રાપરમાં કૂવામાં કપડા ધોવા ઉતરેલી બે કિશોરીઓના ઊંડા પાણીમાં ગરક થતાં મોત

ભુજઃ કચ્છના સીમાવર્તી રાપર તાલુકાનાં છેવાડાના પલાંસવા ગામમાં તળાવ પાસેના કૂવામાં ઉતરીને કપડા ધોવા ગયેલી નવાપરાવાસની બે કિશોરીઓના ડૂબી જવાથી મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. આ અત્યંત કરુણ ઘટના અંગે આડેસર પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાપરના પલાંસવા ગામના નવાપરા વાસમાં રહેતી સંતોક દેવશી ભરવાડ (ઉ.વ.૧૩) અને મીના મશરૂ ભરવાડ નામની કિશોરીઓ તળાવ કિનારે આવેલા રાજાશાહી સમયના કુવામાં કપડાં ધોવા માટે ઉતરી હતી. અહીં તેમના પગ અકસ્માતે લપસતાં તેઓ કૂવાના ઊંડા પાણીમાં ગરક થઇ ગઈ હતી. લાંબા સમય સુધી કિશોરીઓ ઘેર પરત ન ફરતાં તેમની શોધખોળ આદરવામાં આવી હતી. કૂવાની પાળ પર કપડાં લટકતા જોવા મળ્યા બાદ સ્થાનિક તરવૈયાઓને કુવામાં ઉતારવામાં આવ્યા હતા. લગભગ એકાદ કલાકની શોધખોળ બાદ તેમના મૃતદેહ હાથ લાગ્યા હતા.
આ પણ વાંચો માંડવીના પર્યટન સ્થળ રાવળપીર દાદા સહિતની દસ દીવાદાંડીઓ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ
એક સાથે બે કન્યાઓના અકાળ મોતને પગલે આ નાનકડાં ગામમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ હતી.