
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં એક દુર્ઘટના સર્જાય છે. કાશ્મીરના રામબન જિલ્લામાં ભારતીય સેનાનું એક વાહન ખીણમાં ખાબકતાં ત્રણ જવાનો શહીદ થયા છે. ઘટના સ્થળના દ્રશ્યોમાં વાહનના ભંગારના અવશેષો 700 ફૂટ ઊંડી ખીણમાં પડેલા જોવા મળ્યા હતા. જવાનોના મૃતદેહો, તેમનો સામાન અને કેટલાક કાગળો અકસ્માત સ્થળે વેરવિખેર પડ્યા હતા.

અહેવાલો અનુસાર આ ટ્રક જમ્મુથી શ્રીનગર તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર જઈ રહેલા એક સેનાના કાફલાનો ભાગ હતો. અકસ્માત સવારે લગભગ 11:30 વાગ્યા નજીક સર્જાયો હતો. ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ, SDRF અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જે હાલ પણ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2024 માં જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં પણ એક મોટો અકસ્માત થયો હતો. પૂંછ જિલ્લાના મેંઢર સબ ડિવિઝનના બાલનોઈ વિસ્તારમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ ઘટનામાં 5 સૈનિકો માર્યા ગયા અને 5 ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વાહનમાં કુલ 10 જવાન મુસાફરી કરી રહ્યા હતા.