રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં સાત લાખથી વધુની જનમેદની ઊમટી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી ભરાઈ હતી, જેનાં દર્શનનો લહાવો લેવા સાત લાખથી વધુ લોકો માના દર્શને ઊમટ્યા હતા. મધરાત્રે નીકળેલી પલ્લીમાં ગામમાં જાણે ઘીની નદીઓ વહેતી થઈ હોય તેવો મહોલ જોવા મળ્યો હતો. લોકોએ પલ્લીના રથના દર્શન કરી માનો જય ધોષ બોલાવ્યો હતો. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયિની માતાજીની પલ્લી છેલ્લા પાંચ હજાર વર્ષથી કાઢવામાં આવે છે. આ પલ્લી મહોત્સવ વિશ્ર્વભરમાં વિખ્યાત છે, જ્યાં આસ્થાનાં દર્શન થાય છે. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના ૨૭ ચોકમાંથી પસાર થઈ હતી. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું રહ્યું હતું નોમના દિવસે ગામમાં આવેલા માતાના સ્થાનકને રોશનીથી ભવ્ય સજાવવામાં આવ્યું હતું.
નવરાત્રીના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથે માતાના જવેરા વાવવામાં આવ્યા હતા એ બાદ નોમના દિવસે રાત્રે પલ્લી નીકળી હતી. ઉનાવાના ઠાકોર સમાજના લોકો જ આ પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચોકમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટી પડ્યો હતો.