નેશનલ

ગૃહ પ્રધાન અમિત શાહ ફરી આવશે ગૃહ રાજ્યની મુલાકાતે, જાણો શું હશે યોજના?

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવવાના છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આગામી 15, 16 અને 17 મેના રોજ ફરી તેમના વતનની મુલાકાતે આવશે. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન, તેઓ તેમના સંસદીય મતવિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. તે ઉપરાંત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતા છે.

મળતી વિગતો અનુસાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમના આ ગુજરાત પ્રવાસ દરમિયાન સ્થાનિક નેતાઓ અને નાગરિકો સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાતોમાં તેઓ સ્થાનિક સમસ્યાઓ અને વિકાસ યોજનાઓ અંગે ચર્ચા કરશે. અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રદેશ પ્રમુખ મુદ્દે ચર્ચા થશે?
ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ સંગઠનમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને કોકડું ગુંચવાયેલું પડ્યું છે. ગુજરાત ભાજપના હાલના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને મોદી સરકાર 3.0માં કેન્દ્રીય પ્રધાનનું પદ આપવાંઆ આવ્યા બાદ તેમના સ્થાને નવા પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે અમિત શાહના પ્રવાસ દરમિયાન આ અંગે બેઠક થાય તેવી રાજકીય ચર્ચા પણ જાગી છે.

આ પણ વાંચો ચાર-ચાર યુદ્ધમાં ‘લપડાક’ ખાધા પછી પણ ‘હમ હૈ પાકિસ્તાની’, નહીં સુધરેંગે!

મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા
આ સાથે મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન ચર્ચા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મુખ્ય પ્રધાન સહિત કેબિનેટમાં કુલ 9 પ્રધાનો છે. જ્યારે રાજ્યકક્ષાના 8 પ્રધાનો સહિત મંત્રીમંડળનું કદ 17નુ છે. ચર્ચા છે કે આગામી વિસ્તરણમાં મંત્રીમંડળનાં કદને પણ વધારવામાં આવી શકે છે. કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરેલા નેતાઓને પાર્ટીએ આપેલા વાયદા પૂર્ણ કરવા માટે તેઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button