આપણું ગુજરાત

નવરાત્રીમાં હાર્ટ એટેકથી થયેલા મૃત્યુ અંગે આરોગ્ય પ્રધાને નિષ્ણાતોની બેઠક બોલાવી

દિવસમાં હાર્ટ એટેકથી મૃત્યુ આંક ૩૫ને પાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે ગરબા કરતી વખતે ગુજરાતમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા હોવાની બાબત ગંભીરતાથી લેવાઇ રહી છે. મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર રાજ્યવ્યાપી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ હોવા છતાં ગરબાના કાર્યક્રમો સાથે સંકળાયેલા છ મૃત્યુ અને આ સમયગાળામાં રાજ્યમાં અન્ય ૨૨ લોકોના પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયા તે ચિંતાજનક ગણાય. નવ દિવસીય નવરાત્રી મહોત્સવ ૧૫ ઑક્ટોબરથી શરૂ થયો હતો.

સરકારે પણ આ મુદ્દાને ગંભીરતાથી લઇ ગુજરાતના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે સોમવારે ટોચના હૃદય નિષ્ણાતો અને યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ડોકટરો સાથે બેઠક યોજી હતી અને તેમને સંબંધિત ડેટા એકત્રિત કરવા અને આવા મૃત્યુનું ચોક્કસ કારણ શોધવા માટે સંશોધન કરવા નિર્દેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે રવિવારે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને આરોગ્ય પ્રધાને રાજ્યમાં હાર્ટ એટેકની વધતી સંખ્યા પાછળના કારણો શોધવા માટે અભ્યાસ હાથ ધરવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે નવરાત્રી દરમિયાન ગરબા રમતી વખતે ઘણા યુવાનોને હાર્ટ એટેક આવ્યો અને તેઓ મૃત્યુ પામ્યા હતા. તેની પાછળના કારણો શોધવા માટે આવા મૃત્યુનું વિશ્ર્લેષણ કરવું જોઈએ. ત્યાં હાજર રૂષિકેશ પટેલને છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકને કારણે કેટલા લોકો મૃત્યુ પામ્યા તેનો અને તે માટેના કારણોનો અભ્યાસ કરવા વિનંતી કરી હતી.

આ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સંશોધનને ટાંકીને, તેમણે લોકોની ગેરસમજ કે આવા મૃત્યુ કોવિડ-૧૯ ને કારણે થઈ રહ્યા છે તેને દૂર કરી હતી. ગરબા રમતી વખતે હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલા છ વ્યક્તિઓમાં ખેડા જિલ્લાના કપડવંજ શહેરના ધોરણ ૧૨ના વિદ્યાર્થી વીર શાહનો સમાવેશ થાય છે. તેના પરિવારના જણાવ્યા મુજબ શુક્રવારની રાત્રે એક કોમન ગ્રાઉન્ડમાં ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવતા વીર બેહોશ થઈ ગયો હતો. તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો ન હતો.
૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના રેકોર્ડ મુજબ, ૨૮ વર્ષીય રવિ પંચાલ શનિવારે વહેલી સવારે અમદાવાદની હદમાં હાથીજણ વિસ્તારમાં એક પાર્ટી પ્લોટમાં ગરબાની ધૂન પર નાચતો હતો ત્યારે અચાનક કાર્ડિયાક અરેસ્ટને કારણે તેનું મૃત્યુ થયું હતું.

વડોદરામાં, ૫૫ વર્ષીય શંકર રાણા શુક્રવારની રાત્રે હરણી વિસ્તારમાં ગરબા ગ્રાઉન્ડ પર પડી જતાં તેને હૉસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યાં પહોંચતા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. નવસારી જિલ્લાના મૃણાલ શુક્લા (૩૧) અને પોરબંદર જિલ્લાના ૪૬ વર્ષીય રાજુ આલાનું અનુક્રમે શુક્રવાર અને શનિવારે આ જ કારણસર મૃત્યુ થયું હતું. રાજકોટમાં, ૪૭ વર્ષીય પરિણીત મહિલા, કંચન સક્સેના શુક્રવારે રાત્રે ગરબા રમ્યા બાદ બેચેની અનુભવી હતી અને ભાંગી પડી હતી. તેણીને હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હોવા છતાં, તેણીને પુનજીર્વિત કરી શકાઈ ન હતી.

ગરબા રમતા થયેલા આ મૃત્યુ ઉપરાંત, છેલ્લા એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં બે મહિલાઓ સહિત ૨૨ જેટલા લોકો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા છે.

૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ, તેઓને ૧૫ થી ૨૨ ઑક્ટોબર દરમિયાન કાર્ડિયાક ઇમરજન્સી સંબંધિત લગભગ ૭૫૦ કોલ્સ મળ્યા હતા. આ કોલ્સ સાંજે છ વાગ્યાથી સવારે બે વાગ્યાની વચ્ચે આવ્યા હતા, એમ તેઓએ ઉમેર્યું હતું. સેવાને નવરાત્રી દરમિયાન ૬૭૩ કોલ્સ પ્રાપ્ત થયા હતા, જે દરરોજના સરેરાશ ૮૪ કોલ્સ ગણાય.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત