક જવાબદારીઓમાં એટલી બધી ગૂંચવાઈ ગઈ છું કે હવે ગાવાની વાત તો દૂર રહી, ગણગણવાનું પણ ભૂલી ગઈ છું.’ શીલાએ જવાબ આપ્યો.
‘આપણી પેઢીની સ્ત્રીઓનું આજ દુ:ખ છે. પરિવાર માટે પોતાની જાતને ભૂલી જાય છે.
પોતાને ગમતું કાંઈ કરતી નથી. બીજાને માટે જ જીવે છે પરિવારને સમર્પિત થઈ જાય છે, પણ તારી પાસે મને આવી અપેક્ષા ન હતી. તું તો કેવી ચંચળ હરિલી શી હતી. ગાતાગાતા તું પણ નાચવા લાગતી!’
આ પણ વાંચો….નહોતો લેવો, છતાં લેવો પડ્યો એક કડક નિર્ણય
‘તે દિવસો ગયા, લીના. હવે તો સંસારની જવાબદારીઓમાં ગળાડૂબ છું. તને તો ખ્યાલ છે. મારા પતિદેવ તો ઢીલા… ઢીલા એટલે કમાવવામાં ઢીલા. હા, સ્વભાવ તો ગરમ…. એમને રસોઈ પણ ગરમાગરમ જ જોઈએ એટલે ઘર, વર અને રસોડામાં હું જોતરાઈ ગઈ. દીકરો જન્મ્યો એટલે એને ઉછેર્યો ભણાવ્યો- ગણાવ્યો ને પરણાવ્યો. વહુ આવી એટલે પરિવારમાં એક વ્યક્તિના વધારો થયો અને મારી જવાબદારીમાં પણ એક વ્યક્તિનો વધારો…. વહુ નોકરી કરતી હતી એટલે એનું ટિફિન બનાવવાનું અને ભરવાનું કામ વધ્યું. પછી પૌત્રી જન્મી એટલે પૌત્રીને ઉછેરવાની-બેબી સીટિંગ કરવાની જવાબદારી નથી. સાવ બંધાઈ ગઈ. કામ-કામ અને બસ કામ. …મારે. ઘરમાં બધાંની જરૂરિયાત પૂરી કરવા માટે એક જ વ્યક્તિ તે હું-એક પત્ની, એક મા, એક સાસુ, એક દાદી.
લીના, બસ આ છે મારી જિંદગી આમાં ક્યાંય સંગીતની સુરાવલીને સ્થાન નથી. અમારે ઘેર તો સવારથી શોર શરૂ થઈ જાય છે. કલશોરને કોઈ સ્થાન નથી.’
‘શિલા, આ ખોટું છે. તારી જેવી પ્રતિભા આમ વેડફાઈ જાય તે મારાંથી સહન નહીં થાય. આજ સુધી તે કાંઈ ન કર્યું તે ભૂલી જઈએ. નવેસરથી શરૂઆત કરીએ.’ લીનાએ કહ્યું.
‘લીના, હવે આ ઉંમરે શું કરી શકાય?’
આ પણ વાંચો….સલામ… એ માને!
‘જાગ્યા ત્યારથી સવાર…. આપણે બધાં આવું કહીએ છીએ ને? તો એ વાતને હવે તારે સાબિત કરી દેવાની છે અને તારી ટેલેન્ટ એળે જાય સાંખી ન શકાય…તારી સાથે હું છુંને!’ લેવાની નથી લીનાએ મક્કમતાથી કહ્યું.
‘હવે હું આ બધાંથી ટેવાઈ ગઈ છું. તારી વાત કર. તને પણ સંગીતાનો શોખ હતો.
‘હા, મેં તો મારા શોખને આગળ વધાર્યો છે હું ગાઉ છું. કાર્યક્રમ કરું છું. સંગીત-ક્લાસ ચલાવું છું. તું કાલથી જ મારાં ક્લાસમાં આવી જા. હું તને બધી સરગમ રીફ્રેશ કરાવી દઈશ. ફક્ત ધૂળ ખંખેરવાની છે…!’
આમ તો શીલા ઘરમાંથી નીકળી શકતી ન હતી. પણ લીનાએ પાછળ પડીને એને ઘરમાંથી બહાર કાઢી. શીલાની સેવા લેવાને ટેવાયેલાં પરિવારજનોને સ્વાભાવિક રીતે જ આ બધું ન ગમે. ઘરમાં કચકચ ચાલુ થઈ ગયું. બધા નારાજ થઈ ગયા,પણ લીનાના સપોર્ટને કારણે શીલા બધાંને નજર અંદાજ કરીને સંગીત ક્લાસમાં જવા લાગી. ફરીથી રિયાઝ શરૂ કર્યો. સારું ગાવા લાગી.
આજે ગાયન સ્પર્ધા હતી. તેમાં શીલાએ
ભાગ લીધો હતો. બહુ મોડું થવાનું હતું તે પરિવારજનોને ન ગમ્યું, પણ શીલાએ મન
મક્કમ કર્યું હતું જેને જે કરવું હોય તે કરે હું કાર્યક્રમ અધુરો મૂકીને જવાની નથી.
શીલાએ એ પ્રોગ્રમમાં ગાયું. તાળીઓના ગડગડાટ થયો. 25,000 રૂપિયાનો પ્રથમ પુરસ્કાર એને મળ્યો! ટ્રોફી, શાલ અને પુરસ્કાર….અભિનંદનનો વરસાદ વરસ્યો. ખુશ થતી થતી શીલા ઘેર આવી. બેલ મારી.
મોઢું ચઢાવેલ પતિએ દરવાજો ખોલ્યો. શીલાને હતું પતિને-પુત્રને-પુત્રવધૂને સૌને પુરસ્કાર વિષે વાત કરે પણ કોઈ કાંઈ બોલ્યું જ નહીં. રસોડામાં વેરવિખેર વાસણોનો ખડકલો પડ્યો હતો. એને કોઈએ કાંઈ પૂછ્યું નહીં. કોઈએ અભિનંદન આપ્યા નહીં. પણ હવે શીલા મક્કમ છે પોતાની જિંદગી જીવવા માટે પરિવારની એ અવગણના નહીં કરે. બનતું બધું જ કરશે,પણ હવે પોતાની માટે પણ સમય આપશે. પોતાની માટે જીવશે.
જીવન-સંધ્યાએ પહોંચેલી દરેક સ્ત્રીએ શીલાની માફક ‘સ્વ’ માટે જીવવાની શરૂઆત કરવી જ જોઈએ.