ટોપ ન્યૂઝનેશનલ

ભારતની લશ્કરી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનના ફફડાટ, ખ્વાજા આસિફે કહ્યું ગમે ત્યારે હુમલો થશે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ ભારતની જવાબી લશ્કરી કાર્યવાહીથી પાકિસ્તાનના ફફડાટ વ્યાપ્યો છે. જેના પગલે પાકિસ્તાનના નેતાઓ વારંવાર ભારત હુમલો કરશે તેવા નિવેદન કરી રહ્યા છે. તેવા સમયે ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપનારા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે ભારત ગમે ત્યારે નિયંત્રણ રેખા પર લશ્કરી હુમલો કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ઇસ્લામાબાદમાં પત્રકારો સાથે વાત કરતા ખ્વાજા આસિફે કહ્યું, એવા અહેવાલો છે કે ભારત નિયંત્રણ રેખા પર કોઈપણ સ્થળે પર હુમલો કરી શકે છે. પાકિસ્તાન આનો યોગ્ય જવાબ આપશે. આસિફે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પહેલગામ હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે.

ભારત તરફથી લશ્કરી કાર્યવાહી થઈ શકે છે

તેમણે કહ્યું, આ તપાસથી ખબર પડશે કે ભારત પોતે કે અન્ય કોઇ આંતરિક જૂથ સામેલ હતું. તેમજ ભારતના પાયાવિહોણા આરોપો પાછળનું સત્ય બહાર લાવશે. આ પહેલી વાર નથી જ્યારે કોઈ પાકિસ્તાની મંત્રીએ કહ્યું હોય કે પહેલગામ હુમલા પછી ભારત તરફથી લશ્કરી કાર્યવાહી થઈ શકે છે. દેશના માહિતી મંત્રી અત્તા તરારે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ભારત દ્વારા સંભવિત હુમલાના ભયને કારણે આગામી 24-36 કલાક મહત્વપૂર્ણ છે. જોકે, સમય વીતી ગયો અને આવી કોઈ કાર્યવાહી શરૂ થઈ નહીં.

પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ

આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરે સોમવારે દેશની પ્રતિષ્ઠા અને તેના લોકોના રક્ષણ કરવા માટે સંપૂર્ણ તાકાતથી જવાબ આપવાની દેશની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. 22 એપ્રિલના રોજ થયેલા પહલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. તેની બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ભારતમાં પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની માંગ વધી રહી છે. આ દરમિયાન ભારતના ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને 7 મે, 2025 ના રોજ મોક ડ્રિલ કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો…ભારત-પાકિસ્તાન વચ્ચેના ટેન્શન વચ્ચે ગૃહ મંત્રાલયે રાજ્યો માટે મોક-ડ્રિલનો લીધો નિર્ણય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button