
અમદાવાદ: ગુજરાતનું મેગા સિટી અને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઓળખ ધરાવતું અમદાવાદ હવે જાણે ‘ગાબડાં એટલે કે ભૂવા સિટી’ બની ગયું હોય તેવી સ્થિતિ છે. હજુ તો ચોમાસાની શરૂઆત થાય તે પૂર્વે જ શહેરમાં ગાબડાં (ભૂવા) પડવાની ઘટનાઓ નોંધાઈ રહી છે. શહેરના મકરબા મેઈન રોડને સિક્સ લેન બનાવ્યાને હજુ માંડ છ મહિના જેટલો સમય વિત્યો છે, ત્યારે આ જ રોડ પર આજે એક મોટું ગાબડું પડ્યું હતું અને તેનો ભોગ એક રિક્ષા બની હતી.
ભૂવામાં પડી ગયો રિક્ષાનો અડધો ભાગ
આ ઘટના મકરબા મેઈન રોડ પર આવેલા અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક બની હતી. એક રિક્ષાચાલક રોજની જેમ પોતાના રસ્તે પસાર થઈ રહ્યો હતો, ત્યારે રસ્તા પર એક નાનો ખાડો પડ્યો હતો. જો કે તે બાબતે ચાલકનું ધ્યાન રહ્યું નહોતું અને રિક્ષા ખાડા પરથી પસાર થઈને તુરંત જ ગાબડાંમાં પડી હતી. રિક્ષાનો આગળનો અડધો ભાગ ગાબડાંમાં ઘૂસી ગયો હતો, જેના કારણે રિક્ષાનો કાચ તૂટી ગયો તેમજ રિક્ષાને પણ નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટનામાં રિક્ષાચાલકને પણ ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
શું કહ્યું રિક્ષાચાલકે ?
આ અંગે રિક્ષાચાલકે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે તેઓ રિક્ષા લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તા પર એક નાનો ખાડો હતો, જેના પર તેનું ધ્યાન નહોતું ગયું. પરંતુ જેવી તેમની રિક્ષા ખાડા પરથી પસાર થઈ કે તરત જ મોટું ગાબડું પડ્યું અને રિક્ષા અંદર ઘૂસી ગઈ હતી. તેમના માથામાં કાચ વાગવાથી લોહી નીકળવા લાગ્યું હતું.
રોડ પર રહે છે સતત વાહનોની અવરજવર
ઉલ્લેખનીય છે કે મકરબા મેઈન રોડને સિક્સ લેન બનાવવામાં આવ્યો હોય ફ્લાયઓવરનું કામ પણ પ્રગતિમાં છે. આ રોડ અમદાવાદના જૂના અને નવા ભાગને જોડે છે, જેના પર સતત વાહનોની અવરજવર રહે છે. વળી સવાર સાંજ ઓફિસના સમયે અહીં ભારે ટ્રાફિક જોવા મળે છે. ત્યારે આવા નવા રોડ પર ભૂવો પડવાથી તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.