નેશનલ

પીએમ મોદીનો બેઠકોનો દોર યથાવત્ઃ રાહુલ ગાંધી અને સીજીઆઈ સાથે કરી મહત્ત્વની બેઠક

નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ ભારત ખૂબ ગંભીર છે અને કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે. પહલગામ આતંકી હુમલા બાદ વડા પ્રધાન કાર્યાલય (PMO) ખાતે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે હવે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના વડા પ્રધાન કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. મળતી વિગતો અનુસાર આ બેઠકમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના આગામી વડાના નામ પર ચર્ચા થઈ હતી.

રાહુલ ગાંધી પહોંચ્યા PMO

મળતી વિગતો અનુસાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી થોડા સમય પહેલા વડા પ્રધાન કાર્યાલય પહોંચ્યા હતા. વાસ્તવમાં, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટરની નિમણૂક અંગે વડા પ્રધાન કાર્યાલયમાં એક બેઠક યોજાઈ હતી. સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક ત્રણ સભ્યોની સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ સમિતિમાં વડા પ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થાય છે. આ સમિતિના અધ્યક્ષ વડા પ્રધાન છે.

આ પણ વાંચો: રાજનાથ સિંહનો હુંકાર, કહ્યું દેશ ઈચ્છે છે જે એ જ ભાષામાં પીએમ મોદી જવાબ આપશે

CJI સંજીવ ખન્ના પણ હાજર

વડા પ્રધાન કાર્યાલય ખાતેની બેઠકમાં રાહુલ ગાંધી અને CJI સંજીવ ખન્ના પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક માટેના નામ પર ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ નામની ભલામણ સરકારને મોકલવામાં આવશે. આ આધારે, કેન્દ્ર સરકાર સીબીઆઈના આગામી ડિરેક્ટરની નિમણૂક કરશે.

વર્તમાનમાં કોણ છે સીબીઆઈના ડિરેક્ટર?

વર્તમાનમાં સીબીઆઈના ડિરેક્ટર પ્રવીણ સૂદ છે. તેમણે 25 મે 2023 ના રોજ CBI ના ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ 2024 માં નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને CBI ડિરેક્ટર તરીકે બે વર્ષનો કાર્યકાળ આપવામાં આવ્યો.

આ પણ વાંચો: પાકિસ્તાન પર કાર્યવાહી પહેલા વડા પ્રધાન મોદીએ એર ચીફ માર્શલ સાથે કરી મુલાકાત

ગઇકાલે એર ચીફ માર્શલ સાથે બેઠક

ઉલ્લેખનીય છે કે પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વણસી રહ્યા છે. ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરશે તેવી ચર્ચા થઈ રહી છે. ભારતે વિવિધ પ્રતિબંધો દ્વારા પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button