ઇગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ક્રિકેટરોના કોન્ટ્રાક્ટ જાહેર કર્યા
ત્રણ ખેલાડીને આપ્યો ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ, ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટનને એક વર્ષનો કોન્ટ્રાક્ટ
લંડનઃ ઇગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ક્રિકેટરોના કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી. આ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર, 2023થી લાગુ કરવામાં આવશે. તેમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટના ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. કુલ 29 ખેલાડીઓને કરાર હેઠળ સામેલ કરવામાં આવ્યા છે. આ કરાર ત્રણ વર્ષ, બે વર્ષ અને એક વર્ષ માટે કરવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે બેન સ્ટોક્સને માત્ર 1 વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે માત્ર 3 ખેલાડીઓને 3 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ 3 ખેલાડીઓમાં હેરી બ્રુક, જો રૂટ અને માર્ક વુડનો સમાવેશ થાય છે. જો રૂટ સિવાય માર્ક વુડ અને બ્રુક ત્રણેય ફોર્મેટ રમે છે. રૂટ વન-ડે અને ટેસ્ટમાં રમે છે. તેણે તેની છેલ્લી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ 5 મે, 2019ના રોજ રમી હતી. આ ખેલાડીઓએ છેલ્લા કેટલાક સમયથી ઇંગ્લેન્ડ માટે સતત સારું પ્રદર્શન કર્યું છે.
રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગટ એટકિન્સન, જોની બેયરસ્ટો, જોસ બટલર, બ્રાઈડન કાર્સ, જેક ક્રોલી, સેમ કુરન, બેન ડકેટ, લિયામ લિવિંગસ્ટોન, ઓલી પોપ, મેથ્યુ પોટ્સ, આદિલ રશીદ, જોશ ટોંગ અને ક્રિસ વોક્સને 2 વર્ષનો કરાર મળ્યો હતો.
મોઈન અલી, જેમ્સ એન્ડરસન, બેન ફોક્સ, જેક લીચ, ડેવિડ મલાન, ઓલી રોબિન્સન, સ્ટોક્સ અને રીસ ટોપ્લેને માત્ર 1 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સ્ટોક્સ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી છે અને તે ટેસ્ટ ક્રિકેટમાં ટીમનો કેપ્ટન પણ છે. સ્ટોક્સે વનડે ક્રિકેટમાં પણ વાપસી કરી છે. આવી સ્થિતિમાં આ નિર્ણય પર પણ સવાલો ઉઠી રહ્યા છે. મોટી ઉંમરના ખેલાડીઓને 1 વર્ષના કરાર પર રાખવામાં આવ્યા છે.
ઓપનર જેસન રોયને કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું નથી. જ્યારે ક્રેગ ઓવરટન, જેમી ઓવરટન અને ઓલી સ્ટોનને ડેવલપમેન્ટ કોન્ટ્રાક્ટમાં રાખવામાં આવ્યા છે. રોયે ઈંગ્લેન્ડ માટે 5 ટેસ્ટ, 116 વન-ડે અને 64 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ઈજાના કારણે રોય 2023નો વર્લ્ડ કપ રમી શક્યો નહોતો.