આઇપીએલ પ્લે-ઑફઃ ત્રણ ટીમની બાદબાકી બાદ હવે કઈ બે ટીમ પર મુશ્કેલીના વાદળો ઘેરાયા છે?

મુંબઈઃ આઇપીએલની 18મી સીઝનમાં ત્રણ એવી ટીમ છે જે અગાઉ ટાઇટલ જીતી ચૂકી છે, પરંતુ આ વખતે પ્લે-ઑફ (PLAY-OFF) રાઉન્ડ માટેની રેસની વહેલી બહાર થઈ ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ પાંચ ટાઇટલ જીત્યા છે, પણ આ વખતે આઉટ થનારી પ્રથમ ટીમ બની હતી.
રાજસ્થાન રૉયલ્સ (આરઆર) 2008નું પ્રથમ ટાઇટલ જીતી હતી, પણ આ વખતે એ પણ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પણ એક ટાઇટલ (2016માં) જીતેલું છે, પણ સોમવારે દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચ વરસાદને લીધે અનિર્ણિત રહેતા એ ટીમ પ્લે-ઑફ રાઉન્ડની દોડની બહાર થનારી ત્રીજી ટીમ બની હતી.
ભલે ત્રણ ટીમ આઉટ થઈ ગઈ છે, પણ ટેક્નિકલી હજી સુધી એકેય ટીમે પ્લે-ઑફમાં સત્તાવાર રીતે સ્થાન પાકું નથી કર્યું. આમાંની કેટલીક ટીમો પ્લે-ઑફની નજીક છે, પણ હજી એણે થોડા દિવસ રાહ જોવી પડશે.
આપણ વાંચો: રબાડાએ આઇપીએલમાંથી અચાનક જતા રહેવા વિશે ચોંકાવનારું કારણ આપ્યું!
બે ટીમ એવી છે જે પ્લે-ઑફ સુધી ન પણ પહોંચે. એમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)નો સમાવેશ છે.
સાતમા નંબરની લખનઊની ટીમ અગિયારમાંથી પાંચ મૅચ જીતી છે. એની પાસે 10 પૉઇન્ટ છે, પણ સફળતાથી આગળ વધવું એના માટે ખૂબ કઠિન છે. રિષભ પંતના સુકાનમાં આ ટીમ બાકીની ત્રણેય મૅચ જીતશે તો એના 16 પૉઇન્ટ થશે અને તો પણ પ્લે-ઑફમાં પહોંચવું એના માટે મુશ્કેલ બનશે.
કોલકાતાની પણ લખનઊ જેવી જ હાલત છે. 11માંથી પાંચ મૅચ જીતીને 11 પૉઇન્ટ ધરાવતી આ ટીમ છઠ્ઠા સ્થાને છે અને બાકીની ત્રણેય મૅચ જીતશે તે એના 17 પૉઇન્ટ થશે જે પ્લે-ઑફ માટે પૂરતા બની શકે. જોકે અજિંક્ય રહાણેની આ ટીમ લાગલગાટ ત્રણ મૅચ જીતશે એ ખાતરીથી કહી ન શકાય.
આપણ વાંચો: આઇપીએલ પછી બીજા જ દિવસથી વાનખેડેમાં સૂર્યા, શ્રેયસ, રહાણે, શિવમ, શાર્દુલ ધમાલ મચાવશે
ટૉપ-ફાઇવની ટીમોમાં જોરદાર હરીફાઈ
વર્તમાન આઇપીએલના ટોચના પાંચ સ્થાને જે ટીમો છે એમને પ્લે-ઑફમાં પહોંચવાનો સૌથી વધુ મોકો છેઃ
(1) બેંગલૂરુઃ 11માંથી આઠ મૅચમાં જીત, 16 પૉઇન્ટ, +0.482નો રનરેટ
(2) પંજાબઃ 11માંથી સાત મૅચમાં જીત, 15 પૉઇન્ટ, +0.376નો રનરેટ
(3) મુંબઈઃ 11માંથી સાત મૅચમાં જીત, 14 પૉઇન્ટ, +1.274નો રનરેટ
(4) ગુજરાતઃ 10માંથી સાત મૅચમાં જીત, 14 પૉઇન્ટ, +0.867નો રનરેટ
(5) દિલ્હીઃ 11માંથી છ મૅચમાં જીત, 13 પૉઇન્ટ, +0.362નો રનરેટ