કચ્છ

થરાદ પોલીસની પ્રશંસનીય કામગીરીઃ ડ્રગ્સ ઘુસાડવા કોલેજિયનો ઉપયોગ કરતી ગેંગને પકડી…

ભુજઃ પાકિસ્તાનની ભૂમિ અને જળ સરહદને અડકીને આવેલા કચ્છમાંથી કેફી દ્રવ્યોને દેશના અન્ય વિસ્તારોમાં ઘુસાડવા માટે ડ્રગ્સ માફિયાઓ નવા-નવા પેંતરા અજમાવી રહ્યા હોય તેમ રાજસ્થાનથી ભુજ સુધી ફેરા કરતી ખાનગી પેસેન્જર કારમાંથી ૩૭ લાખથી વધુના એમ.ડી ડ્રગ્સ સાથે બનાસકાંઠા પોલીસે ભુજના કોલેજીયન ડ્રગ પેડલરને ઝડપી પાડ્યો છે.
આ કાર્યવાહી અંગે થરાદના ડીવાયએસપી વારોતરિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પાડોશી રાજ્ય રાજસ્થાનથી કચ્છ સુધી મજૂરો અને વિધાર્થીઓને લઈને ફેરા કરતી રહેતી ખાનગી પેસેન્જર કારમાં યુક્તિપૂર્વક માદક પદાર્થોને ઘુસાડવામાં આવી રહ્યા હોવા અંગે ગુજરાત પોલીસને મળેલા ઈન્પુટના પગલે બંને રાજ્યોને જોડતી ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.

આ ચેકપોસ્ટ પરથી ગત રાત્રે પસાર થઇ રહેલી મારુતિ ઇકો કારને થોભાવી, અંદર તપાસ આદરાઈ હતી. આ કારની અંદર મોટાભાગે કચ્છ આવતા મજૂરો અને કેટલાક કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સવાર હતા જે પૈકી લાલ રંગનું બ્રાન્ડેડ ટી-શર્ટ પહેરેલા અને મોંઘી સોલ્ડર બેગ સાથેના શંકાસ્પદ લગતા રાકેશ બિશ્નોઇ નામના વિદ્યાર્થીની ગહન તલાશી હાથ ધરવામાં આવી હતી, જેમાં તેના શરીર પર તેમજ સોલ્ડર બેગમાં સેલોટેપ વડે ચોંટાડવામાં આવેલો મેફેડ્રોન ડ્રગ્સનો ૩૭.૫૦ લાખના મૂલ્યનો ૩૭૫ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. આ કેફી દ્રવ્યને તેણે જોધપુરના મંડોર વિસ્તારના વિકાસ બિશ્નોઈ નામના ડ્રગ ડીલર પાસેથી ખરીદ્યો હતો અને ભુજના મોહમ્મદ અબ્દુલ મોખા નામના શખ્સને આપવા માટે મજૂરો અને વિદ્યાર્થીઓનું વહન કરતી ખાનગી ઇકો કારમાં ભુજ આવી રહ્યો હતો તેવું તેણે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું.

હાલ આ ચોંકાવનારા મામલે રાજસ્થાન અને ગુજરાત પોલીસે સંયુક્ત રીતે ગહન તપાસ શરૂ કરી દીધી હોવાનું તેમણે ઉમેર્યું હતું. અત્રે એ નોંધનીય છે કે, ૧ ગ્રામના દસથી બાર હજાર રૂપિયાની અંદાજિત કિંમતે વેંચાતું આ હાઈ ડિમાન્ડ મેકડ્રોન ડ્રગ આજના જેન-ઝી યુવાનોમાં ‘મ્યાંઉ મ્યાંઉ’ ‘પાર્ટી ડ્રગ્ઝ’ ‘ફેન્સી ડ્રગ્ઝ’ ‘સિન્થેટીક ડ્રગ્ઝ’ ‘ડ્રોન’ ‘એમ-કેટ’ ‘વ્હાઈટ મેજિક’ વગેરે અલગ અલગ નામે પ્રચલિત છે. શરમજનક બાબત એ છે કે, ગુજરાતમાં અવારનવાર મોટાપાયે આ પ્રકારનું ડ્રગ્ઝ ઝડપાય છે. હજુ થોડાં સમય અગાઉ વડોદરા નજીક મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો હતો.

આ ઉપરાંત તાજેતરમાં જખૌ નજીકના શેખરણ પીર નજીક સરહદી સલામતી દળની ચોકિયાત ટુકડીને મેકડ્રોન ડ્રગ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું અંદાજિત દોઢ કરોડનું ‘એમ્ફેટામાઇન’ નામના દ્રવ્યનું બિનવારસુ પડીકું મળી આવ્યું હતું.

આપણ વાંચો : એપીએમસી માર્કેટમાંથી ડ્રગ્સની તસ્કરીનો પર્દાફાશ, 150 લોકો તાબામાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button