નેશનલ

“બહેન-દીકરીઓનું સિંદૂર છીનવ્યું તેણે પરિવાર ગુમાવ્યો…..” ઓપરેશન સિંદૂર પર બોલ્યા યોગી આદિત્યનાથ…

લખનઉ: ઓપરેશન સિંદૂરને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આતંકવાદીઓને જડબાતોડ જવાબ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જેમણે ભારતની બહેન-દીકરીઓનું સિંદૂર છીનવવાનો પ્રયાસ કર્યો છે, તેમણે પોતાનો પરિવાર ગુમાવવો પડ્યો છે.

નાગરિકોને સતર્ક રહેવાની અપીલ
પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી શિબિરો પર ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતીય સેનાની કાર્યવાહી બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે નાગરિકોને સતર્ક રહેવા અને આવા મહત્વપૂર્ણ સમયે રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની તેમની ફરજો પૂરી કરવા વિનંતી કરી હતી.

કટોકટીની સ્થિતિમાં દેશ પ્રથમ
લખનઉમાં રિઝર્વ પોલીસ લાઇન ખાતે આયોજિત નાગરિક સુરક્ષા મોક ડ્રીલમાં એક સભાને સંબોધતા મુખ્ય પ્રધાને કહ્યું, દરેક નાગરિકે સમજવું જોઈએ કે કટોકટીની સ્થિતિમાં દેશ પ્રથમ આવે છે. આપણે આપણા સુરક્ષા દળો સાથે ખભેખભા મિલાવીને ઊભા રહેવું જોઈએ અને આપણી સતર્કતા, એકતા અને પ્રતિબદ્ધતા દ્વારા તેમનો જુસ્સો વધારવો જોઈએ.”

સેનાના પરાક્રમને જનતાનો પૂરો સહયોગ
સીએમ યોગીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની સેનાની બહેન-દીકરીઓ પ્રત્યે સંવેદનાનું પ્રતીક છે. સેનાના પરાક્રમને જનતાનો પણ પૂરો સહયોગ છે. તેમણે પહેલગામ હુમલા પર સેનાની કાર્યવાહીને નિર્ણાયક ગણાવી હતી. દેશની આન, બાન અને શાન સાથે કોઈને પણ ચેડાં કરવા દેવામાં આવશે નહીં. દેશ સર્વોપરી છે. ભારત માતા વિરુદ્ધ જેણે પણ કાવતરું ઘડ્યું છે, તેને તેનું પરિણામ ભોગવવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button