ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

‘દીકરી સાપનો ભારો’નું દફન

વરઘોડો, બારાત, જાન, ફુલેકું… લગ્નના જલસાનો એક અનન્ય હિસ્સો છે. અગાઉના વખતમાં વરરાજા ઢોલ, નગારા અને શરણાઈ સંગાથે ઘોડા પર સવાર થઈ ક્ધયાના માંડવે જતા અને ઘોડે ચડ્યાનો અવસર ઉત્સાહ- આનંદથી ઉજવાતો. અલબત્ત એકવીસમી સદીમાં અને ખાસ કરી ‘ડેસ્ટિનેશન વેડિંગ’માં તો જાન, સામૈયું જેવી પ્રથાની લગભગ બાદબાકી થઈ ગઈ છે. જોકે, ઉત્તર ભારતની એક ‘બારાત’નો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો જોઈ લોકોની આંખો પહોળી થઈ છે. ઝાકઝમાળથી નહીં, બલકે આશ્ર્ચર્યથી. વાત એમ છે કે પિતાશ્રીએ સામે વ્હેણે તરી દીકરીના છૂટાછેડાનો વરઘોડો (કે ક્ધયાઘોડો?) કાઢ્યો હતો. સામાન્યપણે ડિવોર્સ દુ:ખદ ઘટના ગણાય છે, પણ આપણે જે પ્રસંગની વાત કરી રહ્યા છીએ એમાં સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી પિતાશ્રીએ લાગણી વ્યક્ત કરી છે કે ‘ધામધૂમથી દીકરીને સાસરે મોકલીએ છીએ, પણ જો એ દીકરી માટે સાસરે રહેવું અસહ્ય બની ગયું હોય તો સાસરિયાના ત્રાસથી કંટાળેલી પુત્રીને છૂટાછેડા પછી એને જે પ્રેમ-આદર સાથે સાસરે વળાવી હતી એ જ લાગણી સાથે પિયરે પાછી લાવવી જોઈએ, કારણ કે દીકરીના મૂલ્ય-મહત્ત્વ દીકરા કરતાં જરાય ઓછા નથી.’ વીડિયોમાં પરિવારના સભ્યો તાળીઓ પાડી, ફટાકડા ફોડી દીકરીને આવકારતા નજરે પડે છે. ‘દીકરી સાપનો ભારો’ કહેવત ઊંડે ઊંડે દફનાવી દેવામાં આવી હોય એવી લાગણી થાય છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પિતાશ્રીને અભિનંદન આપી તેમને બિરદાવ્યા છે.

રોબોટના દિલમાં રામ વસ્યા!

એકવીસમી સદીમાં માનવીનું દિમાગ વિજ્ઞાન – ટેક્નોલોજી ક્ષેત્રમાં હરણફાળ ક્રાંતિ લાવી રહ્યું છે. દિલ કરતાં દિમાગ વધુ સચેત બની રહ્યું છે અને માણસની બદલે મશીન પાસે કામ કરાવી લેવાની કોશિશ વધી રહી છે. રોબોટ-રોબોટિક્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) વગેરે એના જ્વલંત ઉદાહરણ છે. માણસ બીજા માણસની દયા ખાય એવા અસંખ્ય ઉદાહરણ તમે જોયા – જાણ્યા હશે, પણ એ માણસ મશીન સાથે દયાહીન બની એને નીચોવી નાખવામાં માહેર છે. જોકે, માત્ર દિમાગ ધરાવતા રોબોટના – યાંત્રિક માનવના – દિલમાં રામ વસ્યા હોય એવી ઘટના તાજેતરમાં બની છે. માનવ શરીરના સ્વરૂપના સોશિયલ રોબોટની વિશ્ર્વની સૌપ્રથમ ટેલિકમ્યુનિકેશનની ન્યૂઝ કોન્ફરન્સનું આયોજન સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા શહેરમાં થયું ત્યારે સોશિયલ રોબોટ સોફિયા,હેલ્થકેર રોબોટ ગ્રેસ અને રોક સ્ટાર રોબોટ ડેસ્ડેમોના સહિત નવ રોબોટ હાજર હતા. તેમની રજૂઆતમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે તેઓ મનુષ્ય કરતાં વધુ કાર્યક્ષમ નેતા બનવાની ક્ષમતા ધરાવે છે, પણ કોઈનો હક છીનવી લેવાના તેમના મનસૂબા નથી અને પોતાના સર્જક સામે બળવો કરવાનો પણ તેમનો કોઈ ઈરાદો નથી. ટૂંકમાં માલિક માટે રોબોટના દિલમાં રામ વસ્યા છે, રોબોટ માટે માલિકના દિલમાં અનેકવાર રાવણ વસતા હોવા છતાં!

વેડિંગ ફોટોશૂટમાં અનોખી પહેલ

લગ્નોત્સવમાં ફોટોશૂટનું વૈવિધ્ય અલગ સપાટીએ પહોંચી ગયું છે. એમાંય પ્રિ – વેડિંગ ફોટોશૂટ તો એક જુઓ ને એક ભૂલો એવી પરિસ્થિતિ હોય છે. કોઈ મુંબઈમાં જયપુર ઊભું કરી રાજકીય ઠાઠમાઠ સાથે ફોટોશૂટ કરાવે તો કોઈ હિમાચલ પ્રદેશ પહોંચી અસલી પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે શૂટિંગ કરાવે. જેવું ખિસ્સું એવી પહોંચ. જોકે, પર્યાવરણની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહેતી તાઈવાનની કાર્યકર્તા આઈરીશ શૈએ પ્રિવેડિંગનું એવું ફોટોશૂટ કરાવ્યું છે જેની તમે સપનેય કલ્પના ન કરી શકો. ફિયાન્સ સાથે પ્રિ વેડિંગ શૂટ કોઈ રમણીય સ્થળે કરવાને બદલે કચરા-ગંદકીના ‘પર્વત’ પાસે કરાવ્યું. કોઈ વિચાર કે ભાવનાથી લોકોને વિચારતા કરી મૂકવા હોય તો કહેણ કરતા કૃતિ વધુ પ્રભાવી સાબિત થાય, ૧૦૦૦ શબ્દો કરતાં એક તસવીર વધુ પ્રભાવ છોડી જાય. યુગલ પ્રિ વેડિંગ શૂટ માટે સજી ધજી એક એવા સ્થળે પહોંચ્યું જ્યાં છેલ્લા કેટલાંક વર્ષથી સ્થાનિક ચીજવસ્તુની ગંદકીનો ખડકલો વધી રહ્યો છે. આઈરીશ અને તેના ફિયાન્સનું માનવું છે કે આ ફોટોશૂટ જોયા પછી લોકો ગંદકી કરતા કે વધારતા બે વાર વિચાર કરશે, ખચકાશે અને એમના દિલમાં સ્વચ્છતા દેવી આસનસ્થ થશે તો અન્યોને પણ ગંદકીનો ફેલાવો કરતા અટકાવશે. આ યુગલ જાન્યુઆરીમાં પર્યાવરણની સમતુલા જળવાય એ રીતે લગ્ન કરવાનું છે. હે ઈશ્ર્વર, આ વિચારનું બીજ અનેક લોકોના મનમાં રોપાય એવી પ્રાર્થના જરૂર સાંભળજો.

ભંવરા બડા ભોલા હૈ

ગીતકાર શકીલ બદાયૂની ભલે લખી ગયા કે ‘ભંવરા બડા નાદાન હૈ’, હકીકત એ છે કે ભમરો ભોળો હોય છે. ફૂલ પોતાના સ્વાર્થ માટે એને પોતાની નજીક આવવા લલચાવે છે. ભમરો રસપાન કરીને સંતોષ પામે છે અને ફૂલની સર્જનક્રિયામાં નિમિત્ત બને છે. અલબત્ત ભ્રમરવૃત્તિ એ એક અલાયદો વિષય છે અને એમાં માણસનો સ્વભાવ કામ કરે છે પણ આપણે એની વાત નથી કરવાના. સામાન્ય વિજ્ઞાને આપણને સમજાવ્યું છે કે ભમરો એક ફૂલ પરથી રસપાન કરીને બીજા ફૂલ પર બેસે ત્યારે પરાગરાજની લેવડદેવડ થાય છે. હવે આ દિશામાં કરવામાં આવેલા એક વ્યાપક સંશોધન અનુસાર સેંકડો ફૂલ એક બ્લુ રંગનું અલૌકિક તેજોવલય રચે છે જે નરી આંખે આપણે નથી જોઈ શકતા. આ તેજોવલય મધમાખીને આકર્ષવામાં નિમિત્ત બને છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગોમાં કૃત્રિમ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ ફૂલો દ્વારા અલ્ટ્રાવાયોલેટ તેજોવલય રચવામાં આવ્યું હતું. બન્યું એવું કે ભમરાઓ કૃત્રિમ ફૂલો તરફ ખેંચાઈ આવ્યા અને રસપાન કરવાની કોશિશ કરવા લાગ્યા હતા. આ બ્લુ રંગનું તેજોવલય આપણને નરી આંખે નથી દેખાતું, પણ ભમરાને નજરે પડે છે. આ સાથે ફૂલનો આકર્ષક રંગ તેમ જ એની મીઠી ગંધ ભમરાને આકર્ષે છે એ સિદ્ધાંત કરતા વાત એક ડગલું આગળ વધે છે.

યાદ આતી રહી દિલ દુખાતી રહી….

૧૯૪૨નું વર્ષ (ભારત છોડો ચળવળ), ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ (સ્વાતંત્ર્ય દિવસ) કે પછી ૧૯૭૧નું પાકિસ્તાન સામેનું યુદ્ધ તેમજ ૨૫ જૂન, ૧૯૭૫ (કટોકટી) એવો સમયકાળ છે અનેક ભારતીયના સ્મરણપટ પર સારા નરસા સ્મરણ સાથે અંકિત થઈ ગયો હશે. એ જ રીતે તારીખ ૭ ઓક્ટોબર ઈઝરાયલના ઇતિહાસમાં કાયમ માટે કોતરાઈ ગઈ છે. જોકે આ કોઈ મીઠું સ્મરણ નથી પણ કડવી યાદ છે. ૧૯૪૮માં ઈઝરાયલને સ્વાતંત્ર્ય મળ્યા પછી ૭૫ વર્ષમાં પહેલીવાર હમાસ આતંકીઓએ કરેલા વિધ્વંસ હુમલામાં ૧૪૦૦ લોકો માર્યા ગયા હતા. અનેક લોકો જીવ ગુમાવનારાઓની સ્મૃતિ જાળવી રાખવા માગે છે અને કોઈ કાંડા પર તો કોઈ પીઠ પર આ તારીખના છૂંદણાં છુંદાવી રહ્યું છે-ટેટૂ કરી રહ્યું છે. આવું કરવા પાછળ એક ટેટૂ આર્ટિસ્ટએ આપેલું કારણ વિચારતા કરી દે એવું છે. ‘આ પ્રક્રિયા આક્રમણની પીડા હળવી બનાવે છે,’ આર્ટિસ્ટ જણાવે છે, ‘અગાઉ ટેટૂ કરતી વખતે કોઈ ખાસ વાતચીત કરતી નહીં, પણ આક્રમણ પછી ટેટૂ કરાવવા આવેલા લોકો સામે ચાલીને કારમી ઘટનાનું વર્ણન કરતા કરતા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે અને દિલ દુખાવનારી ઘટના કહી દીધા પછી તેમની પીડા હળવી થાય છે.’

લ્યો કરો વાત!
ક્રિકેટની લોકપ્રિયતા સીમાડા ઓળંગી રહી છે. પ્રીમિયર લીગ જેવી સ્પર્ધા હવે યૂએએસએમાં પણ રમાય છે. તાજેતરમાં મુંબઈમાં મળેલી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની બેઠકમાં ૨૦૨૮માં યુએસના લોસ એંજલ્સમાં આયોજિત ઓલિમ્પિક્સમાં જે પાંચ રમતને સ્થાન આપવામાં આવ્યું એમાં એક ક્રિકેટ છે. ૧૯૦૦ની સાલમાં ફ્રાન્સના પેરિસ શહેરમાં આયોજિત ઓલિમ્પિક્સમાં પહેલી અને એકમાત્ર વાર ક્રિકેટ રમાઈ હતી. જોકે, માત્ર બે જ ટીમ સહભાગી થઈ હતી અને બ્રિટને ફ્રાંસ સામે વિજય મેળવ્યો હતો. જોકે, વિજેતા બ્રિટિશ ટીમને ગોલ્ડ નહીં પણ સિલ્વર મેડલ અને ફ્રાંસને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત