પાકિસ્તાનની પોલ ખુલી પડી; આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ હાજર

નવી દિલ્હી: ગત રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં રોકેટમારો કરી ભારતીય સેનાને આતંકવાદી સંગઠનોની કમર તોડી નાખી છે. ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર‘ (Operation Sindoor) હેઠળ આતંકવાદીઓના નવ સ્થળોએ ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં સંખ્યાબંધ આતંકવાદીઓ માર્યા ગયા છે. આજે પાકિસ્તાનના કેટલાક સંગઠનોએ માર્યા ગયેલા આતંકવાદીઓની અંતિમયાત્રા કાઢી હતી. જેમાં પાકિસ્તાનનું બેવડું ચરિત્ર ખુલ્લું પડી ગયું હતું.
અહેવાલ મુજબ ભારતીય સેનાના હુમલામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓના જનાજામાં મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવાના સભ્યો હાજર રહ્યા હતાં, આ સાથે પાકિસ્તાની સેનાના કેટલાક કર્મચારીઓએ આતંકવાદીઓના જનાજામાં હાજરી આપી હતી.
આ આતંકવાદીઓ મુરીડકેમાં ભારતીય સેનાએ કરેલા હુમલામાં માર્યા ગયા હતા. મુરીદકે લાહોરથી લગભગ 40 કિલોમીટર દૂર છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર અંગે ખોટા દવા કરતા ચીનના ન્યુઝ આઉટલેટને ભારતે ફટકાર લગાવી…
સેના અને પોલીસના કર્મચારીઓ હાજર:
માર્યા ગયેલા આતંકવાદીની લાશ ટ્રેક્ટર પર રાખીને સન્માનપૂર્વક લઇ જવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયાએ આ જનાજાના વીડિયો શેર કર્યા છે. જેમાં જોવા મળે છે કે લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર હાફિઝ અબ્દુલ રઉફ આતંકવાદીઓના જનાજામાં જોડાયો હતો. આ દરમિયાન સેના અને પોલીસ અધિકારીઓ પણ સાથે ઉભા જોવા મળ્યા.
લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર આ જનજામાં સામેલ થયો હતો,જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતના હુમલાથી કોઈ લશ્કર-એ-તૈયબાના મોટા આતંકવાદીનું મોત થયું છે. આ ઉપરાંત પાકિસ્તાનની સેના અને પોલીસ અધિકારીઓની હાજરી એ પુરવાર કરે છે કે પાકિસ્તાન આતંકવાદને રક્ષણ આપે છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર અંગે પહલગામના પીડિત ડોંબિવલીના પરિવારે આપી જોરદાર પ્રતિક્રિયા, હવે મને શાંતિ મળી…
આતંકવાદીએ ભારતને ધમકી આપી:
જમાત-ઉદ-દાવાની રાજકીય પાંખ પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગના પ્રવક્તા તાબીશ કય્યુમે જણાવ્યું હતું કે કડક સુરક્ષા વચ્ચે કારી અબ્દુલ મલિક, ખાલિદ અને મુદસ્સીરના અંતિમ સંસ્કારની નમાજ અદા કરવામાં આવી હતી. કય્યુમ પોતે પણ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યો હતો. નિવેદનમાં કય્યુમે સ્વીકાર્યું કે વહીવટીતંત્રના અધિકારીઓએ પણ જનાજામાં ભાગ લીધો હતો.
ભારતની લશ્કરી કાર્યવાહીથી રોષે ભરાયેલા કય્યુમે કહ્યું કે ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ આપવામાં આવશે. જ્યારે હુમલો થયો ત્યારે આ ત્રણ લોકો મસ્જિદની નજીકના એક રૂમમાં સૂતા હતા અને મસ્જિદને નિશાન બનાવવામાં આવી.