
નવી દિલ્હી-ઈસ્લામાબાદઃ પહલગામ હુમલા પછી ભારતે આજે મધરાતે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે. પાકિસ્તાનમાં નવ લોકેશન પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. ભારતે આતંકવાદી ઠેકાનાને નિશાન બનાવ્યા છે.
ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ પોતાની લડાઈ હાથ ધરીને ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે. આ ઓપરેશનમાં ભારતીય હવાઈ સેના (એર ફોર્સ) અને ભારતીય આર્મીએ પીઓકે સ્થિત નવ આતંકવાદી ઠેકાણા પર ટાર્ગેટેટ સ્ટ્રાઈક કરી છે. આ કાર્યવાહી રાતના દોઢ વાગ્યાની આસપાસ કરી હતી. આ હુમલો બહાવલપુર, કોટલી, મુઝફ્ફરાબાદમાં કરી છે.
મળતી માહિતી અનુસાર ભારતીય હવાઈ દળે સાવધાનીપૂર્વક હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર અન્વયે બહુ યોજનાપૂર્વક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેથી આતંકવાદીઓને જવાબ આપી શકાય. મીડિયાના અહેવાલ અનુસાર પાકિસ્તાન સ્થિત સૈન્ય સુવિધા પર કોઈ સ્ટ્રાઈક કરી નથી. ઓપરેશન સિંદુરમાં ફક્ત આતંકવાદીઓની ગતિવિધિઓનું સંચાલન કરતી સાઈટને જ ટાર્ગેટ બનાવી છે. ઈન્ડિયન આર્મી અને હવાઈ દળ તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઈક્સ મારફત નવ લોકેશન પર હુમલો કરવામાં આવ્યો છે.
પહલગામ હુમલામાં 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. એના પછી ભારત સરકારે પાકિસ્તાનની સામે જાહેરમાં એક પછી એક આક્રમક પગલાઓ ભર્યા હતા. મધરાતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યા બાદ ભારતે હવાઈ સેનાના તમામ એરબેઝને એક્ટિવ કરી દીધા છે, જેથી પાકિસ્તાન તરફથી વળતા જવાબને પહોંચી શકાય. આ હુમલા પછી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારત માતા કી જય ટવિટ કર્યું હતું અને ભારતીય સંરક્ષણ ખાતાના એક ઉચ્ચ અધિકારીએ પણ ન્યાય થયો, ભારત માતા કી જય એમ ટવિટ લખી હતી.