મુંબઈગરાને વિશેષ સવલત:ફક્ત ૨૨ ટકા પાણી હોવા છતાં પાણીકાપ નહીં…
મહારાષ્ટ્રમાં ૩૩ ટકા પાણી છતાં અનેક સ્થળે પાણી નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં હાલમાં તેમની પાણી સમાવવાની કુલ ક્ષમતાના માત્ર ૨૨ ટકા પાણી જ બચ્યું છે. સોમવારે સાતેય જળાશયોમાં રહેલા પાણીના જથ્થાની સમીક્ષા કર્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએે મુંબઈગરાને આશ્વશન આપ્યું હતું કે હાલનો પાણીનો જથ્થો ૩૧ જુલાઈ સુધી શહેરની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતું છે. જોકે વધતા તાપમાનને કારણે બાષ્પીભવન ઝડપથી થઈ રહ્યું છે. તેથી અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો પાણીની કટોકટી ઊભી થવાની સંભાવના છે. પાલિકા પાણીના અનામત જથ્થા પર આધાર રાખી રહી છે, જે કટોકટીના પરિસ્થિતિમાં ભાતસા અને અપર વૈતરણા તળાવમાંથી મેળવી શકાય છે.
પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ સોમવારે પાલિકા મુખ્યાલયમાં મુંબઈના પાણીના સ્ટોકની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં પાણીપુરવઠા વિભાગના અધિકારીઓ પણ હાજર હતા. આ સમીક્ષા બેઠકમાં નોંધવામાં આવ્યું હતું કે વર્તમાનમાં તળાવોની સપાટીમાં ઘટાડો થયો છે પણ તે ૨૦૨૪ અને ૨૦૨૩ની સાલ કરતા વધારે છે. જયારે પાણીનો સ્ટોક અનુક્રમે ૧૭.૫૪ અને ૨૩.૦૧ ટકા હતો. હાલ જળાશોયમાં ૩,૨૮,૦૪૨ મિલ્યન લિટર એટલે કે ૨૨.૬૬ ટકા પાણી જળાશયોમાં છે. જોકે વધતું તાપમાન અને બાષ્પીભવન ચિંતાનો વિષય બન્યો છે, જે જળાશયોમાં પાણીના જથ્થામાં સતત ઘટાડો લાવી રહ્યું છે.
જળાશયોમાં ઘટતી સપાટીથી પાણીકાપનું સંકટ નિર્માણ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે મુંબઈને વધારાના પાણી માટે કન્ટિજન્સી રિઝર્વનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. પાલિકાના અધિકારીઓએ એવું આશ્ર્વાસન પણ આપ્યું હતું કે પાણીકાપ મૂકવા માટે તાત્કાલિક કોઈ યોજના બનાવી નથી અને વર્તમાનમાં જે પાણીનો સ્ટોક છે તે આગામી ૮૭ દિવસ ચાલી રહે એટલો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈન પાણી પૂરું પાડતા જળાશયોમાં ઉપલબ્ધ પાણીના સ્ટોક પર નજર રાખવામાં આવી રહી છે. ચોમાસાના આગમન બાબતે હવામાન વિભાગ સાથે સંકલન કરવામાં આવશે અને તે મુજબ આગળ નિર્ણય લેવામાં આવશે.
મુંબઈમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત ૧૦થી ૧૧ જૂનની આસપાસ થતી હોય છે. જોકે તાજેતરના વર્ષોમાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદ ઘણી વખત જુલાઈ મધ્ય સુધીમાં શરૂ થાય છે. પાલિકાના અંદાજ મુજબ પાણીનો એક ટકા સ્ટોક સામાન્ય રીતે ત્રણ દિવસ ચાલે છે. જોકે કે છેલ્લા ૧૫ દિવસોમાં ૨૪ દિવસ ચાલે એટલું પાણી ઓછું થઈ ગયું છે. વધતા તાપમાનને કારણે પાણીની સપાટીમાં ઝડપથી થઈ રહેલા ઘટાડાએ ચિંતા ઊભી કરી છે. મહારાષ્ટ્ર સરકારે પાલિકાને ૧.૮૪ લાખ મિલ્યન લિટરના રિઝર્વ સ્ટોકમાંથી પાણી મેળવવાની મંજૂરી આપી છે. પાલિકા દ્વારા મુંબઈને દરરોજ ૩,૯૫૦ મિલ્યન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે, તેમાંથી ૩૪ ટકા પાણી પાઈપલાઈનના ગળતર અને પાણીની ચોરીમાં વેડફાઈ જાય છે.
મહારાષ્ટ્ર જળાશયોમાં માત્ર ૩૩.૩૭ ટકા પાણીનો જથ્થો
આકરા ઉનાળા વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં પાણીની કારમી અછત વર્તાઈ છે. નદીઓની સાથે જ બંધમાં પાણીના તળિયા દેખાઈ રહ્યા છે. રાજ્યના મોટા, મધ્યમ અનેના એમ કુલ ૨,૯૯૭ સિંચન પ્રોજેક્ટમાં માત્ર ૩૩.૩૭ ટકા પાણીનો સ્ટોક બચ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. હજી આખો મે મહિના બાકી છે. તેથી આગામી દિવસમાં પાણીની સપાટીમાં હજી ઘટાડો થવાની શક્યતા છે. હાલ રાજ્યના ૧૯ જિલ્લાના અનેક ગામો ભીષણ પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. ૫૭ સરકારી અને ૮૭૯ ખાનગી ટેન્કર દ્વારા પાણીપુરવઠો કરવામાં આવી રહ્યો છે, જેમાં થાણે જિલ્લામાં ૪૭, રાયગઢમાં ૩૦, પાલઘરમાં ૨૮, નાશિકમાં ૯૦ અને સૌથી વધુ છત્રપતિ સંભાજી નગર ૨૪૫ ટેન્કરો દ્વારા પાણીપુરવઠો કરવામાં આવી રહ્યો છે.
આપણ વાંચો : કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ ગેરકાયદે હોવાનો ચુકાદો