બેદી દેશપ્રેમી ક્રિકેટર તરીકે હંમેશાં યાદ રહેશે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું સોમવારે નવમા નોરતે નિધન થયું એ સાથે જ ભારતીય ક્રિકેટનું એક યશસ્વી પ્રકરણ પૂરું થયું. ૭૭ વર્ષના બેદી લાંબા સમયથી બિમાર હતા હૉસ્પિટલમા સારવાર હેઠળ હતા તેથી તેમના નિધનના સમાચારે કોઈને આંચકો નથી આપ્યો પણ શોકનો માહોલ જરૂર છવાયો છે. નવી પેઢી માટે બિશન સિંહ બેદી બિલકુલ અજાણ્યું નામ છે કેમ કે આજની પેઢી જન્મી તેના બહુ પહેલાં બેદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા હતા પણ નિવૃત્તિ પહેલાં બેદી ભારતીય ક્રિકેટ પર પોતાની અમીટ છાપ છોડતા ગયા એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
બિશન સિંહ બેદીએ ૩૧ ડિસેમ્બર ૧૯૬૬ના રોજ કોલકાતાના ઐતિહાસિક સ્ટેડિયમ ઈડન ગાર્ડસમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમીને પોતાની ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. ઑગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૭૯માં ઇંગ્લેન્ડના ધ ઓવલ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ સામે છેલ્લી ટેસ્ટ રમી હતી. આમ બેદીની કરિયર ૧૩ વર્ષના સમયગાળામાં વિસ્તરેલી છે. કોઈ પણ ક્રિકેટર સળંગ ૧૩ વર્ષ સુધી પોતાના દેશ માટે રમે ત્યારે તેનામાં કોઈ વિશેષતા હોય જ ને તેને મહાન ક્રિકેટર પણ માનવો પડે. બેદી પણ મહાન ક્રિકેટકર હતા તેમાં શંકા નથી.
બેદીના જમાનામાં ટેસ્ટ મેચો રમાતી અને વન જે મેચો બહુ નહોતી રમાતી પણ બેદી વન-ડે મેચો પણ રમ્યા હતા. બેદી પોતાની પ્રથમ વન-ડે મેચ ઈંગ્લેન્ડ સામે ૧૩ જુલાઈ ૧૯૭૪માં લોર્ડ્સમાં રમ્યા હતા જ્યારે છેલ્લી વનડે ૧૬ જૂન ૧૯૭૯ના રોજ શ્રીલંકા સામે માન્ચેસ્ટરમાં રમ્યા હતા. વન-ડે મેચોમાં બેદીનો દેખાવ એવો જોરદાર નથી કેમ કે બેદીએ ૧૦ વન-ડે મેચોમાં માત્ર સાત વિકેટ લીધી હતી પણ ટેસ્ટ મેચોમાં તેમનો દેખાવ જબરદસ્ત છે.
બેદીએ ૧૯૬૭ અને ૧૯૭૯ના સમયગાળામાં ભારત માટે ૬૭ ટેસ્ટ રમીને ૨૬૬ વિકેટ લીધી હતી. ટેસ્ટ મેચદીઠ ચાર વિકેચની એવરેજ કોઈ પણ બોલર માટે સારી કહેવાય એ જોતાં બેદીને સારા સ્પિનર ગણવા પડે. બેદીની વિકેટદીઠ એવરેઝ ૨૮ રનની આસપાસ છે કે જે બહુ સારી કહેવાય. બેદીની સ્ટ્રાઈક રેટ પણ ૮૦ની આસપાસ છે ને એ પણ સારો છે. સ્ટ્રાઈક રેટ એટલે કેટલા બોલે સરેરાશ એક વિકેટ લીધી તેનો દર. દુનિયાના મહાનતમ મનાતા બોલકોનો સ્ટ્રાઈક રેટ ૫૦ની આસપાસ છે એ જોતાં બેદીનો સ્ટ્રાઈક રેટ જોરદાર જ કહેવાય. અમૃતસરમાં જન્મેલા બેદી ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી વતી રમતા હતા કેમ કે દિલ્હીમાં સ્થાયી થયેલા. ડોમેસ્ટિક ક્રિકેટમાં બેદીએ ૩૭૦ મેચમાં ૧,૫૬૦ વિકેટ લીધી હતી ને આ રેકોર્ડ પણ સારો જ છે.
જો કે આંકડા બેદીના ભારતીય ક્રિકેટમાં યોગદાનને રીફ્લેક્ટ નહી કરી શકે. બેદીનું સૌથી મોટું યોગદાન એ છે કે, તેમણે ભારતીય ક્રિકેટ ટીમને વિદેશની ધરતી પર જીતતી કરવામાં મોટું યોગદાન આપ્યું. બેદીનું આગમન થયું ત્યારે ભારતીય ક્રિકેટ ટીમની વિશ્ર્વ ક્રિકેટમાં કોઈ વિસાત નહોતી. ભારતીય ક્રિકેટ ટીમને કોઈ ગણતરીમાં જ લેતું નહોતું ને વિદેશની ધરતી પર રમવા જઈએ ત્યારે આપણે ખરાબ રીતે હારી જઈએ એ નક્કી જ ગણાતું.
બિશન સિંહ બેદી, એરોપલ્લી પ્રસન્ના, ભગવત ચંદ્રશેકર અને વેંકટરાઘવન એ સ્પિન ચોકડીના આગમન સાથે આ સ્થિતિ બદલાઈ. આ સ્પિન ચોકડીમાં બિશનસિંહ બેદીનું આગમન સૌથી છેલ્લે થયું હતું પણ બેદીના આગમન પછી જ વિદેશની ધરતી પર ભારતની જીતનો સિલસિલો શરૂ થયો. ભારત ૧૯૬૭માં મંસૂર અલી ખાન પટૌડીના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડમાં જીત્યું એ વિદેશની ધરતી પર મેળવેલો. ભારતે ૩-૧થી જીત મેળવીને ઈતિહાસ રચેલો ને તેમાં બેદીનું પણ યોગદાન હતું.
ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર લગીમાં વિદેશની ધરતી પર યાદગાર કહેવાય તેવા જે સિરીઝ વિજય મેળવ્યા છે તેમાં ૧૯૭૧માં અજીત વાડેકરની ટીમે વેસ્ટ ઈન્ડિઝ ને ઈંગ્લેન્ડની ધરતી પર રગદોળીને મેળવેલા વિજય સૌથી પહેલાં આવે. એ વખતે બંને ટીમો વર્લ્ડ ક્રિકેટમાં ટોચની ટીમ હતી ને તેમને હરાવવાની આપણે કલ્પના પણ ના કરી શકીએ એવી હાલત હતી. ભગવત ચંદ્રશેખરની આગેવાનીમાં આપણી સ્પિન ચોકડીએ બંને ટીમોને ધૂળચાટતી કરીને ડંકો વગાડી દીધેલો ને બેદી તેનો ભાગ હતા.
બેદી કેપ્ટન બન્યા પછી વેસ્ટ ઈન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં ભારતે ચોથી ઈનિંગ્સમાં ૪૦૩ રન ચેઝ કરીને જીત મેળવેલી. ટેસ્ટ મેચની ચોથી ઈનિંગ્સમાં ૪૦૦ રન કરીને જીતવું આજે પણ અત્યંત મુશ્કેલ છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે સુનિલ ગાવસકર, બ્રિજેશ પટેલ, વિશ્ર્વનાથના જોરે એ પરાક્રમ કરી બતાવેલું. એ ભારતીય ટીમના કેપ્ટન તરીકે બેદી હતા.
બેદીએ પોતાના ક્રિકેટ જીવનમાં વિવાદો પણ બહુ સર્જ્યા પણ તેમાંથી મોટા ભાગના વિવાદો ભારતની તરફેણમાં હતા તેથી તેમને વિવાદ ના ગણી શકાય. બેદીની ગણના આખાબોલા અને મર્દ ક્રિકેટર તરીકે થતી તેથી વિવાદો સર્જાયા પણ આ વિવાદો દેશના ગૌરવને સાચવનારા હતા.
બેદીના નામે સૌથી મોટો વિવાદ ૧૯૭૮માં પાકિસ્તાન સામે સાહીવાલમાં વન-ડે મેચ વખતે બોલે છે. બેદી ત્યારે ભારતના કેપ્ટન હતા. આ વન ડે મેચ ભારતની તરફેણમાં હતી. ભારતની બે વિકેટ જ પડી હતી અને ભારતને જીતવા બહુ રન નહોતા જોઈતા. પાકિસ્તાને નાગાઈ કરીને બાઉન્સર નાંખવા શરૂ કર્યા. એ વખતે ન્યુટ્રલ અમ્પાયર નહોતા ને પાકિસ્તાનના અમ્પાયર જ રહેતા. તેમણે રીતસર અંચાઈ કરીને વાઈડ બોલ ના આપ્યા.
બેદીએ તેની સામે વાંધો લેતાં મેચ રોકવી પડેલી. મેચ શરૂ થઈ પણ પાકિસ્તાનના વલણમાં કોઈ ફેરફાર ના થયો. સરફરાઝ નવાઝે સળંગ ચાર બાઉન્સર નાંખ્યા પણ અંપાયરે એક પણ વાઈડ બોલ ન આપતાં બેદીએ ભારતીય બેટ્સમેનને પાછા બોલાવી લીધા. ભારતને ૧૪ બોલમાં ૨૩ રન જોઈતા હતા પણ પાકિસ્તાનની અંચઈના કારણે જીતવું શક્ય નહોતું લાગતું. બેદીએ પાકિસ્તાનને સામેથી જીત આપી પણ આ જીતે પાકિસ્તાનને હરાવી દીધું. પાકિસ્તાનમાં ખેલદિલી નથી એ વાત આ ઘટનાએ સાબિત કરી દીધી. બેદીના નામે જોન લીવરનો વેસેલિન કાંડ પણ બોલે છે.
બેદી ભારતીય ટીમના પહેલા કોચ હતા. ૧૯૮૯માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનપદે મોહમ્મદ અઝહરુદ્દીનની વરણી થઈ ત્યારે કોચ તરીકે બિશનસિંહ બેદી હતા. ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા ને ન્યુઝિલેન્ડમાં હારી પછી બેદીએ આ ટીમને પેસિફિક મહાસાગરમાં ફેકી દેવી જોઈએ એવો બળાપો કાઢેલો.
ખેર, આ ઘટનાઓ બેદીનો દેશપ્રેમ વ્યક્ત કરનારી છે ને આવા દેશપ્રેમી ક્રિકેટરને હંમેશાં યાદ રાખવા જોઈએ.