
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદ સામે મજબુત કાર્યવાહી કરી હતી. ભારતીય સેનાએ રોકેટમારો કરી આતંકવાદીઓના 9 ઠેકાણાં સંપૂર્ણપણે નષ્ટ કર્યા હતાં. પાકિસ્તાનના વડાપ્રધાન પ્રધાન શેહબાઝ શરીફ (Shehbaz Sharif)એ પાકિસ્તાની સેનાને ભારત સામે કાર્યવાહી કરવા મંજુરી આપી હતી, પાકિસ્તાનના કેટલાક નેતાઓએ ભારત વિરુદ્ધ ઉગ્ર નિવેદનો આપ્યા હતાં. એવામાં એવી આશંકા છે કે પાકિસ્તાન ભારત પર હુમલા કરી શકે છે. જોકે હવે આવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન નરમ પડ્યું છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાને તણાવ ઓછો કરવાની ઇચ્છા દર્શાવી છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડાર (Ishaq Dar)એ એક નિવેદનમાં મામલો આગળ ન વધારવા અને તણાવ ઓછો કરવાની ઇચ્છા દર્શાવી છે. ઇશાક ડારે કહ્યું, ‘મેં ઓછામાં ઓછા 26 અલગ અલગ દેશોના વડાઓ સાથે વાત કરી છે. તે બધાએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંનેએ વર્તમાન તણાવ વધુ વધવો ન જોઈએ. અમે તેમને ખાતરી આપી છે કે અમે સંપૂર્ણ સંયમ રાખીશું.’
ભારતને ધમકી પણ આપી:
આ સાથે ડારે ભારતને ધમકી પણ આપી. તેમણે કહ્યું, ‘અમે ગઈકાલે રાત્રે ભારતના હુમલાનો અસરકારક રીતે જવાબ આપ્યો છે. જો તેમના દ્વારા વધુ કોઈ આક્રમક પગલું ભરવામાં આવશે, તો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું.’ સિંધુ જળ સંધિને રદ કરવાના ભારતના નિર્ણય પર ઇશાક ડારે કહ્યું, ‘દુનિયાનો કોઈ પણ દેશ પોતાના હિસ્સાના પાણીનું એક ટીપું પણ છોડવા માંગશે નહીં. બધા કહી રહ્યા છે કે આપણે બેસીને આ વિશે વાત કરવી જોઈએ, પરંતુ આ અંગે કોઈ ચર્ચા થઈ રહી નથી.’
ભારત પર લગાવ્યા આરોપ:
ડારે ભારત સામે આરોપ પણ લગાવ્યા. ડારે કહ્યું “હુમલા પછી, ભારત તેના મીડિયા દ્વારા હાઇપ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુલવામા પછી પણ તેમણે આવું જ કર્યું. LoCથી પહેલગામ માત્ર 230 કિલોમીટર દૂર છે. તેમનું કહેવું છે કે જમ્મુ અને કાશ્મીરમાં તેમના 7 લાખ સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. તો પછી તેઓ આ હુમલા માટે પાકિસ્તાનને કેવી રીતે દોષી ઠેરવી શકે? શું આ શક્ય છે?”
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું, ‘પુલવામા હુમલા દરમિયાન, ભારત દુનિયાને પોતાનું નેરેટીવ સમજાવવામાં સફળ રહ્યું. તેના કારણે, ભારત કલમ 370 દૂર કરવામાં સફળ રહ્યું. પરંતુ આ વખતે અમે આવું નહીં થવા દઈએ. મેં આજે સવારે રાષ્ટ્રીય સુરક્ષા બેઠકમાં હાજરી આપી.’
તેમણે કહ્યું અમે તમામ રાજદ્વારી મોરચે દેશો સાથે વાત કરી રહ્યા છીએ. મેં સ્પેનના વિદેશ પ્રધાન સાથે વાત કરી છે. ઇટાલીના ગૃહ પ્રધાન સાથે પણ વાત થઈ છે. અન્ય બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમે પાકિસ્તાનમાં હાજર તમામ વિદેશી હાઈ કમિશનરોને મળીશું અને તેમને પરિસ્થિતિ વિશે માહિતગાર કરીશું.
આપણ વાંચો : પાકિસ્તાન ગભરાયું! પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સેનાએ કાર્યવાહી કરવા મંજુરી આપી