કચ્છમાં ભરઉનાળે મેઘાવી માહોલઃ ચોમેર વરસાદથી જનજીવન પર અસર

ભુજ: સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં વૈશાખમાં અષાઢી માહોલ યથાવત રહેવા પામ્યો હોય તેમ આજે સવારથી જ ગોરંભાયેલા આકાશ વચ્ચે છૂટો છવાયો કમોસમી વરસાદ જારી રહ્યો છે.
મુખ્ય મથક ભુજમાં ડરામણી મેઘગર્જનાઓ વચ્ચે અંદાજે પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો, જયારે શહેરની આસપાસના વિસ્તારોમાં પણ સમયાંતરે ઝાપટાં વરસ્યાં હતાં.આ ઉપરાંત આદિપુર,અંજાર,ગાંધીધામમાં પણ ઝાપટાં રૂપી એકાદ ઇંચ માવઠું થતાં વાતાવરણમાં અષાઢી મહેક પ્રસરી છે.
આપણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદે 14 લોકોનો લીધો ભોગ, આ રહ્યું લિસ્ટ
મુંદરામાં બજારોમાં પાણી ભરાયું
મુંદરામાં દિવસ દરમ્યાન પડી રહેલાં ભારે ઝાપટાંથી શહેરની બજારોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પશ્ચિમ કચ્છના નાગવીરી,ઘડાણી, વિગોડી, રામપર સરવા, ખિરસરા, રતડિયા, હરીપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરતપણે ધીમી ધારે વરસાદ વરસવો ચાલુ રહેતાં ખેડૂતોને કેરીમાં નુકશાની થવાનો ડર સતાવી રહ્યો છે.
અબડાસા તાલુકામાં વાવાઝોડાની સંગાથે ભારે વરસાદી ઝાપટાં
અબડાસા તાલુકામાં પણ ગોરંભાયેલા માહોલ વચ્ચે મોટાભાગના મથકોમાં વહેલી સવારથી મિની વાવાઝોડાની સંગાથે ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતા.
બિટ્ટા,બાલાપર,બુડધ્રો,વમોટી નાની, વમોટી મોટી, ભારાપર,પાટ, ખાનાય, ધુફી મોટી અને નાની સહિતના ગામોમાં સરેરાશ અડધાથી પોણો ઇંચ પાણી પડી ગયું હતું. રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં જમ્મુ-કાશ્મીરની યાદ અપાવતો બરફના નાના-નાના ગોળાનો વરસાદ વરસતાં ગ્રામીણો ખુશખુશાલ થઇ ગયા હતા.
આપણ વાંચો: વૈશાખમાં રાજ્યનાં 53 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ; અમદાવાદમાં પણ મોડી રાતે શરૂઆત
શનિવાર સુધી કમોસમી વરસાદની સંભાવના
દરમ્યાન, રાજસ્થાનના અગ્નિ ખૂણેથી પરથી પસાર થઇ રહેલા હવાના હળવા દબાણને કારણે અરબ સાગરમાં કરંટ જોવા મળી રહ્યો છે એ વચ્ચે મધદરિયે સમુદ્રની સપાટીથી આકાશ સુધી મોટાં વંટોળો જોવા મળતાં આસપાસના જહાજોમાં રહેલા ખલાસીઓ અને માછીમારો રોમાંચિત થઇ ઉઠ્યા હતા.
આગામી શનિવાર સુધી રાજ્યમાં મેઘાવી માહોલ યથાવત રહેવાની તેમજ કેટલાક સ્થળોએ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવતાં સ્થાનિક વહીવટી તંત્ર સાબદું બન્યું છે.