આપણું ગુજરાત

ગામતળની બહાર વસતાં પરિવારો માટે રાજ્ય સરકારે લીધા 3 મહત્ત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતવાર

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ગામતળની બહાર વસવાટ કરતા નાગરિકોના હિતમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. આવા પરિવારો ગામતળની બહાર પણ ૨૪ કલાક પૂરતી વીજળી મેળવી શકે તે માટે ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણો આપવાની સર્વગ્રાહી નીતિના નિયમોમાં કેટલાક મહત્વના સુધારા કરવામાં આવ્યા હતા.

ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ આ નિર્ણયો અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર ગામતળની બહારના કોઈપણ વિસ્તારમાં આવેલા રહેણાક હેતુના મકાનમાં નવીન સિંગલ ફેજ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી ફકત ૦૩ કિલોવોટ (KW)ના વીજ ભારની મર્યાદામાં રહીને વીજ જોડાણ આપવામાં આવે છે. આ માટે થતા કુલ વાસ્તવિક ખર્ચ અથવા રૂ. 0૧ લાખ, બંનેમાંથી જે ઓછી હોય તે રકમ ભરપાઈ કરવાની રહે છે.

રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નવા નિર્ણય બાદ હવેથી ગામતળની બહાર વસવાટ કરતા પરિવારોને ૦૬ કિલોવોટ (KW) સુધીનું સિંગલ ફેજ વીજ જોડાણ મળી શકશે. આ વીજ જોડાણ માટે તેમણે વીજભાર આધારિત એટલે કે, KW આધારિત ફિક્સ ચાર્જ જ ભરપાઈ કરવાનો રહેશે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે ગામતળની બહાર તેમજ વાડી વિસ્તારમાં ઘર બનાવીને રહેતા ખેડૂતોને માત્ર ફિક્સ ચાર્જ ભરપાઈ કરીને નવીન વીજ જોડાણ મળી શકશે.

ઊર્જા મંત્રીશ્રીએ આ સંદર્ભે કહ્યું હતું કે, ગામતળની બહાર આવેલા છૂટા-છવાયા મકાનોમાં વીજ જોડાણ આપવા માટે સૌપ્રથમ ખેતી વિષયક હેતુ સિવાયની રહેણાંક હેતુ માટે ઉપયોગ થતો હોય તેવી જમીન અને ખેતીવાડી વીજ જોડાણ ન ધરાવતી જમીનમાં સ્થળની ટેક્નીકલ ચકાસણી કરવામાં આવશે. જેમાં ગામતળથી અંતર, હયાત ખેતીવાડી જોડાણ, વીજ લાઇન ક્રોસિંગ, સલામતી, વીજ ચોરી જેવા વિવિધ માપદંડોને ધ્યાને રાખીને લાગુ પડતી સર્કલ ઓફિસના અધિક્ષક ઈજનેરશ્રીની મંજૂરી બાદ નોન એ.જી (Non Ag) ફીડર પરથી આવા રહેણાંક હેતુ માટેના વીજ જોડાણ કોઈપણ લોડની મર્યાદા વગર આપી શકાશે. આવા ઘર વપરાશના વીજ જોડાણ માટે બંચ કેબલનો ઉપયોગ કરવામાં આવશે.

ઊર્જા પ્રધાને બીજા નિર્ણય અંગે જણાવ્યું હતું કે, ગામતળની બહાર આવેલી આશ્રમશાળા, આદર્શ નિવાસી શાળા, આદર્શ છાત્રાલય, રાજ્ય અથવા કેન્દ્ર સરકાર હસ્તકના યુનિટ જેવા જાહેર હેતુ માટે માંગવામાં આવતા નવા વીજ જોડાણો ઉપરાંત પોલ્ટ્રી ફાર્મ, તબેલા, નોંધાયેલા ઢોરવાડા, ઝીંગા ફાર્મ, ગૌશાળા, તમાકુની ખળી, મોબાઈલ ટાવર, મિલ્ક ચિલિંગ પ્લાન્ટ, મેંગો રાઈપનિંગ જેવી વિવિધ પ્રવૃતિઓ માટે માંગવામાં આવતા નવા વીજ જોડાણો માટેનો તમામ વાસ્તવિક ખર્ચ પ્રવર્તમાન સમયમાં લેવામાં આવે છે, તેના બદલે હવેથી આવા એકમોએ માત્ર કિલોવોટ (KW) આધારિત ફિક્સ ચાર્જ જ ભરપાઈ કરવાનો રહેશે.

તદુપરાંત, ગામતળની બહાર આવેલ અનાજ દળવાની ઘંટીના વીજ જોડાણનો સમાવેશ પણ આવા એકમોમાં જ કરવામાં આવ્યો છે, જેના કારણે ગામતળની બહાર અનાજ દળવાની ઘંટીને વીજ જોડાણ મળવાથી ગામતળની બહાર વસવાટ કરતા લોકોને નજીકમાં જ અનાજ દળાવવાની સુવિધા મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ત્રીજા નિર્ણય અંગે પ્રધાને જણાવ્યું હતું કે, અગાઉ ગામતળની બહાર નોન – ટ્રાયબલ વિસ્તારમાં ૧૫ મકાનોનું જૂથ હોય તો જ જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ જોડાણ આપવામાં આવતું હતું. નવા નિર્ણયથી હવે ૧૫ ના બદલે ૧૦ મકાનોનું જૂથ હોય તો પણ જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ જોડાણ આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button