
નવી દિલ્હી : પહલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે અને તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ યુએનએસસી( UNSC)ની બેઠક બોલાવવામાં આવી છે. હવે પાકિસ્તાને યુએનએસસીને આ મુદ્દા પર બંધ બારણે વાતચીત કરવાની અપીલ કરી છે.
પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય
પાકિસ્તાનની અપીલ પર સુરક્ષા પરિષદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરશે. યુએનએસસીમાં બંધ બારણે થયેલી ચર્ચાઓ જાહેર કરવામાં આવતી નથી. પાકિસ્તાન હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે અને જુલાઈમાં 15 દેશોની સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની અધ્યક્ષતા કરશે.
આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખરેખર ખતરો
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, આસીમ ઇફ્તિખાર અહેમદે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ બધું જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં થઈ રહ્યું છે. તેમણે કહ્યું, પહલગામમાં એક ઘટના બની છે તે સ્પષ્ટ છે. પરંતુ તે પછી જે પરિસ્થિતિ વિકસિત થઈ છે તે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખરેખર ખતરો છે. અમારું માનવું છે કે સુરક્ષા પરિષદ પાસે ખરેખર આવું કરવાનો અધિકાર છે. પાકિસ્તાન સહિત UNSC ના કોઈપણ સભ્ય માટે આ ગંભીર પરિસ્થિતિ પર વિચાર કરવા માટે સુરક્ષા પરિષદની બેઠક અને ચર્ચાની વિનંતી કરવી સંપૂર્ણપણે યોગ્ય રહેશે.
પાકિસ્તાનના બેવડા ધોરણો
પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક નિર્ણયો લીધા ત્યારથી પાકિસ્તાનના રક્ષા મંત્રી, વિદેશ પ્રધાન, માહિતી પ્રધાન, રેલ્વે પ્રધાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો જેવા મોટા નેતાઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યા છે. આ નેતાઓએ ભારતને ગૌરી, ગઝનવી, અબ્દાલી જેવા મિસાઇલો અને પરમાણુ શસ્ત્રોથી ધમકી આપી હતી. બીજી તરફ વડાપ્રધાન શાહબાઝ શરીફે વારંવાર આંતરરાષ્ટ્રીય સમુદાયને પહલગામ હુમલાની તપાસ કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો….પહલગામ આતંકી હુમલા બાદનો વિડીયો ભયભીત મહિલાઓ બાળકો સાથે દોડતી જોવા મળી…