કિંગ કોહલી 50 રન પાર કરે એટલે જીત્યા જ સમજો! જાણો કેવી રીતે…
વિરાટના 1,146 રનનો અનોખો રેકોર્ડ: શેફર્ડની મોડી એન્ટ્રી પછીના ફિફટીનો વિક્રમ

બેંગ્લૂરુ: આઈપીએલ (IPL)ના 18 વર્ષના ઇતિહાસમાં રમી ચૂકેલા હજારો ખેલાડીઓમાં વિરાટ કોહલીના 8,509 રન હાઈએસ્ટ છે, શનિવાર રાત સુધીમાં તેના 505 રન આ વખતની સીઝનમાં હાઈએસ્ટ હતા, આઇપીએલની આઠ સીઝનમાં 500-પ્લસ રન કરનાર તે એકમાત્ર ખેલાડી છે અને આવા બીજા ઘણા વિક્રમો તેના નામે છે, પરંતુ શનિવારે તેણે એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો.
કોહલીએ આ વખતે જે સાત મૅચમાં 50-પ્લસ રન કર્યા એ બધી સાતેસાત મૅચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લરુ (RCB)નો વિજય થયો છે. 2023માં શુભમન ગિલ અને 2016માં ડેવિડ વોર્નરે આ સિદ્ધિ મેળવી હતી. જોકે કોહલીએ 2016માં પણ સાત મૅચમાં 50-પ્લસના સ્કોર સાથે બેંગ્લૂરુને જીતાડ્યું હતું એટલે એ રીતે કોહલી આ પ્રકારના રેકોર્ડમાં હવે નંબર-વન છે.
આ પણ વાંચો: CSK સામે શાનદાર ઇનિંગ સાથે વિરાટે વોર્નરનો રેકોર્ડ તોડ્યો, સાઈ સુદર્શનને પણ પાછળ છોડ્યો
આઇપીએલના ઇતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે વિરાટ કોહલીએ કુલ 1,146 રન કર્યા છે જેમાં તેના શનિવારના 62 રન પણ સામેલ છે. આઇપીએલ (IPL-2025)માં કોઈ એક ખેલાડીએ કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન કર્યા હોય એવી રેકોર્ડ બુકમાં કોહલીનો આ વિક્રમ છે. જેણે ડેવિડ વોર્નરના 1,134 રનનો રેકોર્ડ તોડ્યો છે. વોર્નરે આ 1,134 રન પંજાબની ટીમ સામે કર્યા હતા.
શનિવારે ચેન્નઈ સામેની મૅચમાં બેંગ્લૂરુનો કેપ્ટન રજત પાટીદાર આઉટ થયો ત્યારે બેંગલૂરુનો સ્કોર 17.4 ઓવરમાં 157/5 હતો. એ રીતે ત્યારે રોમારિયો શેફર્ડે 18મી ઓવરના પાંચમા બૉલથી (17.5) મેદાન પર આગમન કર્યું હતું. એ 17.5થી માંડીને 20મી ઓવરના અંત સુધીમાં શેફર્ડે હાફ સેન્ચુરી પૂરી કરી લીધી હતી. મેદાન પર આટલી મોડી એન્ટ્રી કર્યા બાદ હાફ સેન્ચુરી પૂરી કરી હોય એવા મોટી ટીમોના અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના રેકોર્ડ્સમાં આ નવો વિક્રમ છે.
આ પણ વાંચો: રોમારિયો શેફર્ડ: ટી-20 ક્રિકેટનો સૌથી ડેન્જરસ મૅચ-ફિનિશર
ઉલ્લેખનીય છે કે શેફર્ડે માત્ર 14 બૉલમાં છ છગ્ગા અને ચાર ચોક્કાની મદદથી 53 રન કર્યા હતા અને અણનમ રહ્યો હતો. શેફર્ડે ચેન્નઈના પેસબોલર ખલીલ અહમદની એક ઓવરમાં 32 રન ખડકી દીધા હતા.
બેંગલરુએ 19મી અને 20મી (છેલ્લી બે) ઓવરમાં 54 રન કર્યા હતા જે છેલ્લી બે ઓવરના કુલ રનના રેકોર્ડ્સમાં હાઈએસ્ટ છે. બેંગલૂરુએ 2024ની સીઝનનો દિલ્હી કેપિટલ્સનો આઈપીએલ રેકોર્ડ તોડ્યો છે. ત્યારે દિલ્હીએ ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં 19-20મી ઓવરમાં 53 રન કર્યા હતા.
બેંગ્લૂરુએ પહેલી વાર ચેન્નઈને સીઝનની બંને મૅચમાં હરાવ્યું!
આઈપીએલની એક સીઝનમાં બેંગલૂરુએ ચેન્નઈને બંને મૅચમાં હરાવ્યું હોય એવું પહેલી જ વખત બન્યું છે. જોકે ચેન્નઈ ત્રણ સીઝનમાં બેંગ્લૂરુને બંને લીગ મૅચમાં હરાવી ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે બેંગ્લૂરુની ટીમ શનિવારે રાત્રે ૧૬ પોઇન્ટ સાથે નંબર વન હતી અને પ્લે-ઑફમાં પહોંચવાની તૈયારીમાં જ હતી. બેંગ્લૂરુની હવે લખનઊ, હૈદરાબાદ, કલકત્તા સામે લીગ મૅચ બાકી છે.
આઇપીએલ-2025માં કઈ ટીમ કેવી સ્થિતિમાં?
ક્રમ | ટીમ | મૅચ | જીત | હાર | અનિર્ણિત | પૉઇન્ટ | રનરેટ |
1 | બેંગ્લૂરુ | 11 | 8 | 3 | 0 | 16 | +0.482 |
2 | મુંબઈ | 11 | 7 | 4 | 0 | 14 | +1.227 |
3 | ગુજરાત | 10 | 7 | 3 | 0 | 14 | +0.867 |
4 | પંજાબ | 10 | 6 | 3 | 1 | 13 | +0.199 |
5 | દિલ્હી | 10 | 6 | 4 | 0 | 12 | +0.362 |
6 | લખનઊ | 10 | 5 | 5 | 0 | 10 | -0.325 |
7 | કોલકાતા | 10 | 4 | 5 | 1 | 9 | +0.271 |
8 | રાજસ્થાન | 11 | 3 | 8 | 0 | 6 | -0.780 |
9 | હૈદરાબાદ | 10 | 3 | 7 | 0 | 6 | -1.192 |
10 | ચેન્નઈ | 10 | 2 | 8 | 0 | 4 | -1.211 |
નોંધઃ (1) દરેક ટીમે કુલ 14 લીગ મૅચ ફરજિયાત રમવાની છે. (2) ચેન્નઈ અને રાજસ્થાનની ટીમ સત્તાવાર રીતે પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે. (3) તમામ આંકડા શનિવારની ચેન્નઈ-બેંગલૂરુ મૅચના અંત સુધીના છે.