ચોમેરથી ઘેરાયું પાકિસ્તાનઃ બલૂચીસ્તાને પણ પાક સેના પર કર્યો હુમલો, સાત મર્યાની ખબર

નવી દિલ્હીઃ આતંકવાદને પોષીને ભારતને સતત કનડતું પાકિસ્તાન પોતાના જ પ્રાંત બલુચીસ્તાનને પણ શાંતિથી રહેવા દેતું ન હતું, હવે તેમણે પણ શસ્ત્રો ઉઠાવ્યા છે. બુધવારે રાત્રે ભારતે પહેલગામ હુમલાના જવાબના રૂપે મિસાઈલ સ્ટ્રાઈક કરી આતંકવાદીઓના નવ અડ્ડાને નેસ્તનાબૂદ કરી ઑપરેશન સિંદૂર દ્વારા પાકને ધૂળ ચાટતું કરી નાખ્યું છે ત્યારે બલૂચ આર્મીએ પણ પાક સૈન્ય પર હુમલો કર્યાના અહેવાલો પ્રકાશમાં આવી રહ્યા છે.
આ હુમલો બોલાનના મચ્છકુંડમાં કરવામાં આવ્યો હતો. બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડએ પાકિસ્તાની આર્મીના વાહનને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેનાના વાહનને રિમોટનો ઉપયોગ કરીને ઉડાવી દેવામાં આવ્યું હોવાના અહેવાલો છે.
બલૂચ આર્મીએ એટલે કે વિદ્રાહીઓએ અગાઉ પણ પાક સેના પર હુમલો કર્યો હતો. છેલ્લા 24 કલાકમાં બલૂચો દ્વારા પાકિસ્તાન સેના પર આ બીજો મોટો હુમલો છે, જેમાં 7 સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પહેલા પણ BLA એ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલો કેચ જિલ્લાના કિલાગ વિસ્તારમાં થયો હતો, જ્યાં પાકિસ્તાની સેનાની એક ટીમને નિશાન બનાવવામાં આવી હતી.
આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે પાકિસ્તાની સેના જવાબી લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી રહી હતી. આ હુમલામાં 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો પાકિસ્તાનીઓને સિંદૂરના અર્થની નથી ખબર, ભારતની કાર્યવાહી બાદ ગૂગલ પર કરી રહ્યા છે સર્ચ
બલુચિસ્તાન અંગે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું હતું કે બલુચિસ્તાન એક જંગલી ઘોડા જેવું છે, જેના પર હવે પાકિસ્તાનનો કોઈ નિયંત્રણ નથી અને તે રાત્રે વધુ જંગલી બની જાય છે.
જોકે પાકિસ્તાન પોતે જ માનવસભ્યતા ભૂલી જંગલી જેમ વર્તતું હતું અને તેનો ભોગ ભારતના નિર્દોષ લોકો અને સૈન્યના જવાનો બન્યા છે. ભારતે વારંવાર જડબાતોડ જવાબ આપ્યો હોવા છતાં ન સુધરતુ પાકિસ્તાન હવે ચારે બાજુથી ઘેરાયું છે.