કવર સ્ટોરી: જાતિ આધારિત જનગણના સામાજિક આર્થિક ફાયદાના નામે રાજકીય લાભ ખાટવાનો ગૅમ પ્લાન?

-વિજય વ્યાસ
વિપક્ષો તો પહેલેથી જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી માટે માંગ કરી રહ્યા હતા,પણ શાસક પક્ષ કોઠું નહોતું આપતો અને હવે અચાનક યુ-ટર્ન મારીને એ વાત સ્વીકારી લીધી છે .
આમ વસતિગણતરીની સાથે બધા જ પક્ષો મળીને વિભિન્ન જ્ઞાતિના વિકાસના નામે મતનું પણ રાજકારણ ખેલી રહ્યા છે,પણ આ એક એવી જોખમી રમત છે કે જેમાં જ્ઞાતિ આધારિત ગણતરીથી સામાજિક ભાગલા વધશે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની જાહેરાત કરીને રાજકીય ઉત્તેજના પેદા કરી દીધી છે. છેલ્લાં ત્રણેક વરસથી કૉંગ્રેસ સહિતના વિપક્ષો જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની માગ કરી રહ્યા હતા, પણ મોદી સરકાર એમની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતી હતી. હવે બિહાર વિધાનસભાની ચૂંટણી આડે ગણીને 6 મહિના બચ્યા છે ત્યારે જ મોદી સરકારે આ જાહેરાત કરીને સૌને આંચકો આપી દીધો છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : પહલગામના આ તે કેવા પડઘા…
બિહારમાં તો જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાના મુદ્દે ભાજપ અને જેડીયુ વચ્ચે એવો તગડો ડખો પડેલો કે નીતિશે ભાજપનો સાથે છોડીને તેજસ્વી યાદવનો હાથ પકડી લીધેલો. બિહારમાંથી સર્વપક્ષીય પ્રતિતિનિધિમંડળે જઈને જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની માગ કરેલી, પણ મોદી સરકારે એ વખતે ધ્યાન નહોતું આપ્યું. હવે અચાનક મોદી સરકારે પલટી મારીને જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની જાહેરાત કરી નાખી છે.
ભારતમાં દર 10 વર્ષે કરાતી સામાન્ય વસતિગણતરી પણ હજુ બાકી છે (કોવિડકાળને કારણે છેલ્લી નિર્ધારિત વસતિગણતરી નહોતી થઈ શકી) એટલે તેની હારોહાર જ્ઞાતિ આધારિત વસતિગણતરી પણ કરાવી દેવાશે.
જો કે, ભારતમાં છેલ્લે કરાયેલી વસતિગણતરીને 15 વર્ષ થઈ ગયાં તેથી નવી પેઢીને તો આ ગણતરી શું છે તેની પણ ખબર નથી માટે પહેલાં વસતિગણતરી શું છે એ સમજી લઈએ.
આ પણ વાંચો: કવર સ્ટોરી : હવે મુત્સદ્દીગીરી સાથે મિલિટરી ઍક્શન લેવાનો સમય પાકી ગયો છે…!
દર 10 વરસે વસતિગણતરી થાય છે અને અત્યાર સુધીમાં ભારતની વસતિગણતરી 15 વખત હાથ ધરવામાં આવી છે. 1942 વાઇસરોય લોર્ડ મેયોના શાસનકાળમાં પહેલી વાર વસતિગણતરી થઈ પછી દર 10 વર્ષે આ વસતિગણતરી કરવામાં આવી છે. દેશ આઝાદ થયો પછી 1949માં પહેલી વાર ભારતમાં સામાન્ય જન- ગણતરી કરવામાં આવી. 1949માં આ ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસતિગણતરી કમિશનર દ્વારા હાથ ધરવામાં આવેલી વસતિગણતરી માટે 1948માં ઈન્ડિયા સેન્સસ એક્ટ, 1948 ઘડવામાં આવ્યો હતો. ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં આ કાયદો બનાવી દેવામાં આવ્યો હતો.
આ વસતિગણતરીના આંકડા 1951માં બહાર પડાયા હતા. એ પછીની બધી વસતિગણતરી 1948ના ‘ઈન્ડિયન સેન્સસ એક્ટ’ હેઠળ કરવામાં આવી હતી. ‘ઈન્ડિયન સેન્સસ એક્ટ’માં કેન્દ્ર સરકારે કોઈ ચોક્કસ તારીખે વસતિગણતરી કરવા અથવા સૂચિત સમયગાળામાં તેનો ડેટા જાહેર કરવો એવું નથી, પણ મોટા ભાગની સરકારોએ દર વર્ષે વસતિગણતરી કરીને એક પરંપરા સ્થાપિત કરી છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : આમિર ખાનનું રિ- ડેવલપમેન્ટ
છેલ્લી વસતિગણતરી 2011માં થઈ હતી. એ પછીની વસતિગણતરી 2021માં થવાની હતી પણ તે પહેલાં ભારતમાં કોવિડ ફાટી નિકળતાં મોકૂફ રખાઈ હતી. એ પછી લોકસભાની ચૂંટણી આવી ગઈ, વગેરે કારણોસર બીજાં ત્રણ વર્ષ જતાં રહ્યાં ને હવે 2025 પણ અડધો થવા આવ્યો છતાં વસતી ગણતરી શરૂ થઈ નથી તેથી વસતિગણતરી પણ કરાવવાની બાકી છે.
કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પ્રમાણે, દર દાયકામાં યોજાતી વસતિગણતરીની સાથે જ જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવી લેવાશે. કેન્દ્ર સરકારે વસતિગણતરીની તારીખ જાહેર કરી નથી પણ ઓકટોબરથી શરૂ થશે એવું લાગે છે. વસતી ગણતરી પૂરી થવામાં ઓછામાં ઓછાં 2 વર્ષ લાગશે તેથી જ્ઞાતિ આધારિત વસતિગણતરીના આંકડા આવતાં આવતાં 2027 આવી જશે.
વસતિગણતરી અને જ્ઞાતિ આધારિત વસતિ બંનેના આંકડા 2028ની શરૂઆતમાં આવશે તેથી 2029ની લોકસભાની ચૂંટણીમાં જ્ઞાતિવાદનું પ્રબળ જોર હશે એ કહેવા-ઉમેરવાની ની જરૂર નથી.
નરેન્દ્ર મોદી સરકારની જાહેરાત પછી એક તરફ આ નિર્ણયનો જશ ખાટવાની હોડ જામી છે તો બીજી તરફ તેના ફાયદા ગણાવવાની સ્પર્ધા પણ શરૂ થઈ છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોનું કહેવું છે કે, અમારા દબાણના કારણે મોદી સરકારે જ્ઞાતિ આધારિત વસતિગણતરીનો નિર્ણય લેવો પડ્યો છે. સામે ભાજપનો દાવો છે કે, કૉંગ્રેસે જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની વાતનો માત્ર પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : બચતના વ્યાજદર હજુ કેટલા ઘટશે?
આ આક્ષેપો અને પ્રતિઆક્ષેપોમાં વિપક્ષો સાચા છે કેમ કે જ્ઞાતિ આધારિત વસતિગણતરીનો મુદ્દો વિપક્ષોએ જ ઊભો કરેલો છે. આ માગ લાંબા સમયથી ચાલે છે અને 2011માં દેશમાં વસતિગણતરી કરાઈ ત્યારે ડો. મનમોહનસિંહ સરકારે એસસી, એસટીની સાથે ઓબીસીની કેટેગરી પણ રાખી હતી. આ ડેટા જાહેર કરાયો નહોતો, પણ કૉંગ્રેસે એ પહેલ કરી હતી. નીતિશ કુમાર લાંબા સમયથી આ માગ કરે છે અને ભાજપ તેના વિરોધમાં હતો એ પણ જગજાહેર છે.
અત્યારે જ્ઞાતિ આધારિત વસતિગણતરીની માગ પણ કૉંગ્રેસે જ રાષ્ટ્રીય સ્તરે ઉઠાવી હતી. કર્ણાટકની ચૂંટણીમાં જીતના પગલં કૉંગ્રેસે સત્તાવાર રીતે જ્ઞાતિ આધારિત વસતિગણતરીનું વાજું વગાડવાનું શરૂ કરી દીધેલું. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મોદીને પત્ર લખીને દેશમાં જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની માગ કરી હતી. 2011ના ‘સોશિયો ઈકોનોમિકસ એન્ડ કાસ્ટ સેંસસ’નો રિપોર્ટ જાહેર કરવા કૉંગ્રેસ સહિતના પક્ષોના સાંસદોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં મોદી સરકાર આ રિપોર્ટ જાહેર કરતી નથી એવો આક્ષેપ ખડગેએ પણ કર્યો હતો.
આ પણ વાંચો: કવર સ્ટોરી : કોણ મર્યાદા ઓળંગે છે સુપ્રીમ કોર્ટ કે રાજકારણીઓ?
કૉંગ્રેસે તો છેલ્લી લોકસભાની ચૂંટણીમાં પણ જ્ઞાતિ આધારિત વસતિગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ તો ‘જિતની આબાદી, ઉતના હક’નો નારો જ વહેતો કરેલો. રાહુલનું કહેવું હતું કે, આપણે વિકાસમાં તમામને ભાગીદાર બનાવવા હોય તો એ તો ખબર હોવી જોઈએ ને કે કોની કેટલી વસતી છે?આપણને એ જ ખબર ના હોય કે, દેશમાં ઓબીસી, દલિત, આદિવાસી અને બીજા સમુદાયોની કેટલી વસતિ છે તો બધાંને વિકાસમાં ભાગીદાર કઈ રીતે બનાવીશું?
રાહુલની વાતની પાછળ તો દેશમાં જ્ઞાતિવાદના આધારે ભાગલા પાડીને કૉંગ્રેસને ફરી બેઠી કરવાની હતી. ભાજપ સામે લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ખરાબ રીતે હારેલી કૉંગ્રેસને ફરી બેઠા થવા માટે કોઈ મોટો મુદ્દો જોઈતો હતો તેથી તેણે આ મુદ્દો ચગાવેલો.
કૉંગ્રેસ લોકસભામાં 54 બેઠકોથી સીધી 100 બેઠકોની આસપાસ પહોંચી ગઈ તેમાં આ મુદ્દાએ પણ ભાગ ભજવેલો.
હવે ભાજપે પણ આ માગ સ્વીકારી છે ત્યારે તેનો ઉદ્દેશ પણ સત્તા માટે જ્ઞાતિવાદના રાજકારણને પ્રોત્સાહન આપવાનો છે એ કહેવાની જરૂર નથી. જ્ઞાતિ આધારિત વસતિગણતરી પાછળ મતબેંકનું રાજકારણ છે અને આ રમતમાં હવે વિપક્ષોની સાથે શાસક પક્ષે પણ ઝુકાવ્યું છે. ઓબીસી અને પછાત જ્ઞાતિઓની મતબેંકને પોતાની તરફ વાળવાનો ખેલ છે. ભારતમાં લોકોને જ્ઞાતિઓના નામે સરળતાથી બેવકૂફ બનાવ શકાય છે અને જ્ઞાતિના નામે લોકોમાં ભાગલા પાડીને સત્તા હાંસલ કરી શકાય છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : સગાં ભાઈ-બહેને રોમેન્ટિક ફિલ્મ ન કરાય?
આ ખેલ વરસોથી ખેલાય છે અને તેના કારણે ના તો જ્ઞાતિઓનું ભલું થયું છે કે ના દેશનું ભલું થયું છે.
જ્ઞાતિ આધારિત વસતિગણતરીના કારણે ક્યાં રાજ્યમાં કઈ જ્ઞાતિની વસતિ વધારે છે તેના આંકડા મળશે. આ આંકડાના આધારે સરકારી યોજનાઓમાં રકમની ફાળવણીથી માંડીને અનામતનું પ્રમાણ સુધીનું બધું નક્કી થશે. અત્યારે જ ઓબીસી અનામતમાં પેટા અનામતની વાતો ચાલે જ છે. એક વાર જ્ઞાતિ આધારિત આંકડા આવશે તેથી વધારે મતદારો ધરાવતી જ્ઞાતિઓ સરકારનાં કાંડાં આમળવાનું શરૂ કરશે એટલે જ્ઞાતિ આધારિત અનામતની માગ પ્રબળ બનવાની જ છે.
જ્ઞાતિ આધારિત વસતિગણતરીના કારણે રાજકારણીઓને ઓબીસી કે બીજી કેટેગરીમાં કઈ જ્ઞાતિના કેટલા મતદારો છે તેની ખબર પડી જશે તેથી કોને વધારે સારી રીતે સાચવવાના છે તેની ખબર પડી જશે. આ જ્ઞાતિઓને વધારે સાચવીને સત્તા મેળવવાનો ગંદો ખેલ એ પછી શરૂ થશે. તેના કારણ દેશ જ્ઞાતિના વાડામાં વધારે વહેંચાશે ને આ વાત દેશના ફાયદામાં નથી.