નેશનલ

વર્ષ 1965નો એ દિવસ જ્યારે ભારતીય સેના લાહોરની ભાગોળે પહોંચી ગઈ હતી

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત બદલો લેવા તત્પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાને કાર્યવાહી કરવા છૂટો દોર આપ્યો છે. બીજી તરફ પાકિસ્તાનને નેતાઓ અને સેનાના અધિકારીઓ ભારતને ધમકી આપી રહ્યા છે.

કેટલાક પાકિસ્તાની નેતાઓએ જરૂર પડે ભારત પર પરમાણુ હુમલો કરવાની પણ ધમકી આપી છે. પાકિસ્તાનના નેતો કદાચ વર્ષ 1965નો એ દિવસ ભૂલી ગયું છે જ્યારે ભારતીય સેના પાકિસ્તાનના બીજા સૌથી મોટા શહેર લાહોરમાં પ્રવેશી ગઈ હતી. યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(UNSC)ના હસ્તક્ષેપ બાદ ભારતીય સેના પરત ફરી હતી.

5 ઓગસ્ટ 1965 ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ શરૂ થયું હતું, જે બીજા કાશ્મીર યુદ્ધ તરીકે ઓળખાય છે. 6 સપ્ટેમ્બર, 1965 ના રોજ, ભારતીય સેના પાકિસ્તાનના બીજા સૌથી મોટા શહેર લાહોર સુધી પહોંચી ગઈ હતી, જેથી સમગ્ર વિશ્વનું ધ્યાન લાહોરની સ્થિતિ તરફ ખેંચાયું હતું.

આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો, આંતકીઓએ અગાઉ કરી હતી વિસ્તારની રેકી

પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો:

ઓગસ્ટ 1965માં પાકિસ્તાની સેનાએ ભારત સામે ઓપરેશન જિબ્રાલ્ટર શરુ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાને સ્થાનિક બળવાખોરોને ઉશ્કેરીને આ પ્રદેશ કબજો કરવાની યોજના બનાવી હતી. પાકિસ્તાન સેના 1962ના ચીન-ભારત યુદ્ધમાં ભારતની હાર બાદ ભારતની કથિત લશ્કરી નબળાઈનો લાભ ઇચ્છતી હતી.

આપણ વાંચો: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે પહલગામ આતંકવાદી હુમલા પર ખાસ સંસદ સત્ર બોલાવવાની કોંગ્રેસની માગણીને સમર્થન આપ્યું

ભારતનો વળતો જવાબ:

ભારતીય સેનાએ 28 ઓગસ્ટ, 1965 ના રોજ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હાજી પીર પાસ કબજે કરવામાં સફળતા મેળવી. જેનાથી જમ્મુથી શ્રીનગર વાયા પૂંછ અને ઉરી સુધીનું અંતર 200 કિમીથી વધુ ઘટી ગયું.

1 સપ્ટેમ્બરના રોજ, પાકિસ્તાને જમ્મુ નજીક અખનૂર સેક્ટરમાં ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ નામનું આક્રમણ શરૂ કર્યું. આ આક્રમણના જવાબમાં ભારતે પંજાબમાં સરહદ પારથી હુમલો શરૂ કર્યો.

આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા બાદ મુંબઈ રેલવે હાઈ એલર્ટ, પોલીસે મોક ડ્રીલ યોજી

ભારતે પંજાબનો મોરચો ખોલ્યો:

ભારતીય સેનાની 15મી ઇન્ફન્ટ્રી ડિવિઝન વાઘા ખાતે પાકિસ્તાન બોર્ડર ફોર્સને હરાવીને ગ્રાન્ડ ટ્રંક રોડ પર આગળ વધી. ભારતીય સૈનિકો લાહોરના ઉપનગર બાટાપુર સુધી પહોંચી ગયા હતાં.

પાકિસ્તાન સરકાર અને સૈન્યને ભારત પંજાબમાં મોરચો ખોલશે તેવી અપેક્ષા નહોતી, તેમને એમ હતું કે યુદ્ધ જમ્મુ અને કાશ્મીર સુધી મર્યાદિત રહેશે. પરિણામે, જ્યારે 6 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાએ હુમલો કર્યો, ત્યારે પાકિસ્તાની સેના તૈયાર ન હતી.

પાકિસ્તાની સેનાએ કશ્મીરથી લાહોર તરફ સૈનિકો મોકલવા પડ્યા હતાં. કાશ્મીરના અખનૂર પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલી પાકિસ્તાની વાયુસેનાને પણ ભારતીય સેનાનો સામનો કરવા માટે મોકલવામાં આવી.

આપણ વાંચો: આતંકવાદી હુમલા બાદ ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલ ગીતો યુટ્યુબ ઇન્ડિયા પરથી OUT

લાહોર પર કબજાની યોજના ન હતી:

પંજાબના ભૂતપૂર્વ મુખ્યપપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ સહીત કેટલાક લશ્કરી ઇતિહાસકારોના જણાવ્યા મુજબ ભારતનો ઇરાદો ક્યારેય લાહોર પર કબજો કરવાનો નહોતો કારણ કે શહેરને કબજે કરવા માટે મોટી સંખ્યામાં સૈનિકોની જરૂર પડી હોત. જોકે, જો કે જરૂર પડ્યે શાહદરામાં રાવી નદીના પુલને નષ્ટ કરવાની અને લાહોર-વઝીરાબાદ હાઇવેને બ્લોક કરવાની યોજના હતી.

UNએ કરી મધ્યસ્થી:

22 સપ્ટેમ્બર, 1965 ના રોજ, યુનીટેડ નેશન્સ ની મધ્યસ્થી દ્વારા બંને યુદ્ધવિરામ કરવામાં આવ્યો. યુદ્ધના સમાપન પછી 10 જાન્યુઆરી, 1966ના રોજ તાશ્કંદ કરાર થયો.

સોવિયેત યુનિયન દ્વારા મધ્યસ્થી કરાયેલા આ શાંતિ કરારમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ફરી પહેલા જેવા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં યુદ્ધ પહેલાની સ્થિતિઓ પર સૈનિકો પાછા મોકલવા અને રાજદ્વારી સંબંધોને સામાન્ય બનાવવાની અપીલ કરવામાં આવી.

તાશ્કંદ કરાર મુદ્દે વિવાદ:

કરારથી સત્તાવાર રીતે બંને દુશ્મનાવટનો અંત આવ્યો હતું, પરંતુ આ કરાર અંગે બંને દેશોમાં હંમેશા શંકા રહી, તેથી કાશ્મીરનો મૂળ મુદ્દો ઉકેલાયો નહીં.

કરાર પર હસ્તાક્ષર કર્યા પછી તાશ્કંદમાં ભારતના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના અચાનક મૃત્યુથી વિવાદ વધુ વકર્યો. પાકિસ્તાનમાં, આ કરારથી રાજકીય અશાંતિ ફેલાઈ ગઈ, જેના કારણે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ અયુબ ખાનની સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું.

આખરે, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું પરિણામ એ આવ્યું કે પાકિસ્તાનો કાશ્મીર પર કબજો કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો, જ્યારે ભારતે પોતાના પ્રદેશની સફળતાપૂર્વક રક્ષા કરી. બંને દેશોના હજારો સૈનિકો મૃત્યુ પામ્યા. આ યુદ્ધને કારણે દક્ષિણ એશિયાના જીઓ-પોલિટીકલ પરિદૃશ્યમાં મોટા ફેરફાર આવ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button