મેટ ગાલામાં દેખાઈ શાહરૂખની બાદશાહત તો પ્રિન્સેસ બનીને પહોંચી ઈશા અંબાણી, આ સેલેબ્સે પણ જિત્યુ દિલ

મેટ ગાલા-2025 (Met Gala-2025)નો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેને લોકો ફેશનનો ઓસ્કર તરીકે પણ ઓળખે છે. ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિમ ઓફ આર્ટમાં દર વર્ષે મે મહિનામાં પહેલાં મંડે એટલે કે સોમવારે ફેશનની દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશ-દુનિયાની તમામ મોટી હસ્તીઓ હાજરી આપે છે અને સ્ટાઈલિશ લૂકને ફલોન્ટ કરે છે. ભારતીય સમય અનુસાર આ ઈવેન્ટ છઠ્ઠી મે, સવારે 3.30 કલાકે શરૂ થઈ હતા. આ વખતના મેટ ગાલા પર ભારતીયોની ખાસ નજર હતી, જેનું સૌથી મોટું કારણ હતું બોલીવૂડના રોમેન્સ કિંગ શાહરુખ ખાન.

આ વર્ષે મેટ ગાલા ભારકીય ફિલ્મ અને ફેશન માટે ખાસ છે. આ વખતે બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનથી લઈને દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા, સિંગર એક્ટર દિલજિત દોસાંજ, ઈશા અંબાણી, કિયારા અડવાણી સહભાગી થયા છે. ચાલો જોઈએ બોલીવૂડના આ સ્ટારના એક લૂક-
શાહરુખ ખાન
શાહરુખ ખાનના મેટ ગાલા લૂકને લઈને ચાહકોમાં ઉત્સુક્તા હતી. જેવો શાહરૂખ બ્લ્યુ કાર્પેટ પર ઉતર્યો, પોતાના સુપર ફાઈન ટેલરિંગ બ્લેક સ્ટાઈલ થીમ અનુસાર સબ્યસાચીના બ્લેક સૂટમાં સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. કિંગ ખાને પોતાના ઓલ બ્લેક લૂકને સોના અને હીરાની જ્વેલરીથી આકર્ષક બનાવીને કિંગના અંદાજમાં એન્ટ્રી લીધી હતી. શાહરુખે સ્ટાઈલિશ કાળો સૂટ, એસઆરકે અને કે ઈનિશિયલવાળા લેયર્ડ નેકલેસ, અંગૂઠી, ઘડિયાળ અને સોનેરી ડિટેઈલિંગવાળી લાકડી સાથે ઈવેન્ટમાં એન્ટ્રી લીધી હતી. આ સાથે તેણે બ્લેક સનગ્લાસીસ પણ પહેર્યા હતા જે તેના લૂકને વધુ ઓપ આપી રહ્યા હતા.
પ્રિયંકા ચોપ્રાઃ
પ્રિયંકા ચોપ્રાએ પણ પોતાના મેટ ગાલા લૂકથી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. પીસીએ પતિ નિક જોનાસ સાથે ઈવેન્ટમાં એન્ટ્રી લીધી હતી અને આ ઈવેન્ટમાં પાંચમી વખત પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. આ ઈવેન્ટ માટે પીસીએ બાલમેનના ઓલવિયર રૂસ્ટિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલો પોલ્ટા ડોટ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો, જેની સાથે તેણે ગળામાં મોટું પેન્ડન્ટ પહેર્યું હતું, જે એના લૂકને વધુ આકર્ષક બનાવી રહ્યો હતો.
કિયારા અડવાણીઃ
કિયારા અડવાણી હાલમાં પ્રેગ્નન્ટ છે અને તે બેબી બંપ ફ્લોન્ટ કરતી રેમ્પ પર ઉતરી હતી. કિયારાએ આ સમયે ભારતીય ડિઝાઈનર ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો આઉટફિટ પહેર્યો હતો, જેમાં તેણે ખૂબ જ ગ્રેસફૂલી બેબી બંપ ફ્લોન્ટ કર્યો હતો. આ સાથે તે ચોથી એક્ટ્રેસ બની હતી જેણે ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં બ્લ્યુ કાર્પેટ પર પોતાની હાજરી નોંધાવી હતી. બ્રેવહાર્ટ લૂકમાં કિયારાએ બેબી બંપ ફ્લોન્ટ કર્યું હતું.
ઈશા અંબાણીઃ
મેટ ગાલામાં ઈશા અંબાણીએ પાંચમી વખત હાજરી પૂરાવી હતી. તેમણે ડિઝાઈનર અનામિકા ખન્ના દ્વારા તૈયાર કરવામાં આવેલો બ્લેક, બ્લાઈટ અને ગોલ્ડન ડ્રેસમાં સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું. અનામિકા ખન્નાએ ઈન્ટરનેશનલ કારિગરીથી પ્રેરણા લઈને 20,000 કલાકની મહેનત બાદ ઈશા અંબાણી માટે ડ્રેસ ડિઝાઈન કર્યો હતો, જેમાં તે રાજકુમારી જેવી લાગી રહી હતી. ઈશાએ મોટા મોટા હીરાના ઘરેણાંથી પોતાનો લૂક પૂરો કર્યો હતો.
નતાશા પુનાવાલાઃ
નતાશા પુનાવાલાએ પણ પોતાના લૂકથી લોકોને ઈમ્પ્રેસ કર્યો હતો અને તેણે સાબિત કર્યું હતું કે તે જોખમ લેવાથી નથી ડરતી. તેણે આ સમયે મનિષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો પારસી પરંપરાથી પ્રેરિત ગાઉન પહેર્યો હતો, જેના પર દુર્લભ ગારા વર્ક જોવા મળ્યું હતું.
દિલજિત દોસાંજઃ
સિંગર એક્ટર દિલજિત દોસાંજ આ ઈવેન્ટમાં મહારાજા બનીને છવાયો હતો. પંજાબી સંસ્કૃતિને દિલજિતે શાનથી ફ્લોન્ટ કરી હતી. જાણીતા ડિઝાઈનર પ્રબલ ગુરુંગ દ્વારા બનાવવામાં આવેલા મહારાજા લૂકમાં સિંગર હેન્ડસમ લાગી રહ્યો હતો. ઓફવ્હાઈટ અચકન, પાયજામ અને પાગડી સાથે એક્ટરના આઉટફિટ પર પંજાબનો નક્શો, ખાસ પ્રતિક અને ગુરુમુખીમાં લખેલા શબ્દો હતા. સ્ટાઇલિસ્ટ અભિલાષા દેવનાનીએ અનેક નેકલેસ, પાગડીના આભુષણ અને તલવાર સાથે તેના લૂકને પૂરો કર્યો હતો.
આ પણ વાંચો અચાનક કેમ હરિદ્વાર ઋષિકેષ પહોંચ્યો અંબાણી પરિવાર?
મેટ ગાલામાં ભારતીય હસ્તીઓની વધતી ભાગીદારી ભારતની વૈશ્વિક સૌમ્ય શક્તિને પ્રદર્શિત કરે છે. પીસીએ 2017માં તેની શરૂઆત કરી હતી અને ત્યારથી લઈને સબ્દસાચી, પ્રબલ ગુરુંગ, રાહુલ મિશ્રા અને ગૌરવ ગુપ્તા જેવા ભારતીય ડિઝાઈનરોએ વૈશ્વિક મંચ પર પોતાની છાપ છોડી છે.