જામવાળીમાં તંત્રની ખનીજ માફિયાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી, 36 લાખનો મુદ્દામાલ જપ્ત

થાનગઢ: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાળી ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા એચ. ટી. મકવાણા અને તેમની ટીમે બાતમીના આધારે રાત્રિના સમયે દરોડો પાડીને ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ઝડપી પાડી હતી અને આશરે 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની ટીમ જામવાળી ખાતે આવેલી મહેસૂલી ચોકી પર રાત્રિ દરમિયાન ખાનગી રાહે વોચ ગોઠવીને બેઠી હતી. દરમિયાન, રાત્રિના આશરે 3 વાગ્યાની આસપાસ એક ટ્રક અને જામવાળીના વિજયભાઈ અલગોતરની માલિકીનું એક લોડર કાર્બોસેલના કુવાઓ પાસે ખોદકામ કરવાની તૈયારીમાં હતા. આરોપીઓએ ચરખીની મદદથી થોડો કોલસો ખોદીને ટ્રકમાં ભરવાનું શરૂ કર્યું કે તરત જ અધિકારીઓએ તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા.
આ કાર્યવાહીમાં તંત્રએ એક ટ્રક, એક લોડર, એક ચરખી અને આશરે 20 મેટ્રિક ટન કાર્બોસેલ મળીને કુલ અંદાજે રૂ. 36,00,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા તમામ વાહનોને મામલતદાર કચેરી ચોટીલા ખાતે લાવવામાં આવ્યા હતા અને પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
થાનગઢ તાલુકામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિને ડામવા માટે તંત્ર દ્વારા આ એક મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. નાયબ કલેક્ટર અને તેમની ટીમે રાત્રિના સમયે સફળ દરોડો પાડીને ખનીજ ચોરોને ઝડપી પાડતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આપણ વાંચો: વાતાવરણનાં પલટાની અસર ગિરનાર રોપ-વે પર દેખાઈ; ભારે પવનને કારણે હાલ સેવા સ્થગિત