પુણે – નાશિક રેલવે કોરિડોરનું કામ બહુ જલદી શરૂ થશે: રેલવે પ્રધાન
વધુ એક વંદે ભારત ટ્રેન મળવાના ઉજ્ળા સંજોગો

પુણે: પુણે-નાસિક રેલવે પ્રોજેક્ટ માટે પુનઃગઠનની યોજનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને મહારાષ્ટ્ર સરકારની મંજૂરી મળવાની સાથે કામ શરૂ થઈ જશે એમ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.
સૂચિત હાઇ-સ્પીડ રેલ કોરિડોર અગાઉ પુણેથી આશરે 60 કિલોમીટર દૂર નારાયણગાંવ નજીક ખોડદ ગામમાં જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (જીએમઆરટી)ની આસપાસના 15 કિ.મી.ના પ્રતિબંધિત ઝોનમાંથી પસાર થતો હતો. જોકે, આ વિસ્તારમાંથી ટ્રેન પસાર થવાને કારણે રેડિયો વેધશાળાની કામગીરીમાં ખલેલ પડી શકે છે એવી ચિંતા વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: ત્રીજા મુંબઇ માટે અલાયદા રેલવે કોરિડોરનું કરાશે નિર્માણ
રેલવે પ્રધાન વૈષ્ણવે જણાવ્યું હતું કે ’23 દેશના સહયોગથી સ્થાપન થયેલું જીએમઆરટી વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે. અગાઉની ગોઠવણીને કારણે તેની કામગીરીમાં અવરોધ આવી શકે છે, તેથી કોઈ પણ પ્રકારની દખલગીરી ટાળવા માટે નવેસરથી બધું તૈયાર કરવામાં આવી રહ્યું છે. એક વખત રાજ્ય સરકાર નવા રૂટને મંજૂરી આપી દે પછી કામ આગળ વધશે.’
વૈષ્ણવે શહેરના ઐતિહાસિક અને ઔદ્યોગિક મહત્વને ટાંકીને પુણે રેલવે સ્ટેશન માટે મોટા અપગ્રેડની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ સ્ટેશન વિશ્વ કક્ષાની સુવિધાઓ અને ચાર નવા પ્લેટફોર્મથી સજ્જ હશે. પુણે અને નાગપુર વચ્ચે વંદે ભારત ટ્રેન સંબંધે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા થઈ હતી.
(પીટીઆઈ)