ગુજરાતના વાતાવરણમાં પલટોઃ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

ગાંધીનગરઃ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ આવ્યો છે. કમોસમી વરસાદના કારણે આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી હતી.
છેલ્લા ઘણાં દિવસેથી ત્રાહિમામ પોકારતી ગરમી પડી રહી હતી, જેથી અત્યારે થયેલા વરસાદના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. લોકોને તો ગરમીથી રાહત મળી છે કે, પરંતુ આ વરસાદે ખેડૂતને નુકસાન પહોંચાડ્યું છે.
આપણ વાંચો: દેશના આ રાજયોને મળશે કાળજાળ ગરમીથી રાહત, ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
વરસાદના કારણે ખેડૂતો સાથે સાથે વેપારીઓને પણ નુકસાન થયું
કમોસમી વરસાદે ખેતરમાં ઊભેલા પાકને નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોના ઉભા પાક અને ખુલ્લામાં રાખેલા પાકને નુકસાન થયું છે.
અરવલ્લી જિલ્લામાં તો ખેડૂતો સાથે સાથે વેપારીઓને પણ નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને વેપારીઓએ ધ્યાનમાં નહોતી લીધી. જેના કારણે માર્કેટમાં પડેલા ઘઉં, મકાઈ અને સોયાબીન પલડી ગયા અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
આપણ વાંચો: ભરઉનાળે ભાવનગરમા કમોસમી વરસાદ; ખેતી અને કેરીના પાકને નુકસાનની ભીતિ…
રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થયો
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ 6 મે સુધીમાં કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ અને 7 થી 8 મે સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
આગાહીની વાત કરવામાં આવે તો, આગામી 5 દિવસમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન 3-5 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની શક્યતાઓ છે. વરસાદને કારણે અમદાવાદમાં આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 35-36 ડિગ્રી સેલ્સિયસ થવાનું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
આપણ વાંચો: દેશમા ભરઉનાળે હવામાન પલટાશે, નવ રાજ્યમા કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ, હીટવેવની પણ આગાહી
અરવલ્લી, નર્મદા અને સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
IMD દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠે ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને પવનની ગતિ 50-55 કિમી પ્રતિ કલાકની રહેશે.
જેના કારણે 7મી મે સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા અને સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળશે પરંતુ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે.