પાકિસ્તાનની હાલત થશે બદથી બદતર, સિંધુ બાદ રોક્યું ચિનાબ નદીનું પાણી

નવી દિલ્હીઃ પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વણસ્યા છે. ભારતે પાકિસ્તાન પર વિવિધ પ્રતિંબંધ લગાવી દીધા છે સિંધુ સંધિ તથા વિઝા રદ થયા બાદ પણ અનેક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. બંને દેશોએ એકબીજા માટે એરસ્પેસ બંધ કર્યું છે. સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કર્યા બાદ ભારતે ચિનાબ નદી પર બગલિહાર બંધથી પાકિસ્તાન જતા પાણીના પ્રવાહને પણ રોકી દીધો છે. ઝેલમ નદી પર કિશનગંગા બંધ પર પણ આ પ્રકારનું પગલું ભરવાનું આયોજન છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જમ્મુના રામબનમાં બગલિહાર અને ઉત્તર કાશ્મીરમાં કિશનગંગા હાઈડ્રો પાવર ડેમ દ્વારા ભારત તરફથી છોડવામાં આવતાં પાણીના ટાઈમને રેગુલેટ કરે છે. આ બંધ દ્વારા પાકિસ્તાન પહોંચતા પાણીને કોઈપણ પૂર્વ ચેતવણી વગર ઓછું કરી શકાય છે અને પ્રવાહને વધારી પણ શકાય છે.
ભારતે ચિનાબ નદી પર બનેલા બગલિહાર ડેમના દરવાજા બંધ કરી દીધા છે. જેના કારણે પાકિસ્તાન તરફ વહેતા ચિનાબ નદીના પાણીમાં ભારે ઘટાડો થયો છે. ચિનાબ પરનો બગલિહાર ડેમ નદીના પ્રવાહમાં વહેતા હાઇડ્રો પાવર પ્લાન્ટ તરીકે બનાવવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ બંધમાંથી પાણીનો પ્રવાહ રોકાઈ રહ્યો નહોતો. પાણીના પ્રવાહમાં વિક્ષેપ પાડ્યા વિના વીજળી ઉત્પન્ન થઈ રહી હતી.
આપણ વાંચો: પાકિસ્તાન પર કાર્યવાહી પહેલા વડા પ્રધાન મોદીએ એર ચીફ માર્શલ સાથે કરી મુલાકાત
ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાન સાથે 1965, 1971 અને 1999ના યુદ્ધ બાદ સિંધુ જળ સમજૂતી રદ કરી નહોતી. પરંતુ આ વખતે પાકિસ્તાનને પદાર્થ પાઠ ભણાવવા આ કરાર સસ્પેન્ડ કર્યો છે. આ પગલાંથી પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ છે.