તંદુરસ્તી-મનદુરસ્તી: હઠયોગ આસન, પ્રાણાયામ ને મુદ્રાઓના પદ્ધતિસરના અભ્યાસ…

-ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
‘अमनस्कयोग’ નામના ગ્રંથમાં ગોરક્ષનાથ માત્ર શારીરિક ક્રિયાઓમાં રાચનારાઓની ઝાટકણી કાઢે છે.
આટલા વિવરણ પરથી સ્પષ્ટ થાય છે કે હઠયોગનો પ્રારંભ શરીરથી થાય છે, પરંતુ તેનો હેતુ સમાધિ છે. હઠયોગ શરીરકેન્દ્રી સાધના છે, તેમ કહેવું સાચું નથી.
(3) હઠયોગ દીર્ઘાયુષ કે આરોગ્ય માટે નથી:
એ વાત સાચી છે કે હઠયોગની ક્રિયાઓ શરીરને નિરોગી અને સુદૃઢ બનાવવામાં ઉપયોગી છે, પરંતુ અયોગ્ય કે શરીરની દૃઢતા હઠયોગની આડપેદાશ છે, હઠયોગનો હેતુ કે પ્રધાન લક્ષ્ય નથી. હઠયોગની સાધના દ્વારા હઠયોગી દૃઢ અને નિરોગી શરીર અને બળવાન પ્રાણ પ્રાપ્ત કરે છે. પરંતુ તે પ્રાપ્તિ આખરે તો આધ્યાત્મિક વિકાસનો પાયો દૃઢ કરવા માટે છે. બળવાન પ્રાણ અને નિરોગી શરીર સાધનપથ પર સહાયક સાધનો છે, તેવી સમજપૂર્વક તેમને દૃઢ અને નિરોગી બનાવવામાં આવે છે. તેમના દ્વારા આખરે તો આધ્યાત્મિક વિકાસ સિદ્ધ કરવાનો છે અને આ આધ્યાત્મિક વિકાસ જ હઠયોગનું યથાર્થ લક્ષ્ય છે.
વળી હઠયોગની સાધનાનો હેતુ દીર્ઘાયુષની પ્રાપ્તિ જ છે, એવો ખ્યાલ પણ ભ્રામક છે. હઠયોગ દ્વારા દીર્ઘાયુષની પ્રાપ્તિ સિદ્ધ થતી હોય તો પણ તે આધ્યાત્મિક વિકાસ માટે છે, તેમ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ.
(4) હઠયોગ ચમત્કારિક શક્તિઓની પ્રાપ્તિ માટે નથી :
લોકોને હેરત પમાડે તેવું અસાધારણ શારીરિક કૌવત, ચમત્કારિક શક્તિઓ, શરીર-મન પર અસાધારણ નિયંત્રણ – આમાંનું કશું હઠયોગનું લક્ષ્ય નથી. કોઈ વિશેષ શક્તિઓ હઠયોગની સાધનાની આડપેદાશરૂપે આવતી હોય તેમ ક્યારેક બનતું હશે, પરંતુ હઠયોગના સાચા સાધકની દૃષ્ટિ તે તરફ કદી હોઈ શકે નહીં.
(5) હઠયોગની ક્રિયાઓ તાંત્રિક ક્રિયાનો નથી:
હઠયોગની સાધનાને તાંત્રિક સાધનાઓ, ખાસ કરીને વામતાંત્રિક સાધનાઓ સાથે કાંઈ સંબંધ છે, તેવો ખ્યાલ ક્યાંક ક્યાંક પ્રચલિત થયેલો જોવા મળે છે. વસ્તુત: આ ખ્યાલ તદ્દન ભ્રામક છે.
બ્રહ્મચર્યપાલનને હઠયોગમાં ખૂબ મહત્ત્વ અપાય છે. ગોરક્ષનાથે પોતાના શિષ્યોને ‘લંગોટકા પક્કા’ (બ્રહ્મચારી) રહેવાનો આદેશ આપ્યો છે. વળી હઠપ્રદીપિકામાં સ્વાત્મારામ સ્પષ્ટ કહે છે :
वहिन स्त्री पथिसेवानामादौ वर्जनमाचरेत्|
ह. प्र., १.६९
‘અભ્યાસની શરૂઆતથી જ અગ્નિસેવન, સ્ત્રીસંગ અને મુસાફરીનો ત્યાગ કરવો.’ વળી તે જ સ્થળે હઠપ્રદીપિકાકાર માંસ, મત્સ્ય અને મદિરા જ નહીં, પરંતુ હિંગ અને લસણનો પણ ત્યાગ કરવાનું કહે છે. હઠયોગમાં આહાર-વિહારના નિયમોના કડક પાલનની અપેક્ષા છે. આ બધું જોતા તથા હઠયોગની યોગાસન, પ્રાણાયામ આદિ સાધનાઓનું સ્વરૂપ જોતા સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે હઠયોગને વામતંત્રની સાધના સાથે કોઈ રીતે સાંકળી શકાય તેમ નથી.
હઠયોગના એક ગ્રંથમાં અમુક મુદ્રાઓનું વર્ણન એવા પ્રકારનું છે કે જેમાંથી ઉપરોક્ત ગેરસમજ થઈ હોય તેમ લાગે છે. પરંતુ આ ગેરસમજનું મૂળ તે ક્રિયાઓનું સાચું સ્વરૂપ ન સમજવાને લીધે છે. વિવેકી સાધક સમગ્ર હઠયોગની સાધનાને સમજે તો તુરત સમજશે કે જે થોડું ઘણું વિકૃત સ્વરૂપ જોવા મળે છે, તે કાં તો તેમાં પાછળથી આવી ગયેલું છે અથવા તેના મૂળ સ્વરૂપમાં પાછળથી વિકૃતિ આવી ગઈ છે. એટલે આ ક્રિયાઓ તેના વિકૃત સ્વરૂપે સાધક માટે ત્યાજ્ય છે. હઠયોગની સાધનપ્રણાલી સાથે તેમનો આવા વિકૃત સ્વરૂપે કોઈ મેળ બેસે તેમ નથી.
- હઠયોગ એટલે શું?
હવે આપણે જોઈએ કે હઠયોગનું યથાર્થ સ્વરૂપ શું છે.
(1) હઠયોગનો અર્થ :
સિદ્ધસિદ્ધાંત પદ્ધતિમાં હઠયોગનો અર્થ સમજાવતા ગોરક્ષનાથ કહે છે :
हकार कीर्तितः सूर्यष्ठकारश्चन्द्र उध्यते |
सूर्याचन्द्रमसोर्योगात् हठयोगो निगद्यते ॥
‘હકાર સૂર્ય તરીકે ઓળખાય છે અને ઠકાર ચંદ્ર કહેવાય છે. સૂર્ય અને ચંદ્રનો યોગ કરવામાં આવે છે, તેથી આ યોગને હઠયોગ કહેવામાં આવે છે.’
નાભિ સૂર્યનું સ્થાન અને મસ્તક ચંદ્રનું સ્થાન છે. નાભિસ્થિત સૂર્ય (પ્રાણ) સુષુમ્ણા માર્ગે ઊર્ધ્વગમન કરીને મસ્તક સુધી પહોંચે તે ઘટનાને સૂર્ય (હકાર) અને ચંદ્ર (કઠાર)નું મિલન ગણવામાં આવે છે.
સૂર્ય અને ચંદ્ર શબ્દનો પ્રયોગ પિંગળા અને ઈડા નાડી માટે પણ થાય છે. આ બંને નાડીઓમાં વહેતા પ્રાણની સમ અવસ્થા થતાં પ્રાણ સુષુમ્ણા માર્ગે ઊર્ધ્વગમન કરે છે. આ ઘટનાને પણ સૂર્યચંદ્રનું મિલન ગણવામાં આવે છે.
(2) હઠયોગની વ્યાખ્યા :
હઠયોગની વ્યાખ્યા કરવાનું કાર્ય દુષ્કર છે, છતાં હઠયોગના સ્વરૂપને સમજવામાં ઉપયોગી થઈ શકે એ હેતુથી આપણે પ્રયત્ન કરીએ :
‘હઠયોગ એટલે આસન, પ્રાણાયામ અને મુદ્રાઓના પદ્ધતિસરના અભ્યાસપૂર્વક કુંડલિની જાગરણ દ્વારા સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવા માટેની સાધનપદ્ધતિ.’
(3) હઠયોગનાં લક્ષણો :
(અ) હઠયોગ એક વ્યવસ્થિત સાધનપદ્ધતિ છે.
(બ) હઠયોગનું ધ્યેય સમાધિ અવસ્થાની
પ્રાપ્તિ છે.
(ક) હઠયોગની સાધનપદ્ધતિમાં કુંડલિની જાગરણ દ્વારા સમાધિ અવસ્થામાં પહોંચાય છે.
(ડ) આસન, પ્રાણાયામ અને મુદ્રાઓનો અભ્યાસ હઠયોગની સાધનપદ્ધતિ છે.
(ઈ) શરીરથી પ્રારંભ કરીને, પ્રાણજય સાધીને, પ્રાણજય દ્વારા મનોજય કરવાની હઠયોગની પ્રક્રિયા છે.
- હઠયોગની મૂળભૂત ધારણાઓ:
હઠયોગની વ્યાખ્યામાં જણાવેલી પ્રક્રિયા સમજવા માટે હઠયોગની મૂળભૂત ધારણાઓ સમજવી આવશ્યક છે.
(1) હઠયોગ પ્રમાણે માનવશરીર ખૂબ રહસ્યપૂર્ણ ઘટના છે. આ સ્થૂળ જણાતાં શરીરમાં ચેતનાનાં અનેક સ્તરો રહેલાં છે. સ્થૂળ શરીર ચેતનાનાં આ ભિન્ન ભિન્ન સ્તરો સાથે જોડાયેલું છે. એથીયે વિશેષ તો આ વ્યષ્ટિ શરીર પ્રત્યક્ આત્માનું અધિષ્ઠાન છે. શરીર અને ચૈતન્યના આ સંબંધને સમજવામાં આવે તો શરીર ચૈતન્યના ઉદ્ઘાટન માટે ચાવીરૂપ ઉચ્ચાલન બની શકે તેમ છે. આપણી સામાન્ય દૃષ્ટિ કરતાં, શરીરને જોવાની હઠયોગીની દૃષ્ટિ તદ્દન જુદી જ છે. હઠયોગી શરીરને ચૈતન્યના ઉદ્ઘાટનનું સાધન ગણે છે.
(2) નરી આંખે દેખાતા આ અન્નમયકોશની અંદર પ્રાણમયકોશ રહેલો છે. પ્રાણમયકોશમાં પણ મનોમયકોશ છે. મનોમયકોશમાં વિજ્ઞાનમયકોશ અને વિજ્ઞાનમયકોશમાં આનંદમયકોશ છે. અને તેમાં તે પાંચેયને અતિક્રમીને પ્રત્યક્ આત્મા વિલસે છે. અન્નમયકોશથી પ્રારંભીને આ પાંચ ક્રમે ક્રમે સૂક્ષ્માતિસૂક્ષ્મ બનતા જાય છે. આ પાંચ કોશ એકબીજાથી તદ્ન અળગા નથી. એકબીજાની એકબીજા પર અસર થાય છે. તેઓ અન્યોન્ય ગાઢ રીતે સંકળાયેલા છે. અન્નમયકોશમાં બનતી પ્રક્રિયાઓની પ્રાણ પર અને પ્રાણમયકોશમાં બનતી પ્રક્રિયાઓની અન્નમયકોશ અર્થાત્ સ્થૂલ શરીર પર અસર થાય જ છે. તે જ રીતે પ્રાણની મન પર અને મનની પ્રાણ પર અસર થાય જ છે.
આ પ્રકારના સંબંધના રહસ્યને ચાવીરૂપ ગણીને હઠયોગ સ્થૂળ શરીરથી પ્રારંભ કરે છે, પણ સ્થૂળ શરીર પર જ અટકી જવાનું તેમાં નથી. સ્થૂળથી સૂક્ષ્મ તરફની તેમાં યાત્રા છે. હઠયોગમાં એવી સાધન પ્રક્રિયાઓ યોજવામાં આવી છે કે જેનો પ્રારંભ અન્નમયકોશ પર થાય છે, પરંતુ તેની અસર પ્રાણમયકોશ પર અને આગળ જતાં તેથી પણ સૂક્ષ્મ મનોમય આદિ કોશો સુધી થાય છે.
(3) હઠયોગની સાધનપ્રક્રિયાઓ સમજવા માટે ચાવીરૂપ ગણાતા કેટલાક મહત્ત્વના શબ્દો સમજવા આવશ્યક છે.
(અ) પ્રાણ :
આપણું સમગ્ર શરીર પ્રાણથી વ્યાપ્ત અને અનુપ્રાણિત છે. પ્રાણ જીવનશક્તિ છે. શરીર અને મનની ક્રિયાઓ પ્રાણશક્તિ વિના ચાલી શકતી નથી. વળી પ્રાણ શરીર અને મનને જોડનારી કડી છે. પ્રાણ મૂલત: એક હોવા છતાં કાર્યભેદથી એનાં પાંચ સ્વરૂપો ગણાય છે.
પ્રાણ :
પાંચે પ્રાણમાં મુખ્ય છે. તેનું સ્થાન હૃદયમાં છે. જીવનધારણ તેનું કાર્ય છે.
અપાન :
નાભિથી નીચેના પ્રદેશમાં તેનું સ્થાન છે. ઉત્સર્ગ તેનું કાર્ય છે.
સમાન :
નાભિમાં તેનું સ્થાન છે. પાચન તેનું કાર્ય છે.
ઉદાન :
કંઠમાં તેનું સ્થાન છે. ઉન્નયન તેનું કાર્ય છે.
વ્યાન :
સમગ્ર શરીરમાં તેનું સ્થાન છે. પરિનયન તેનું કાર્ય છે.
આ ઉપરાંત નાગ, કૂર્મ, કૃકર, દેવદત્ત અને ધનંજય – આ પાંચ ઉપપ્રાણ પણ છે.
હઠયોગ પ્રાણ સંયમયોગ છે, તેથી હઠયોગમાં પ્રાણમય શરીર સૌથી મહત્ત્વનું છે.
(બ) નાડીઓ :
નાભિસ્થાનમાં રહેલ કંદમાંથી 72000 નાડીઓ સમગ્ર શરીરમાં વ્યાપીને રહેલી છે. આ નાડીઓ દ્વારા સમગ્ર શરીરમાં પ્રાણનું સંચરણ થાય છે. આ નાડીઓ સ્થૂળ શરીરનો નહીં, પરંતુ પ્રાણમય શરીરનો ભાગ છે, તેથી તેમનું સ્થાન પ્રાણમય શરીરમાં છે, તેમ સમજવું જોઈએ.
મુખ્ય નાડીઓ ત્રણ છે – ઈડા, પિંગલા અને સુષુમ્ણા. આ ત્રણે નાડીઓ પૃષ્ઠવંશમાંથી પસાર થાય છે. સુષુમ્ણા વચ્ચે છે, ઈડા ડાબી બાજુ છે અને પિંગલા જમણી બાજુ છે. સામાન્ય રીતે સુષુમ્ણા બંધ હોય છે.
(ક) ચક્રો :
મેરુદંડના નીચેના છેડાથી ટોચ (મસ્તક) સુધીમાં સાત ચક્રો આવેલાં છે. સૌથી નીચેથી લેતાં મૂલાધાર (યોનિસ્થાન), સ્વાધિષ્ઠાન (મેઢ્ર), મણિપુર (નાભિ), અનાહત (હૃદય), વિશુદ્ધ (કંઠ), આજ્ઞા (ભ્રૂમધ્ય), સહસ્ત્રાર (મસ્તક) – આ ક્રમે સાત ચક્રો રહેલાં છે.
આ પ્રત્યેક ચક્રના આકાર, રંગ, પાંખડીઓ, વર્ણો, ધ્યાનની પદ્ધતિ, જાગૃતિનાં લક્ષણો વગેરે બાબતો વિશે હઠયોગમાં વિગતવાર વિચારણા થયેલ છે.
(ડ) ગ્રંથિ અને મંડલ :
ગ્રંથિઓ ત્રણ છે. નાભિસ્થાનમાં બ્રહ્મગ્રંથિ, હૃદયમાં વિષ્ણુગ્રંથિ અને ભ્રૂમધ્યમાં રુદ્રગ્રંથિ રહેલ છે.
નાભિવિસ્તારને યોનિમંડલ, હૃદયપ્રદેશને વહ્નિમંડલ અને મસ્તકને સોમમંડલ કહે છે.
(ઈ) કુંડલિની અને તેનું જાગરણ :
કુંડલિની અત્યંત રહસ્યપૂર્ણ શક્તિ છે. હઠયોગની ક્રિયાઓ કુંડલિનીના જાગરણ માટે છે. કુંડલિની શક્તિના જાગરણથી સમગ્ર જીવનનું રૂપાંતર શક્ય બને છે. કુંડલિની સૌથી નીચેના મૂલાધાર ચક્રમાં (અન્ય મતે મણિપુર ચક્રમાં) ગૂંચળું વળીને સુષુપ્ત અવસ્થામાં પડેલી છે. યૌગિક ક્રિયાઓથી તે જાગે છે. જાગીને જ્યારે તે સુષુમ્ણા માર્ગે ઉપર ચડે છે, ત્યારે સાધકની ચેતનામાં મોટા ફેરફારો થવા માંડે છે. આ કુંડલિની શક્તિ માર્ગમાં આવતાં ચક્રો અને ગ્રંથિઓને ભેદતી ભેદતી આગળ વધે છે. જ્યારે કુંડલિની સહસ્ત્રારમાં પહોંચે છે, ત્યારે સાધક સમાધિ અવસ્થાને પામે છે અને હઠયોગની સાધનાનું લક્ષ્ય સિદ્ધ થાય છે.
પ્રાણ, નડી, ચક્રો, ગ્રંથિઓ, કુંડલિની અને તેનું જાગરણ- આ બધી હકીકતોને આધુનિક શરીરવિજ્ઞાનની પરિભાષામાં સમજાવી શકાય તેમ નથી. પ્રાણમય શરીરમાં ઘટતી આ બધી ઘટનાઓ છે. આ ઘટનાઓ માનવચેતનાના રૂપાંતરમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે.
આપણા સ્થૂળ શરીરની વાઢકાપ કરવામાં આવે તો તેમાં પ્રાણ, નાડીઓ, ચક્રો, ગ્રંથિઓ આદિ મળી શકે નહીં, કારણ કે આ સર્વ પ્રાણમય શરીરમાં અવસ્થિત છે.
- હઠયોગની સાધનપદ્ધતિ :
હઠયોગના જુદા જુદા ગ્રંથોમાં સાધનાનાં અંગો અને તેમના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. અહીં આપણે ‘હઠપ્રદીપિકા’ને હઠયોગની સાધનાનો પ્રમાણભૂત ગ્રંથ ગણીને તેને આધારે હઠયોગની સાધનપદ્ધતિનો વિચાર કરીએ.
(1) યોગાસન :
હઠયોગમાં આસન પતંજલિપ્રણિત રાજયોગની જેમ માત્ર स्थिरसुखमासनम् નથી. અહીં આસનનું સ્વરૂપ અને તેનો હેતુ ભિન્ન છે. અહીં આસન એક વિશિષ્ટ શારીરિક અવસ્થા છે, જેના દ્વારા પ્રાણ સંચારનો હેતુ સિદ્ધ કરવામાં આવે છે. ‘હઠયોગ પ્રદીપિકા’ ‘ઘેરંડ સંહિત’ વગેરે હઠયોગના પ્રમાણભૂત ગ્રંથોમાં આસનોનું વર્ણન કરતી વખતે એ વાત વારંવાર કહેવામાં આવી છે કે આસનના અભ્યાસથી કુંડલિની પ્રબોધનમાં સહાયતા મળે છે. દૃષ્ટાંતત: આપણે અહીં ‘હઠ પ્રદીપિકા’માં આપવામાં આવેલ બે આસનોના અભ્યાસનું ફળકથન જોઈએ.
(ક્રમશ:)
આપણ વાંચો : તંદુરસ્તી-મનદુરસ્તી: પ્રાણાયામ એટલે વિશિષ્ટપદ્ધતિથી કરવામાં આવતી પૂરક, કુંભક ને રેચકની ક્રિયા