લાડકી

કથા કોલાજ: ‘કરણ-અર્જુન’થી મારી કારકિર્દીમાં એક જબરજસ્ત ઉછાળ આવ્યો

-કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 3)
નામ: મમતા કુલકર્ણી-યામાઈ મમતા નંદ ગિરી
સમય: 24 જાન્યુઆરી, 2025
સ્થળ: પ્રયાગરાજ

ઉંમર: 52 વર્ષ

મારી ઓળખને કારણે મારી બહેનોએ પણ ફિલ્મમાં એક્ટિંગ કરવાની જીદ કરી. 1997માં મિથિલાએ પ્રિયદર્શિની કુલકર્ણી નામ સાથે બી ગ્રેડની કેટલીક ફિલ્મો સાઈન કરી, પણ એ ફિલ્મો રિલીઝ ન થઈ. મારી બીજી બહેન મોલિના કુલકર્ણી પણ 96માં પ્રયત્ન કરી ચૂકી હતી. એણે એનું નામ સૌમ્યા કુલકર્ણી રાખ્યું અને ટાઈમ બૉમ્બ, સમ્રાટ જેવી ફિલ્મોમાં એણે રોલ કર્યા. મોલિના સંજય કદમ સાથે પરણેલી હતી. એના સાસુ-સસરાને ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય ગમ્યો નહીં, એટલે એના છૂટાછેડા થયા. નમ્રતા એની દીકરી સાથે એ અમારે ઘેર પાછી આવી.

આ બધા સમય દરમિયાન મેં અનેક ફિલ્મો સાઈન કરી અને એમાંથી મને પડતી મૂકવામાં આવી. એ ફિલ્મો ફિરોઝ ખાન, મિર્ઝા બ્રધર્સ, વૈષ્ણોદેવી, શાલીમાર ફિલ્મ્સ અને મોટા મોટા સ્ટાર્સ સાથેની ફિલ્મો હતી. સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર અને ફરદીન ખાનની લોન્ચ ફિલ્મ પણ મારી સાથે બનવાની હતી. હું કોન્ટ્રાક્ટ સાઈન કરતી અને થોડા જ વખતમાં અચાનક જ એ ફિલ્મમાંથી કાં તો મને પડતી મૂકવામાં આવતી કાં તો ફિલ્મ જ આગળ ન વધતી. હું થોડી અકળાઈ ગઈ હતી. એવામાં પ્રોડ્યુસર રામ દયાલનો એક પત્ર આવ્યો. એમણે સ્ટારડસ્ટમાં મારા ફોટા જોયા હતા. એમણે મારી સાથે એક એડલ્ટ ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. હું જેટલા માગું એટલા પૈસા આપવા તૈયાર હતા, પરંતુ મારું મગજ છટક્યું. મેં એમને કહ્યું, ‘તુમ મુજે ઐસી લડકી સમજતે હો?’ એમણે હસીને જવાબ આપ્યો, ‘નંગે ફોટો છપ ચૂકે હૈ, અબ ઐસી વૈસી ક્યા કરતી હો?’ મને ખૂબ ખરાબ લાગેલું… હું લગભગ ફિલ્મો છોડવાની માનસિકતામાં હતી ત્યારે એક દિવસ મારા પર એક ફોન આવ્યો.

એ ફોનમાં મને માહિતી આપવામાં આવી કે, રાકેશ રોશન દિગ્દર્શક તરીકે પુન:જન્મ પર આધારિત એક ફિલ્મ બનાવવામાં આવી. જેમાં, શાહરુખ અને સલમાન એક સાથે છે. બેમાંથી એકની હિરોઈન તરીકે મારું કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કાસ્ટિંગ ડિરેક્ટરે મને જણાવ્યું કે, બે સ્ટાર્સનું બજેટ એટલું મોટું હતું કે, હિરોઈનની ફિસ બહુ ઓછી રાખવામાં આવી હતી. મેં વિચાર કર્યો, મારી પાસે કામ નહોતું એટલે એ વખતે હા-ના કરવાનો મતલબ નહોતો. મેં એ ફિલ્મ સાઈન કરી. ‘કરણ-અર્જુન’થી મારી કારકિર્દીમાં એક જબરજસ્ત ઉછાળ આવ્યો. સૌને મારું કામ ખૂબ ગમ્યું. એ પછી ફિલ્મોની ઓફર ફરી શરૂ થઈ. એ પછી ‘ક્રાંતિવીર’, ‘સબસે બડા ખિલાડી’, ‘પોલીસવાલા ગુંડા’, ‘બાઝી’, ‘ઘાતક’ જેવી ફિલ્મોએ મારી કારકિર્દી ફરી સેટલ કરી દીધી. એ ગાળામાં ટીનુ વર્મા દિગ્દર્શક તરીકે ફિલ્મ બનાવતા હતા. એમણે મને રોલ ઓફર કર્યો, પરંતુ સાત જણાંની કાસ્ટમાં હિરોઈનનો કોઈ રોલ નહોતો. હું છેલ્લા ત્રણ વર્ષથી લીડ કરી રહી હતી અને મોટા મોટા બેનર્સ જોડે કામ કરી રહી હતી. મેં ટીનુને ના પાડી, પણ એણે મને કહ્યું કે, એ મારો જબરજસ્ત ફેન છે અને કોઈપણ સંજોગોમાં એ મારી સાથે કામ કરવા માગે છે. થોડું વિચારીને એણે મને પૂછ્યું કે, હું આઈટમ સોન્ગ કરીશ? હું શ્યોર નહોતી, પણ પછી મને લાગ્યું કે એ જે આગ્રહથી મને કહી રહ્યો હતો એ જોતાં એને ના પાડવી મને યોગ્ય ન લાગી એટલે મેં ‘હા’ પાડી.

જ્યારે સારો સમય શરૂ થાય ત્યારે બધું જ ન ધાર્યું હોય એટલું સારું થાય. ‘ચાઈના ગેટ’નું એ ગીત એટલું બધું લોકપ્રિય થયું, જેની અમને કોઈને આશા નહોતી. એ ગીતે મને ફરી એક કોન્ટ્રોવર્સીમાં નાખી દીધી. એ ગીત ઉપર પણ અશ્ર્લીલતાનો કેસ કરવામાં આવ્યો. ટીનુ વર્માને અને ગીતના લેખકને દંડ કરવામાં આવ્યો. મને પણ કોર્ટમાં હાજર રહેવાની નોટિસ મળી. મેં કોર્ટમાં કહ્યું, ગીતના શબ્દોમાં જ કહે છે, ‘ગલતી મારે સે હો ગઈ…’ એનો અર્થ એ કે ગીતમાં જ માફી માગી છે. હવે વધારાની માફી શું માગવાની? વળી વિવાદ થયો, પણ આ વિવાદે એ ગીતને જબરજસ્ત પ્રસિદ્ધિ અપાવી એની ના નહીં.

ફિલ્મ દરમિયાન ટીનુ વર્મા અને મેં, છુપાઈને લગ્ન કરી લીધા છે એવી અફવા વહેતી થઈ. ટીનુ સાથે મારો અફેર છે, એ મારી સાથે રહે છે એવા પ્રકારના સમાચારો ફિલ્મ મેગેઝિન્સમાં છપાતા રહ્યા. મેં તપાસ કરાવી ત્યારે ખબર પડી કે, ફિલ્મની પબ્લિસિટી માટે ટીનુ જ આ સમાચાર છપાવતો હતો. એક દિવસ એક પાર્ટીમાં ટીનુ મળી ગયો. એની સાથે એ બાબતે સખત ઝઘડો થયો અને એ ઝઘડાના સમાચાર અમારા બ્રેકઅપ તરીકે છપાયા. 1998થી 2001માં મારી પાસે બહુ ફિલ્મો નહોતી. હું ફિલ્મી દુનિયાના તોર તરીકાથી કંટાળી ગઈ હતી. કારકિર્દીથી નિવૃત્ત થવાનો વિચાર કરતી હતી.

એ ગાળામાં મુંબઈની આર્થર રોડ જેલમાંથી મને ફોન આવ્યો. કોઈકે કહ્યું, ‘વિકી ગોસ્વામી તમારી સાથે વાત કરવા માગે છે.’ મેં પૂછ્યું, ‘કોણ વિકી ગોસ્વામી?’

‘અરે! તમને નથી ખબર? એ ડ્રગ્સમાં પકડાયેલો એક માફિયા છે.’ સામેથી જવાબ મળ્યો. હું ડરી ગઈ. વાત ન કરું અને કાલે એ મને હેરાન કરે તો? મેં એની સાથે વાત કરી. એનો અવાજ સંભળાયો, ‘મમ્સ!’ એ મને મમતાને બદલે મમ્સ કહેતો હતો… પહેલાં તો હું એની સાથે વાત કરતા ખૂબ ડરતી, પછી ધીમે ધીમે અમે વાતો કરવા લાગ્યા. એણે એના જીવનની કથા કહી.

દુબઈ પોલીસે 1997માં ડ્રગ્સના આરોપમાં એને કેદ કર્યો હતો. 25 વર્ષની સજા ફરમાવવામાં આવી હતી. ગુજરાતના રિટાયર ડીએસપી આનંદગિરી ગોસ્વામીનો દીકરો છે. જે 15 ભાઈ-બહેનોની સાથે ઉછર્યો. આનંદગિરીના એકથી વધારે લગ્ન થયા હતા અને એ પોતે પણ દારૂ વેચવાના આરોપમાં સસ્પેન્ડ થયો હતો. પાલડીના બિપીન પાંચાલ સાથે એની મુલાકાત થઈ અને ત્યાંથી એણે મેન્ડ્રેક્સનો કારોબાર શરૂ કર્યો… વિકી સાથેની વાતચીત દરમિયાન મને સમજાયું કે, એ એકલો છે. એને પોતાના ડ્રગ્સના બિઝનેસ બાબતે પસ્તાવો છે. એક દિવસે મેં એને પૂછ્યું, ‘તને મારી પાસેથી શું જોઈએ છે?’ એ હસી પડ્યો. એણે કહ્યું, ‘મને આ લોકોએ સોલિટરી ક્ધફાઈનમેન્ટમાં નાખ્યો છે. મારી નાખશે… હું તારી સાથે કદાચ છેલ્લીવાર વાત કરી રહ્યો છું.’

આ પણ વાંચો વિશેષ : ઘણા લોકો પાર્કમાં કારણ વગર જોરથી હસે છે, જાણો, આ કરવાથી કયા રોગ મટે છે?

વિકી સાથે મારી વાતચીતનો સમયગાળો હતો એ દરમિયાન મારી ઓળખાણ ગુરૂ ગગનગિરી સાથે થઈ હતી. એમણે મને ધ્યાન, યોગ અને આત્મશુદ્ધિના અનેક પ્રયોગો સાથે જોડી હતી. વિકી સાથે વાત થયા પછી હું રાત્રે ગાડી લઈને ગગનગિરી મહારાજ પાસે ગઈ. એમણે કશું જ જાણ્યા વગર મને કહ્યું, ‘એ છૂટી જશે. બે વર્ષ લાગશે.’

વિકીએ મને કહ્યું કે, હું દુબઈ આવી જાઉં. ત્યાં એક ફ્લેટ લઈને મેં રહેવાનું શરૂ કર્યું. આ મારા જીવનનો સૌથી કપરો અને પરિવર્તનનો સમય હતો. મેં ફિલ્મી દુનિયાનો ત્યાગ કર્યો અને ગગનગિરી મહારાજની નિશ્રામાં ધ્યાન અને આત્મશુદ્ધિનો પ્રવાસ શરૂ કર્યો. ઈશ્વર ભક્તિ, ગુરૂ ભક્તિ અને વિકીને દર મહિને જેલમાં મળવા સિવાય મારી પાસે કોઈ કામ નહોતું. ફિલ્મો છોડ્યા પછી આર્થિક પરિસ્થિતિ ગંભીર હતી, પરંતુ એ જવાબદારી વિકીએ ઉપાડી લીધી. મને મારા મહિનાનો ખર્ચો મળી જતો. અમે લગભગ બે વર્ષ આવી રીતે વિતાવ્યા. મને વિકી સાથે વાત કરતાં સમજાયું કે, દિલનો ખૂબ સારો માણસ હતો. મને ખૂબ પ્રેમ કરતો હતો.

ગુરૂ મહારાજે કહ્યું હતું કે, વિકી છૂટી જશે. …અને સાચે એમ જ થયું. વિકીને દુબઈ જેલમાંથી એક ઓફર આપવામાં આવી. જો એ મુસ્લિમધર્મ અંગીકાર કરે તો એને પાંચ જ વર્ષમાં છોડી દેવામાં આવે. એને સાડા ત્રણ વર્ષ થઈ ચૂક્યા હતા. વિકીએ મુસ્લિમધર્મ અંગીકાર કર્યો. એને દોઢ વર્ષમાં છોડી દેવામાં આવ્યો.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button