IPL 2025

કમિન્સની પહેલી ત્રણેય વિકેટમાં ત્રણેય કૅચ વિકેટકીપર ઇશાન કિશને ઝીલ્યા

હૈદરાબાદ સામે દિલ્હીના સાત વિકેટે માત્ર 133 રન

હૈદરાબાદઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ આઇપીએલ-2025ની સીઝનની પ્લે-ઑફની રેસની બહાર થઈ ગયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ સામે આજે અહીં બૅટિંગ મળ્યા બાદ અત્યંત ખરાબ શરૂઆત કરી હતી અને છેલ્લે 20મી ઓવરને અંતે એનો સ્કોર સાત વિકેટે 133 રન હતો જેમાં ટ્રિસ્ટને સ્ટબ્સ (41 રન, 36 બૉલ, ચાર ફોર) અને આશુતોષ શર્મા (41 રન, 26 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)નું ટીમમાં એકસરખું સાધારણ યોગદાન હતું.

દિલ્હીની ઇનિંગ્સની સૌથી મોટી વિશેષતા એ હતી કે પહેલી ત્રણેય વિકેટ હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે (PAT CUMMINS) લીધી હતી. ત્રણેય વિકેટમાં વિકેટકીપર ઇશાન કિશને (ISHAN KISHAN) કૅચ પકડ્યો હતો. કરુણ નાયર (0)ને કમિન્સે મૅચના પહેલા જ બૉલમાં આઉટ કર્યો હતો, જ્યારે કમિન્સે પછીની ઓવરમાં ફાફ ડુ પ્લેસી (ત્રણ રન) અને ત્યાર બાદની ઓવરમાં અભિષેક પોરેલ (આઠ રન)ની વિકેટ લીધી હતી. આ ત્રણેય વિકેટ માત્ર 15 રનમાં પડી હતી.

દિલ્હીની ચોથી વિકેટ અક્ષર પટેલ (છ રન)ની પડી હતી જેમાં પણ કમિન્સની ભૂમિકા હતી. હર્ષલ પટેલના બૉલમાં કમિન્સે અક્ષરનો કૅચ ઝીલ્યો હતો. 26મા રને અક્ષર આઉટ થયા બાદ 29મા રને કે. એલ. રાહુલ (10 રન) આઉટ થયો હતો અને એમાં ફરી કિશનનો રોલ હતો. જયદેવ ઉનડકટના બૉલમાં કિશને રાહુલનો કૅચ પકડ્યો હતો.

ટ્રિસ્ટેન અને આશુતોષ વચ્ચેની સાતમી વિકેટ માટે 66 રનની ભાગીદારીએ દિલ્હીની ટીમની થોડી આબરૂ સાચવી હતી અને એને 133 રનનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો.

સીએસકેની પ્લેઇંગ-ઇલેવનમાંથી પેસ બોલર મોહમ્મદ શમીને પડતો મૂકવામાં આવ્યો છે અને નીતીશ કુમાર રેડ્ડીને ઇમ્પૅક્ટ પ્લેયર માટેના પાંચ વિકલ્પમાં પણ નથી સમાવાયો.

ગયા વર્ષે નીતીશ રેડ્ડી ઘણી ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો, પણ ભારત વતી પાંચ ટેસ્ટ અને ચાર ટી-20 રમી ચૂકેલા આ વખતે આઇપીએલની નવમાંથી એક પણ મૅચમાં પૂરા 35 રન પણ નથી કર્યા.

ટી. નટરાજનને આ વખતે પહેલી વાર રમવાનો મોકો અપાયો છે અને તે દિલ્હી કૅપિટલ્સ વતી તે પહેલી વાર રમતો જોવા મળશે.

આ પણ વાંચો IPL 2025: ગુજરાત ટાઇટન્સની તાકાત વધુ વધશે; આ સાઉથ આફ્રિકન બોલર ટીમમાં જોડાઈ શકે છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button