મુંબઈ આજે જીતે એટલે `સત્તે પે સત્તા’, જાણો કેવી રીતે…

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) વરસાદ અને પવનની થોડી સંભાવના વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મહત્ત્વની અને રસાકસીભરી મૅચ રમાશે. મહત્ત્વની એ માટે છે કે મુંબઈ આ મુકાબલો જીતશે આ સીઝનમાં એની આ સતત સાતમી જીત કહેવાશે અને એ સાથે તે બેંગલૂરુ (2011) અને ચેન્નઈ (2013)ની બરાબરી કરી લેશે અને સતત સાત વિજયનો વિક્રમ મુંબઈના નામે પણ લખાશે. આજની મૅચ રસાકસીભરી હોવાનું કારણ એ છે કે બન્ને ટીમ 14-14 પૉઇન્ટ પર છે અને આજે જીતનારી ટીમ મોખરે થઈ જશે.
હાર્દિક પંડ્યાના સુકાનમાં મુંબઈ 14 પૉઇન્ટ અને +1.274ના રનરેટ સાથે ત્રીજા સ્થાને અને શુભમન ગિલની કૅપ્ટન્સીમાં ગુજરાત 14 પૉઇન્ટ તથા +0.867ના રનરેટ સાથે ચોથા ક્રમે છે. આજે જે ટીમ જીતશે એ 16 પૉઇન્ટ અને ચડિયાતા રનરેટ સાથે અવ્વલ થઈ જશે. જો વરસાદને લીધે (સોમવારની દિલ્હી-હૈદરાબાદ મૅચની જેમ) આજની મૅચ પણ અનિર્ણિત રહેશે તો મુંબઈ અને ગુજરાત અનુક્રમે બીજા-ત્રીજા નંબર પર આવી જશે.
ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર કૅગિસો રબાડા ડ્રગ્સ સંબંધિત સસ્પેન્શનનો એક મહિનો પૂરો કરીને પાછો આવી ગયો છે. ગુજરાતની ટીમનું સૌથી મજબુત પાસું એ છે કે બૅટિંગમાં એનો ટૉપ-ઑર્ડર (સાઇ સુદર્શન, શુભમન ગિલ, જૉસ બટલર) ફુલ ફૉર્મમાં છે.
કૉએટ્ઝી મુંબઈ પછી હવે ગુજરાતમાંઃ
સાઉથ આફ્રિકાનો 24 વર્ષીય ફાસ્ટ બોલર જેરાલ્ડ કૉએટઝી અગાઉ મુંબઈ ઇન્ડિયન્સમાં હતો, પણ હવે તે ગુજરાત ટાઇટન્સમાં છે અને આજે મુંબઈ સામે રમશે. આ વખતે તેને હજી એક જ મૅચ રમવા મળી છે. ગુજરાતની બોલિંગ-તાકાત એકંદરે ઘણી સારી છે. મોહમ્મદ સિરાજ, ઇશાંત શર્મા અને રાશીદ ખાન જેવા અનુભવીઓ ઉપરાંત વૉશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને સાઇ કિશોર જેવા યુવા બોલર પણ મુંબઈના બૅટ્સમેનને અંકુશમાં રાખી શકે.
હાર્દિક પોતાની ભૂતપૂર્વ ટીમની વિરુદ્ધ રમશેઃ
મુંબઈ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની મદદથી છેલ્લી છએ છ મૅચ જીતી છે. એ જોતાં આજે ગુજરાતની ટીમે મુંબઈને એના જ મેદાન પર હરાવવા ઘણો સંઘર્ષ કરવો પડશે.
હાર્દિક પંડ્યા આજે પોતાની ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ સામે વાનખેડેમાં રમશે એટલે વાતાવરણ સાવ અલગ જ જોવા મળી શકે.
મુંબઈની છેલ્લી છ જીત પર એક નજરઃ
(1) 13મી એપ્રિલે દિલ્હીમાં દિલ્હી સામે 12 રનથી વિજય (2) 17મી એપ્રિલે વાનખેડેમાં હૈદરાબાદ સામે ચાર વિકેટે વિજય (3) 20મી એપ્રિલે વાનખેડેમાં ચેન્નઈ સામે નવ વિકેટે વિજય (4) 23મી એપ્રિલે હૈદરાબાદમાં હૈદરાબાદ સામે સાત વિકેટે વિજય (5) 27મી એપ્રિલે વાનખેડેમાં લખનઊ સામે 54 રનથી વિજય (6) પહેલી મેએ જયપુરમાં રાજસ્થાન સામે 100 રનથી વિજય.
હેડ-ટુ-હેડમાં ગુજરાત આગળઃ
બન્ને ટીમ વચ્ચેના હેડ-ટુ-હેડ મુકાબલામાં ગુજરાતનો હાથ ઉપર છે. કુલ છ મૅચમાંથી ચાર ગુજરાતે અને બે મુંબઈએ જીતી છે. છેલ્લી ત્રણ મૅચમાંથી ત્રણેત્રણ ગુજરાતે જીતી છે.
વાનખેડેની પિચ શું કહે છે?
આજે સાંજે પવન સાથે વરસાદ પડવાની થોડી સંભાવના છે, પરંતુ મૅચમાં કોઈ મોટું વિઘ્ન આવવાની શક્યતા નથી. આ મેદાન (WANKHEDE)ની પિચ બેંગલૂરુ અને ચેન્નઈ સામેની મૅચમાં હતી એવી જ રહેશે એટલે વધુ એક વખત આ મેદાન પર રનનો ઢગલો જોવા મળી શકે. સોમવાર સાંજે પ્રૅક્ટિસ સેશન બાદ પિચ ઢાંકવામાં આવી હતી. જોકે આજના ધમધોખતા તડકામાં આ પિચ વધુ સૂકાઈ ગઈ છે.
આ પણ વાંચો રાહુલ વૈદ્યએ વિરાટ કોહલીને કહ્યા જોકર, ખૂબ થઈ તૂ તૂ મૈં મૈં…
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવનઃ
મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, વિલ જૅક્સ, તિલક વર્મા, નમન ધીર, કૉર્બિન બૉશ્ચ/મિચલ સૅન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બૉલ્ટ, જસપ્રીત બુમરાહ. 12મો પ્લેયરઃ કર્ણ શર્મા.
ગુજરાતઃ શુભમન ગિલ (કૅપ્ટન), સાઇ સુદર્શન, જૉસ બટલર (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, એમ. શાહરુખ ખાન, રાહુલ તેવાટિયા, રાશીદ ખાન, જેરાલ્ડ કૉએટઝી, સાઇ કિશોર, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ. 12મો પ્લેયરઃ ઇશાંત શર્મા/કૅગિસો રબાડા