માંડવીના પર્યટન સ્થળ રાવળપીર દાદા સહિતની દસ દીવાદાંડીઓ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ

ભુજ: ગત ૨૨મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતેની બેસરન ઘાટીમાં ફરવા આવેલા ૨૬ જેટલા ભારતીય પર્યટકોને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ ધરબી દઈ મોતને ઘાટ ઉતારી દેવાના પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓના હુમલા બાદ ભારતીય સેનાએ ગત મધરાત્રે ઓપરેશન ‘સિંદૂર’ હાથ ધરીને સંખ્યાબંધ પાકિસ્તાની ત્રાસવાદીઓના અડ્ડા પર ૨૪ જેટલી મિસાઈલ દાગીને વળતો જવાબ આપ્યા બાદ, બંને દેશ વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવા સંજોગો ઉભા થયા છે ત્યારે આ નાપાક દેશને અડકીને આવેલી કચ્છ સીમાએ પણ જબરદસ્ત હરકત જોવા મળે છે અને, સામેપાર પાકિસ્તાની સેનાના જંગી જમાવડાને ધ્યાનમાં લઇ, કચ્છના કેટલાક પ્રવાસન સ્થળોને સુરક્ષાના કારણોસર હાલ પ્રવાસીઓ માટે તાળા મારી દેવાયાં છે.
કેન્દ્રીય શિપિંગ મંત્રાલયના નિર્દેશ મળ્યા બાદ તાત્કાલિક અસરથી માંડવી અને રાવળપીર દાદા બીચ ખાતેની દીવાદાંડી અને તેની આસપાસના વિસ્તારોને પર્યટકો માટે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે.
આ દીવાદાંડી ઉપરાંત, પશ્ચિમ કાંઠાના કોટેશ્વર, હરૂડી, જખૌ, વાંકી, છછી, ભદ્રેશ્વર, કંડલા, નવીનાળ સહિત કુલ ૧૦ દીવાદાંડી પરિસરમાં તેમજ માંડવી બંદર પર સંભવિત યુદ્ધના ખતરાને લઈને આમ જનતાની પ્રવેશબંધીનો સખત નિર્દેશ આપવામાં આવ્યો હોવાથી અહીં અજંપાભર્યો સન્નાટો પ્રવર્તી રહ્યો છે.
નોંધનીય છે કે, તાજેતરમાં ૨૦ હજારથી વધુ પ્રવાસીઓએ આ રમણીય સ્થળની મુલાકાત લીધી હતી. આ વખતના ઉનાળુ વેકેશનમાં સેંકડોની સંખ્યામાં દેશ-દેશાવરથી આવતા પ્રવાસીઓને આ ઐતિહાસિક દીવાદાંડી પરથી અરબી સમુદ્રનો અદભુત નજારો જોવાનો લ્હાવો નહી મળે.
દરમ્યાન, માંડવીથી થોડે દૂર વિજય વિલાસ પેલેસ માટે ઓળખાતા કાઠડા ગામની એરસ્ટ્રીપ પર વિવિધ સેટેલાઇટ ઉપકરણોથી સજ્જ થયેલા ભારતીય વાયુસેનાના જવાનોએ મોરચો સંભાળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
કચ્છના સીમાવર્તી વિસ્તારો, નાના અને મોટા રણમાં પણ રાઉન્ડ ઘી ક્લોક સુરક્ષા જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે તેમજ એર ડિફેન્સ સિસ્ટમોને પણ સંભવિત પાકિસ્તાની હુમલા સામે સજ્જ કરી દેવામાં આવી છે. નાગરિકોને પણ કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાય તો સુરક્ષા બળોને જાણકારી આપવા જણાવાયું છે.