વૈશાખમાં રાજ્યનાં 53 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ; અમદાવાદમાં પણ મોડી રાતે શરૂઆત

અમદાવાદ: વૈશાખ મહિને ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યનાં 53 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 12 તાલુકામાં અડધાથી લઈને એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ભાવનગરના સિહોરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ તેમજ ભાવનગરમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે રાજ્યનાં 53 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના સિહોરમાં 1.46 ઇંચ નોંધાયો હતો. જ્યારે ભાવનગરમાં 1.06 ઇંચ નોંધાયો હતો. ગાંધીનગરના માણસામાં 0.94 ઇંચ, ખેડાના નડિયાદમાં 0.87 ઇંચ, વડોદરામાં 0.79 ઇંચ, બનાસકાંઠાના દિયોદર અને આણંદના સોજિત્રામાં 0.75 ઇંચ વરસાદ નોંધાયો હતો.
વીજળીના કડાકા સાથે અમદાવાદમાં વરસાદ
આજે બપોર બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન તેમજ ધૂળની આંધી જોવા મળી હતી. જેને કારણે વિજિબિલિટી ઘટી ગઇ હતી. ત્યારબાદ હાલ મોડી રાતે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો.
સમગ્ર રાજ્યમાં વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યનાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. આજે બપોર બાદ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, અને અનેક જગ્યાએ મોટા કરા પણ પડ્યા હતા. તોફાની પવનના કારણે હોર્ડિંગ્સ અને છાપરા ઉડી ગયા હતા, જ્યારે ભાવનગરમાં મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા.
આ પણ વાંચો ભાવનગરમાં વાઝડી, કરા અને વરસાદે સર્જી તારાજી, અનેક વૃક્ષો ધરાશાયી, વીજળી પડી
ખેડૂતો માટે આફતરૂપ
આ વરસાદ અને વાતાવરણમાં આવેલા ઠંડકના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ આફતરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને જે ખેડૂતોના ખેતરમાં ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, તેઓને ભારે નુકસાન થવાની સંભાવના છે