ભારતની વીરાંગનાઓ: હાથશાળની મા: કમલાદેવી ચટ્ટોપાધ્યાય

-ટીના દોશી
એક એવી સ્ત્રી જે સ્વતંત્રતા સેનાની હોય, સમાજસુધારક હોય, ગાંધીવાદી હોય, નારીવાદી હોય, લેખિકા પણ હોય, અભિનેત્રી પણ હોય અને ભારતીય હસ્તકલા ક્ષેત્રના પુનરુત્થાન માટે કાર્યરત પણ હોય… કહો જોઉં, એ કોણ હશે?
એમનું નામ કમલાદેવી ચટ્ટોપાધ્યાય. સ્ત્રી એક જ પણ ઓળખ સાત. ઇન્દ્રધનુષના સાતેય રંગ પરસ્પરમાં મળેલાં હોય અને છતાં એકમેકથી નોખી આભા પ્રકટાવે એમ કમલાદેવીની સાતેય ઓળખ પરસ્પરમાં વિલીન થતી હોવા છતાં એકમેકથી ભિન્ન રંગછટા પ્રકટાવતી. જે કામ હાથમાં લે એને પૂરેપૂરી નિષ્ઠાથી પૂરું કરવું એ કમલાદેવીની પ્રકૃતિ. એમણે આઝાદીના આંદોલનમાં સ્ત્રીઓને સહભાગી થવા માટે પ્રેરી. ખુદ નમક સત્યાગ્રહમાં ભાગ લીધો, અસહકાર આંદોલનમાં ભાગ લીધો. ભારતનું વિભાજન થયા પછી શરણાર્થીઓ માટે ફરીદાબાદ શહેર વસાવ્યું. મૃતપાય થયેલાં હસ્તકલા અને હાથશાળને નવજીવન આપ્યું. પોતાની માવજતથી હસ્તકલા ઉદ્યોગને નવપલ્લિત કર્યો. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, સંગીત નાટક અકાદમી, સેન્ટ્રલ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એમ્પોરિયમ અને ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જેવાં મુખ્ય સાંસ્કૃતિક સંસ્થાનો પણ કમલાદેવીની દીર્ઘદ્રષ્ટિ અને મજબૂત ઈરાદાનું જ પરિણામ છે. અખિલ ભારતીય હસ્તશિલ્પ નિગમની સ્થાપનામાં કમલાદેવીએ મહત્ત્વની ભૂમિકા ભજવેલી. નિગમના પ્રથમ અધ્યક્ષ તરીકે પણ તેમણે પ્રશંસનીય કામગીરી કરી. પોતાના કામ સાથે એકાકાર થઈ જવાની આ પ્રકૃતિએ પગથિયાં બનીને કમલાદેવીને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવાં સર્વોચ્ચ પુરસ્કાર સુધી પહોંચાડ્યાં.
આ કમલાદેવીનો જન્મ કર્ણાટક સ્થિત મેંગલોરમાં થયો. તારીખ 3 એપ્રિલ 1903. પરિવારના ચાર સંતાનોમાં સૌથી નાની. પિતા અનન્તયા ધારેશ્વર સરકારી અધિકારી હતા. માતા ગિરિજાદેવી ગૃહિણી હતી. ભણેલી હતી. કમલાદેવી પર માતાનો ખાસ્સો પ્રભાવ રહ્યો. કમલાદેવીએ પ્રાથમિક શિક્ષણ મેંગલોરમાં મેળવ્યું. પછી ચેન્નાઈની ક્વીન્સ મેરી કોલેજમાં પ્રવેશ મેળવ્યો.
દરમિયાન, તત્કાલીન સામાજિક રિવાજ પ્રમાણે 1917માં કમલાદેવીની 14 વર્ષની ઉંમરે એમનાં લગ્ન કૃષ્ણા રાવ સાથે થયાં. પણ દુર્ભાગ્યે લગ્નનાં બે વર્ષ પછી જ કૃષ્ણા રાવનું મૃત્યુ થયું. સોળ વર્ષની ઉંમરે કમલાદેવીએ વૈધવ્ય વેઠવું પડ્યું. જોકે એમણે આગળનો અભ્યાસ જારી રાખ્યો. નાટકોમાં અને અભિનયમાં પણ રસ હતો કમલાદેવીને. અભિનયના રસને પગલે સરોજિની નાયડુના ભાઈ હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સાથે પરિચય થયો. હરેન્દ્રનાથ કવિ અને નાટ્યકાર હતા. સમાન શોખને કારણે કમલાદેવી અને હરેન્દ્રનાથ પરસ્પર આકર્ષાયાં. 1919માં બન્નેએ પ્રભુતામાં પગલાં પાડયાં. પુનર્વિવાહ કર્યા પછી હરેન્દ્રનાથ સાથે કમલાદેવી લંડન ગયાં. લંડનની જિમલોમ બેડફોર્ડ કોલેજમાંથી સમાજશાસ્ત્ર વિષયમાં ડિપ્લોમા મેળવ્યો.
આ અરસામાં ભારતમાં ગાંધીજીના નેતૃત્વમાં આઝાદી આંદોલનનો આરંભ થઈ ચૂકેલો. આંદોલનના પડઘા લંડનમાં સંભળાયા. 1923માં કમલાદેવી આંદોલનમાં ભાગ લેવા ભારત પાછા ફર્યાં. દીકરા રામકૃષ્ણ ચટ્ટોપાધ્યાયનો જન્મ થયો. નવી જવાબદારી સાથે કમલાદેવીએ અસહકાર આંદોલનમાં ભાગ લીધો. બહેનોને પણ આંદોલનમાં ભાગ લેવા પ્રેરી. ઉપરાંત સામાજિક ઉન્નતિ માટે કાર્યરત સેવાદળ સાથે જોડાયાં. સંગઠન પોતાનું લક્ષ્ય હાંસલ કરે એ માટે કમલાદેવીએ અથાક પરિશ્રમ કર્યો. એમની મહેનતને જોતાં કમલાદેવીને સંગઠનની મહિલા પાંખના પ્રભારી નિયુક્ત કરાયાં. કમલાદેવીએ બહોળી સંખ્યામાં મહિલાઓને સંગઠન સાથે જોડી અને તેમને પ્રશિક્ષિત કરી. ત્યાર પછી 1930ના મીઠાના સત્યાગ્રહમાં કમલાદેવીએ ભાગ લીધો. એમણે પોતે નમક પકવેલું. મીઠાનો કાયદો તોડવા બદલ ધરપકડ વહોરનાર બોમ્બે પ્રેસિડેન્સીની પ્રથમ મહિલા કમલાદેવી જ હતાં!
કમલાદેવીએ કેટલાયે આંદોલનોમાં ભાગ લીધેલો. 1926 સુધીમાં જ ઘણા સત્યાગ્રહોમાં એ સહભાગી થયેલાં. દરમિયાન, એમને મદ્રાસ પ્રાંતીય વિધાનસભાનું કામકાજ સંભાળવાનો મોકો મળેલો. એ સાથે વિધાનસભા કાર્યાલય સંભાળનાર કમલાદેવી દેશની પ્રથમ મહિલા બન્યાં. 1926માં જ કમલાદેવીને અત્યંત મહત્ત્વની જવાબદારી સોંપાઈ. એમને અખિલ ભારતીય મહિલા સંમેલનનાં અધ્યક્ષ બનાવાયાં. આ સંમેલનની જવાબદારી મળતા જ કમલાદેવીએ મહિલા કલ્યાણ માટેનાં કાર્યક્રમો હાથ ધર્યા. એમણે દેશની મહિલાઓના શિક્ષણ માટે પણ કામ કર્યું.1932માં દિલ્હી ખાતે લેડી ઈરવિન કોલેજની સ્થાપના મહિલાઓ ભણી શકે એ માટે કરાઈ હતી. આ કોલેજની સ્થાપનામાં કમલાદેવીની પણ ભૂમિકા હતી.
જોકે કમલાદેવીએ સૌથી અદ્ભુત કામગીરી કોઈ ક્ષેત્રમાં કરી હોય તો એ હતું હસ્તકલા ક્ષેત્ર. ભારતમાં જાતભાતનાં હસ્તશિલ્પને ટકાવી રાખવા માટે એમણે પ્રયત્નો કર્યાં. અખિલ ભારતીય હસ્તશિલ્પ નિગમની સ્થાપનામાં મહત્ત્વની કામગીરી અદા કરી. આ ગાળામાં પતિ સાથે મતભેદને પગલે છૂટાછેડા લીધાં, પણ કાર્યનિષ્ઠાને સમર્પિત રહ્યાં. 1952માં નિગમનાં પ્રથમ અધ્યક્ષ તરીકે એમણે ઉત્તમ કામગીરી કરી. કમલાદેવીએ ગ્રામીણ વિસ્તારોમાં ઘૂમી ઘૂમીને હીરાપારખુ કુશળ ઝવેરીની જેમ હસ્તશિલ્પ અને હાથવણાટની કલાને પારખી. કલાને સંરક્ષણ આપ્યું. દેશના વણકરોના પુનરુત્થાન માટે કમલાદેવીએ અત્યંત ધગશથી કામ કર્યું. એનું પરિણામ એ આવ્યું કે કમલાદેવી જયારે એ ગામોમાં જતાં ત્યારે હસ્તશિલ્પી, વણકર અને હાથવણાટ સાથે જોડાયેલા કારીગરો પોતાના મસ્તક પરથી પાઘડી ઉતારીને એમનાં ચરણોમાં મૂકી દેતા. હસ્તકલા ઉદ્યોગ માટે સંતાન પ્રત્યેની માતાની મમતા જેવો કમલાદેવીનો નિ:સ્વાર્થ ભાવ જોઈને હસ્તશિલ્પીઓ એમને ‘હાથશાળની મા’નું લાડકું નામ આપેલું…
આ પણ વાંચો કથા કોલાજ: ‘કરણ-અર્જુન’થી મારી કારકિર્દીમાં એક જબરજસ્ત ઉછાળ આવ્યો
ભારત સરકારે કમલાદેવીના યોગદાનને યોગ્યપણે જ બિરદાવેલું. દેશના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મભૂષણથી 1955માં પુરસ્કૃત કર્યાં. 1987માં બીજા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મવિભૂષણથી સન્માનિત કર્યાં. દરમિયાન 1966માં સામુદાયિક નેતૃત્વ બદલ રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો. સંગીત નાટક અકાદમી દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર 1974માં મળ્યો. યુનેસ્કોએ 1977માં હસ્તકલા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ સન્માન કર્યું. ભારત સરકારે 29 ઓક્ટોબર 1991ના રોજ કમલાદેવીની ત્રીજી મૃત્યુતિથિએ, એમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પાડી અને ભારત સરકારે જ એમના સન્માનમાં 2017માં મહિલા હાથશાળ વણકર અને હસ્તકલા કારીગરને પ્રતિ વર્ષ ‘કમલાદેવી ચટ્ટોપાધ્યાય’ રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની ઘોષણા કરી.
આ તમામ પુરસ્કારો અને ગૌરવ છતાં કમલાદેવીને મન સૌથી મોટું સન્માન એક જ હતું : કોઈ હસ્તશિલ્પીના મોંએથી ‘હાથશાળની મા’નું લાડકું સંબોધન સાંભળવું!