
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન હજુ ભયમાં છે. તેવા સમયે આજે સવારે પાકિસ્તાનના લાહોરના વેલ્ટન એરપોર્ટ નજીક, ગોપાલ નગર અને નસરાબાદ વિસ્તારોમાં વિસ્ફોટ થયા છે. જેના પગલે બચાવ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સતત ત્રણ વિસ્ફોટ થયા હતા.
લાહોર એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું
જેમાં મળતી માહિતી મુજબ લાહોરમાં મિસાઈલ હુમલો થયો છે. તેની બાદ ત્રણ વિસ્ફોટ થયા છે. જેના પગલે લાહોર એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. લાહોરમાં થયેલા હુમલા બાદ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો
ભારતે પહલગામ આતંકી હુમલાનો બદલો લેવા બુધવારે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકી કેમ્પોને તબાહ કર્યા છે. જયારે બીજી તરફ બલૂચ આર્મીએ પણ પાક સૈન્ય પર હુમલો કર્યાના અહેવાલો પ્રકાશમાં આવી રહ્યા છે.આ હુમલો બોલાનના મચ્છકુંડમાં કરવામાં આવ્યો હતો. બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડએ પાકિસ્તાની આર્મીના વાહનને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેનાના વાહનને રિમોટનો ઉપયોગ કરીને ઉડાવી દેવામાં આવ્યું હોવાના અહેવાલો છે.
આ પણ વાંચો….ભારત-પાકિસ્તાન તણાવ: 200 થી વધુ ફ્લાઇટ્સ રદ; આ 25 એરપોર્ટ બંધ રહેશે…